Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 17

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
    મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
    જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
    તમે સત્યને જોઇ શકો છો.
તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
    તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
    હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
    ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
    અને મારો પગ કદી લપસ્યો નથી.
હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
    અને તેનો જવાબ આપો.
ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
    શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
    તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
    અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
    તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
    તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
    અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.

13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
    તેઓને પાડી નાખી પરાજીત કરી દો
    અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
    આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
    હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
    પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.

15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
    હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

અયૂબ 1

અયૂબની કસોટી

ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો. તેનો પરિવાર મોટો હતો. અયૂબને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ દશ સંતાન હતા. તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો.

અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા. તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય.

એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો. યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં ગયો હતો?”

શેતાને યહોવાને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ ભટકતો હતો.”

પછી યહોવાએ શેતાનને કહ્યું, “તો પછી તેં મારા સેવક અયૂબને જોયો હશે! તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ વસ્તુનો ઇન્કાર કરનાર છે.”

શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે? 10 તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે. 11 એક વાર તેની સંપત્તિને સ્પર્શ કરો, પછી જુઓ, એ કેવો તમારી સામો થાય છે? તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ?”

12 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ,”

એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો.

અયૂબનું બધું જતું રહ્યું

13 એક દિવસે તેના પુત્રો અને તેની પુત્રીઓ તેઓનો મોટા ભાઈના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતા હતા. તે સમયે, 14 એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા. 15 એટલામાં અચાનક શબાઇમ લોકોએ અમારા પર હુમલો કર્યો. અને તમારા બધા પશુઓને ઊપાડી ગયા અને બધા સેવકોને મારી નાંખ્યા, ફકત હું જ બચી ગયો છું તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”

16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.”

17 તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.”

18 જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ. 19 પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.”

20 પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી. 21 કહ્યું કે,

“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું
    નગ્ન આવ્યો હતો
અને મારા મૃત્યુ સમયે
    પણ મારી પાસે કશું જ નહિ હોય.
યહોવાએ આપ્યું,
    અને યહોવાએ લઇ લીધું છે;
યહોવાના નામને ધન્ય હો.”

22 આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.

લૂક 21:34-22:6

પ્રત્યેક ક્ષણે તૈયાર રહો

34 “સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય. 35 પૃથ્વી પરના તમામ લોકો માટે તે આશ્ચર્યજનક રીતે આવશે. 36 તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”

37 દિવસ દરમ્યાન, ઈસુ લોકોને મંદિરમાં બોધ આપતો, રાત્રે તે શહેરની બહાર જતોં અને આખી રાત જૈતૂનના પહાડ પર રહેતો. 38 સવારે બધા લોકો વહેલા ઊઠતા અને ઈસુને ધ્યાનથી સાંભળવા મંદિરમાં જતા.

યહૂદિ આગેવાનોની ઈસુને મારી નાખવાની ઈચ્છા

(માથ. 26:1-5, 14-16; માર્ક 14:1-2, 10-11; યોહ. 11:45-53)

22 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે તેનો લગભગ સમય હતો. મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરતા હતા. પણ તેઓ લોકોથી ડરતા હતા.

યહૂદાની ઈસુ વિરૂદ્ધ યોજના

(માથ. 26:14-16; માર્ક 14:10-11)

ઈસુના બાર પ્રેરિતોમાં એકનું નામ યહૂદા ઈશ્કરિયોત હતું. શેતાન યહૂદામાં પેઠો. અને તેને ખરાબ કૃત્યો કરવા પ્રેર્યો. યહૂદા મુખ્ય યાજકો અને કેટલાએક સરદારો જે મંદિરના રક્ષકો હતા તેઓને મળ્યો અને તેઓની સાથે વાતો કરી. યહૂદિએ તેઓને ઈસુને કેવી રીતે સોંપવો તે સંબંધી મસલત કરી. યાજકો આ બાબતથી વધારે ખુશ હતા. જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું. યહૂદાએ સંમતી આપી. પછી યહૂદા તેઓને ઈસુ સોંપવાના ઉત્તમ યમયની રાહ જોવા લાગ્યો. અને લોકો તેની આજુબાજુ હાજર ના હોય તેવા પ્રસંગે તેને તેઓના હાથમાં સોંપવાની તક જોવા લાગ્યો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International