Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાનો આભાર માનો, તેના નામની સ્તુતિ કરો.
તેમનાં કૃત્યો લોકોમાં પ્રસિદ્ધ કરો.
2 યહોવા સમક્ષ ગાઓ, તેનાં સ્તોત્ર ગાઓ;
તેમનાં સર્વ ચમત્કારોનું મનન કરો અને સૌને તે જણાવો.
3 તમે યહોવાનાં પવિત્ર નામનું અભિમાન કરો;
યહોવાની આરાધના કરનારાઓ આનંદ કરો.
4 યહોવાને તથા તેના સાર્મથ્યને શોધો;
સદા-સર્વદા તમે તેના મુખને શોધો.
5 તેણે જે આશ્ચર્યકારક કર્મો કર્યા છે તે તથા તેનાં ચમત્કરો
અને તેનાં ન્યાયચુકાદા યાદ રાખો.
6 તમે લોકો દેવના સેવક ઇબ્રાહિમના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો.
અને તમે યહોવાની પસંદગીના લોકો છો.
7 તેઓ આપણા દેવ યહોવા છે;
તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
8 તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે;
અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.
9 એટલે કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કરેલો;
અને તેમણે ઇસહાક પ્રત્યેની પ્રતિજ્ઞા લીધેલી,
10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું,
અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો.
11 તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ;
અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”
12 જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં
તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં.
13 તેઓ એક દેશથી બીજે દેશ
અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતાં.
14 તેમણે તેઓ પર કોઇને દુર્વ્યવહાર કરવા દીધો નહિ;
દેવે રાજાઓને તેમને ઇજા નહિ કરવાની ચેતવણી આપી.
15 દેવ કહે છે, “તેમણે ચેતવણી આપી;
મારા અભિષિકતોને રંજાડશો નહિ;
અને મારા પ્રબોધકોને તકલીફ આપશો નહિ.”
16 તેમણે કનાનની ભૂમિમાં દુકાળ આવવા દીધો;
અને અન્નનો આધાર તેમણે તોડી નાખ્યો.
17 પછી તેમણે તેઓની પહેલાં યૂસફને મિસર મોકલ્યો,
અને તેને ગુલામ તરીકે વેચ્યો.
18 બંદીખાનામાં તેઓએ તેના પગોએ સાંકળો બાંધી,
અને તેઓએ લોખંડનો પટ્ટો તેના ગળે બાંધ્યો.
19 યહોવાના શબ્દે પૂરવાર કર્યુ કે તે યૂસફ સાચો હતો
ત્યાં સુધી યૂસફ જેલમાં રહો.
20 પછી રાજાએ માણસો મોકલીને તેને છોડાવ્યો;
અને લોકોના અધિપતિઓએ તેનો છુટકારો કર્યો.
21 પછી રાજાએ યૂસફને તેના મહેલનો તેમજ
તેની સર્વ મિલકતનો વહીવટ સોંપ્યો.
22 અને યૂસફે રાજાના અમલદારોને સૂચનાઓ
આપી વૃદ્ધ નેતાઓને સમજાવ્યું.
23 પછી યાકૂબ મિસરમાં આવ્યો;
અને ત્યાં હામનાં દેશમાં પોતાના પુત્રોની સાથે રહ્યો.
24 દેવે તેમની વૃદ્ધિ કરી,
અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.
25 દેવે મિસરવાસીઓને ઇસ્રાએલીઓ વિરુદ્ધ કર્યા;
અને મિસરવાસીઓએ તેનો ધિક્કાર કર્યો અને તેઓને ગુલામ બનાવ્યાં.
26 પણ યહોવાએ પોતાના સેવક મૂસાને તેના પ્રતિનિધિ તરીકે મોકલ્યો
અને તેની સાથે તેમણે યાજક તરીકે પસંદ કરેલા હારુનને મોકલ્યો.
27 દેવે તેમને હામની ભૂમિ પર મોકલ્યા;
ભયાવહ ચમત્કાર કરવા.
28 દેવે પૃથ્વી પર ખૂબ ગાઢ અંધકાર મોકલ્યો,
છતાંય મિસરવાસીઓએ તેમને ધ્યાનથી સાંભળ્યાં નહોતા.
29 અને તેમણે તેમના દેશનાં સમગ્ર પાણીને લોહીમાં ફેરવી દીધું;
અને સર્વ માછલાં મારી નાંખ્યા.
30 પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં;
તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.
31 યહોવાએ આદેશ આપ્યો,
અને જૂઓ મિસરમાં
એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઇ ગઇ.
32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યા;
અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ.
33 તેમણે તેઓના દ્રાક્ષવેલાઓ તથા અંજીરીના ઝાડોનો નાશ કર્યો.
અને તેમની આખી સરહદો પરનાં બધાં વૃક્ષો તોડી પાડ્યાં.
34 તેઓ બોલ્યા; અને ત્યાં અગણિત તીતીઘોડા
તથા તીડો આવ્યા.
35 તેઓ તેઓના દેશની સર્વ વનસ્પતિ ખાઇ ગયાં;
અને જમીનનાં બધાં ફળ ભક્ષ કરી ગયાં.
36 તેઓનાં દેશમાંના સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા,
દેવે તેમના બધા સૌથી મોટા પુત્રોને મારી નાખ્યા.
37 તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે,
સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં
અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.
38 તેઓ ગયાં ત્યારે મિસરવાસી આનંદ પામ્યાં;
કારણકે તેઓ તેમનાથી ત્રાસ પામ્યા હતાં.
39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી;
અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો.
40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં;
અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા.
41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું;
જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
42 તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલા
પોતાના વચનનું સ્મરણ કર્યુ.
યહોશાફાટે યુદ્ધનો સામનો કર્યો
20 કેટલાક સમય પછી એવું બન્યું કે, મોઆબીઓ અને આમ્મોનીઓએ કેટલાંક મેઉનીઓ સાથે મળીને યહૂદા પર આક્રમણ કર્યુ. 2 યહોશાફાટને ખબર મોકલાવી કે, “તમારી તરફ એક લશ્કર મૃતસમુદ્રને સામે કિનારે આવેલા અદોમથી આગળ વધી રહ્યું છે,” અને તે લોકો હાસસોન તામાર એટલે કે એનગેદી સુધી આવી પહોંચ્યા છે. 3 યહોશાફાટ ગભરાઇ ગયો અને તેણે યહોવાને પ્રાર્થના કરવાનો નિશ્ચય કર્યો. અને આખા યહૂદામાં ઉપવાસ જાહેર કર્યો. 4 બધા યહૂદાવાસીઓ યહોવાની મદદ માંગવા ભેગા થયા. 5 યરૂશાલેમમાં મળેલી યહૂદાના લોકોની સભામાં યહોશાફાટ યહોવાના મંદિરના નવા ચોક સામે ઊભો થયો. 6 અને બોલ્યો,
“હે યહોવા, અમારા પિતૃઓના દેવ, તું સ્વર્ગાધીપતિ છે અને બધી પ્રજાઓના રાજ્યો ઉપર તારી જ આણ પ્રવતેર્ છે. તારું બળ અને સાર્મથ્ય એવું છે કે કોઇ તારી સામે થઇ શકે તેમ નથી. 7 હે દેવ, તેં જ આ દેશના મૂળ વતનીઓને આ ભૂમિમાંથી હાંકી કાઢી, તારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને, તારા પોતાના લોકો ઇસ્રાએલીઓને એ આપી હતી. 8 તેઓ તેમાં વસ્યા અને તેમણે તારા નામ માટે એક મંદિર બાંધ્યું. 9 અને કહ્યું કે, ‘આ મંદિરમાં તારો વાસ છે. એટલે જો અમારા પર કોઇ આફત આવે- યુદ્ધ આવે કે પૂર આવે, રોગચાળો આવે કે દુકાળ આવે તો અમે આ મંદિરમાં તારી સમક્ષ ઊભા રહીને, એ સંકટ સમયે તને યાદ કરીશું અને તું અમારી પ્રાર્થના સાંભળી અમને બચાવી લેશે.’
10 “અને હવે જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ આવ્યા છે. અમે ઇસ્રાએલીઓ મિસરમાંથી આવતા હતા ત્યારે તમે અમને એ લોકોના દેશમાં દાખલ થવા દીધા નહોતા એટલે અમે એક તરફ વળી ગયા, અને એ લોકોનો નાશ ન કર્યો. 11 અને હવે જો, એ લોકોનો નાશ ન કર્યો, જો, તમે અમને જે તમારા વતનનો વારસો આપ્યો છે તેમાંથી અમને કાઢી મૂકવાને તેઓ આવ્યા છે, જો, તેઓ અમને કેવો બદલો આપે છે! 12 હે અમારા દેવ યહોવા, તું તેમને સજા નહિ કરે? કારણ, અમે અમારા ઉપર આક્રમણ કરતા એ મોટા સૈન્ય આગળ લાચાર છીએ, શું કરવું એની અમને સમજ પડતી નથી, અમે તો તારા ઉપર આધાર રાખીએ છીએ.”
13 યહૂદાના બધા લોકો, નાનામોટાં બાળકો અને સ્રીઓ સુદ્ધા યહોવા સમક્ષ ઊભાં હતા. 14 પછી એ સભાની વચ્ચે યહોવાનો આત્મા યાહઝીએલ ઉપર આવ્યો, યાહઝીએલ લેવી આસાફના વંશજ માત્તાન્યાના પુત્ર, યેઇએલના પુત્ર બનાયાના પુત્ર, ઝર્ખાયાનો પુત્ર હતો. 15 તેણે કહ્યું, “હે યહૂદાના બધા પ્રજાજનો, યરૂશાલેમના બધા વતનીઓ અને રાજા યહોશાફાટ ધ્યાનથી સાંભળો, યહોવા તમને કહે છે: ‘ડરશો નહિ; આ મોટા સૈન્યથી ગભરાઇ જશો નહિ, આ યુદ્ધ પણ દેવનું છે. 16 આવતીકાલે તમે જાઓ, અને તેમના પર હુમલો કરો. તેઓ “સીસના ઢોળાવ” થઇને આવે છે, યરૂએલના રણની સામે ખીણને છેડે તમારો તેમની સાથે ભેટો થશે. 17 તમારે લડવાની જરુર નહિ પડે. તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને શી રીતે બચાવી લે છે. હે યહૂદા અને યરૂશાલેમ, ગભરાશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જાઓ, યહોવા તમારે પક્ષે છે.’”
18 ત્યારબાદ રાજા યહોશાફાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને યહૂદા તથા યરૂશાલેમના સર્વ લોકોએ પણ દંડવત પ્રણામ કરીને યહોવાનું ભજન કર્યુ. 19 ત્યાર પછી કહાથ અને કોરાહના કુળસમૂહોના લેવીઓએ ઇસ્રાએલના દેવ યહોવાની ઊંચા સ્વરે સ્તુતિ કરવા લાગ્યા.
20 બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને “તકોઆના વગડા” તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”
21 પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા,
“યહોવાની સ્તુતિ કરો, કારણ,
તેની કરૂણા શાશ્વત છે.”
22 જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો.
સાંકડો દરવાજો
(માથ. 7:13-14; 21:23)
22 ઈસુ દરેક શહેર અને ગામડામાં બોધ કરતો હતો. તેણે યરૂશાલેમ તરફથી યાત્રા ચાલુ રાખી. 23 કોઈકે ઈસુને પૂછયું, “પ્રભુ! કેટલા લોકોનું તારણ થશે? ફક્ત થોડાક?”
ઈસુએ કહ્યું, 24 “સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ. 25 જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો!’ પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’ 26 પછી તમે કહેશો, ‘અમે તારી સાથે ખાધું અને પીધું. તમે અમને અમારા શહેરની શેરીઓમાં ઉપદેશ આપ્યો.’ 27 પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’
28 “તમે લોકો ઈબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે ભયથી રડશો અને દાંત પીસશો. 29 પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવશે. તેઓ દેવના રાજ્યમાં મેજ પાસે બેસશે. 30 જે લોકો હમણા જીવનમાં નીચામાં નીચી જગ્યાએ છે તે લોકો દેવના રાજ્યમાં ઊંચામાં ઊચી જગ્યાએ હશે. અને જે લોકો હમણા ઊચામાં ઊચી જગ્યાઓ છે તેઓ હવે દેવના રાજ્યમાં નીચામાં નીચી જગ્યાએ હશે.”
યરૂશાલેમમાં ઈસુના મૃત્યુની આગાહી
(માથ. 23:27-39)
31 તે સમયે કેટલાએક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “અહીંથી દૂર ચાલ્યો જા, અને છુપાઇ જા. હેરોદ તને મારી નાખવા ચાહે છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International