Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
ને દેહ તલપે છે.
2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7 તમે મને સહાય કરી છે,
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
19 આ સાંભળીને રાજા નબૂખાદનેસ્સારે શાદ્રાખ, મેશાખ અને અબેદનગો ઉપર ક્રોધે ભરાયો અને તેનો ચહેરો લાલચોળ થઇ ગયો. તેણે હુકમ કર્યો, “ભઠ્ઠીને હંમેશા ગરમ કરવામાં આવે તે કરતાં સાતગણી વધારે ગરમ કરો.” 20 અને તેણે પોતાના લશ્કરના કેટલાક બળવાનમાં બળવાન માણસોને શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને બાંધીને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવાનો હુકમ કર્યો.
21 તેથી તેઓએ પહેરણ, પાઘડી અને બીજા વસ્ત્રો સાથે તેઓને દોરડાં વડે સખત બાંધ્યાં અને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા. 22 રાજાએ ગુસ્સામાં ભઠ્ઠીને ખૂબજ તપાવવાનો હુકમ કર્યો હતો. અગ્નિની જવાળાઓ ભઠ્ઠીની બહાર નીકળતી હતી. તેથી તેઓને ભઠ્ઠીમાં નાખનાર સૈનિકો પોતે ભસ્મ થઇ ગયા. 23 પછી શાદ્રાખ, મેશાખ અને અબેદનગો બંધાયેલી હાલતમાં જ ભભૂકતી જવાળામાં પડ્યાં.
24 નબૂખાદનેસ્સાર રાજા આ જોઇ આશ્ચર્ય પામીને એકદમ ઊભો થઇ ગયો અને પોતાના દરબારીઓને પૂછયું, “શું તમે ત્રણ જણને બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યાં નહોતાં?”
દરબારીઓએ કહ્યું “હા, એમજ કર્યુ હતું, નામદાર.”
25 નબૂખાદનેસ્સારે બૂમ પાડી. “અરે જુઓ, પણ હું તો ચાર માણસોને છૂટા થઇને આગમાં સાજાસમા ફરતાં જોઉં છું, અને પેલો ચોથો માણસ દેવપુત્ર જેવો દેખાય છે.”
26 પછી નબૂખાદનેસ્સારે સળગતી ભઠ્ઠીની પાસે જઇને પેલા માણસોને કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદનગો, સૌથી મહાન પરાત્પર દેવના સેવકો, બહાર આવો, અહીં આવો!”
આ સાંભળીને તેઓ તરત જ અગ્નિમાંથી બહાર આવ્યા. 27 અને પ્રશાસકો, સૂબાઓ, નાયબ સૂબાઓ અને રાજાના દરબારીઓ તેમની આસપાસ ભેગા થઇ ગયા. અને તેમણે જોયું કે, તેમના શરીર ઉપર અગ્નિની કોઇ અસર થઇ નહોતી. તેમના માથાના વાળ પણ બળ્યા નહોતા, તેમના વસ્ત્રોને અગ્નિ અડ્યો જ નહોતો અને તેમના શરીરમાંથી બળ્યાની ગંધ પણ આવતી નહોતી.
28 ત્યારબાદ નબૂખાદનેસ્સારે કહ્યું, “શાદ્રાખ, મેશાખ અને અબેદનગોના દેવનો જય હો! તેણે પોતાના દૂતને મોકલીને પોતાના ભકતોને ઉગારી લીધા છે, જેમણે એને ભરોસે રાજાની આજ્ઞાનો ભંગ કર્યો હતો અને પોતાના દેવ સિવાય બીજા કોઇપણ દેવની સેવા કે, પૂજા કરવાને બદલે મરવાનું પસંદ કર્યું હતું. પરંતુ દેવે તેઓનો ઉદ્ધાર કર્યો છે. 29 તેથી હું એવી આજ્ઞા કરું છું, કે, કોઇપણ પ્રજાનો કે, કોઇપણ ભાષા બોલનારો કોઇપણ માણસ મારા કાયદા નિયમનું ઉલ્લંધન કરનારને અને શાદ્રાખ, મેશાખ અને અબેદનગોના દેવની નિંદા કરનારના ટુકડે ટુકડા કરી દેવામાં આવશે. અને તેનું ઘર તોડીને ઢગલો કરી નાખવામાં આવશે, કારણ, માણસોને આ રીતે ઉગારી શકે એવો બીજો કોઇ દેવ નથી.” 30 ત્યારબાદ રાજાએ શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને વધારે ઊંચું સ્થાન આપ્યું, તેથી તેઓ બાબિલ પ્રાંતમાં પુષ્કળ સમૃદ્ધ થયાં.
સ્મુર્નામાંની મંડળીને ઈસુનો પત્ર
8 “સ્મુર્નામાંની મંડળીના દુતને આ લખ કે:
“એક જે પ્રથમ અને છેલ્લો છે તે આ હકીકતો તમને કહે છે. તે એક છે જે મૃત્યુ પામ્યો અને ફરી જીવતો થયો.
9 “તારી મુસીબતો હું જાણું છું. અને તું ગરીબ છે તે પણ જાણું છું પરંતુ ખરેખર તું ધનવાન છે! તારા વિષે કેટલાક લોકો ખરાબ વાતો કરે છે તે પણ હું જાણું છું. પેલા લોકો કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ સાચા યહૂદીઓ નથી તેઓ શેતાનની સભા છે. 10 તારી સાથે જે કંઈ બનશે તેથી તું ડરતો નહી. હું તમને કહું છું શેતાન તમારામાંના કેટલાકને બંદીવાન બનાવશે. તે તમારું પરીક્ષણ કરવા માટે આમ કરશે. તમારે દશ દિવસ સુધી સહન કરવુ પડશે. જો તારે મૃત્યુ પામવું પડે તો પણ વિશ્વાસુ રહેજે. જો તું વિશ્વાસુ બની રહેશે તો પછી હું તને જીવનનો મુગટ આપીશ.
11 “પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે, તે આત્મા, મંડળીઓને જે કહે છે તે સાંભળે. જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને બીજા મૃત્યુનું નુકશાન થશે નહિ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International