Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 17

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
    મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
    જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
    તમે સત્યને જોઇ શકો છો.
તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
    તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
    હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
    ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
    અને મારો પગ કદી લપસ્યો નથી.
હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
    અને તેનો જવાબ આપો.
ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
    શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
    તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
    અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
    તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
    તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
    અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.

13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
    તેઓને પાડી નાખી પરાજીત કરી દો
    અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
    આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
    હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
    પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.

15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
    હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

ઝખાર્યા 3

પ્રમુખ યાજકના અભિષેકનું દર્શન

ત્યારબાદ દેવદૂતે મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દેવદૂત પાસે ઊભેલો બતાવ્યો, અને તેની જમણી બાજુએ તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાન ઊભો હતો. યહોવાના દેવદૂતે શેતાનને કહ્યું, “યહોવા તને ઠપકો આપો, ઓ શેતાન! યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ઠપકો આપો! આ માણસ અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણાઁ જેવો નથી?”

યહોશુઆ ગંદા વસ્ત્રો પહેરીને દેવદૂત પાસે ઊભો હતો. દેવદૂતે પોતાની આગળ ઊભેલા માણસોને કહ્યું, “એના અંગ પરથી ગંદા વસ્ત્રો ઉતારી નાખો.” અને તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અપરાધો હરી લીધા છે અને હું તને ઊજળાં વસ્ત્રો પહેરાવીશ.”

પછી દેવદૂતે તહેનાતમાં ઊભેલાઓને કહ્યું, “તેને માથે સુંદર સ્વચ્છ પાઘડી મૂકો.” તેથી તેમણે તેને ઊજળાં વસ્ત્રો પહેરાવ્યાં અને તેને માથે સુંદર પાઘડી મૂકી, ને આ વખતે યહોવાનો દેવદૂત પાસે ઊભો હતો. ત્યારબાદ યહોવાના દૂતે યહોશુઆને જણાવ્યું કે,

આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે:
“જો તું મારા માર્ગ પર ચાલશે
    અને મારી આજ્ઞા માથે ચડાવશે,
તો તું મારા મંદિરનો
    તથા તેના ચોકનો મુખ્ય વહીવટદાર થશે
અને જેઓ મારી આગળ ઊભા છે,
    તેમની જેમ તું મારી પાસે છૂટથી આવી શકશે.
હે પ્રમુખ યાજક યહોશુઆ,
    તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ,
તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો.
    જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
હું યહોશુઆ સામે એક ખાસ પથ્થર મૂકું છું.
    તે જુઓ, યહોશુઆ સામે મૂકેલા સાત
આંખ વાળા પથ્થર પર હું આ લખાણ કોતરીશ.
    આ દેશના પાપને હું એક જ દિવસમાં સમાપ્ત કરીશ.”

10 સૈન્યોનો દેવ યહોવા કહે છે,
“તે દિવસે તમારામાંનો એકેએક
    જણ પોતાની દ્રાક્ષની વાડી
અને અંજીરના ઝાડ નીચે
    પોતાના પડોશી સાથે સુખશાંતિમાં રહેશે.”

2 પિતર 2:4-21

જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.

જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.

દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું. પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો. લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.

હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે. 10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે.

આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ. 11 ખોટા ઉપદેશકો કરતા દૂતો ઘણા બળવાન અને શક્તિશાળી છે. છતાં દૂતો પણ ખોટા ઉપદેશકો પ્રતિ આક્ષેપ નથી કરતાં કે તેઓની વિરુંદ્ધ પ્રભુની આગળ ખરાબ નથી બોલતા.

12 પરંતુ આ ખોટા ઉપદેશકો તો જે નથી સમજી શક્યાં તેના માટે પણ નિંદા કરે છે. આ ઉપદેશકો પશુઓ સમાન છે કે જે વિચાર્યા વગર કાર્ય કરે છે. જંગલી પશુઓની જેમ તેઓ તો ઝડપાવા તથા નાશ પામવા જ જન્મેલા છે. અને જંગલી જાનવરોની જેમ, આ ખોટા ઉપદેશકોનો વિનાશ થશે. 13 આ ખોટા ઉપદેશકોએ ઘણા માણસોને હેરાનગતિ પહોંચાડી છે. તેથી તેઓ પોતે જ યાતનાગ્રસ્ત થવાના છે. તેઓએ જે દુષ્કૃત્યો કર્યા છે તેનો તે જ બદલો તેઓને મળ્યો છે.

આ ખોટા ઉપદેશકો માને છે કે જાહેરમાં દુષ્કૃત્યો કરવામા મઝા છે જ્યાં બધા જ લોકો તેમને નિહાળી શકે. તેઓને આનંદ આપે તેવા દુષ્કર્મો કરવામાં તેઓ આનંદ અનુભવે છે. તેથી તેઓ તમારામાં ગંદા ડાઘા અને ધાબા જેવા છે-તેઓ તમારી સાથે ભોજન કરીને તમને શરમાવે છે. 14 તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે. આ ખોટા ઉપદેશકો હંમેશા આ જ રીતે પાપકર્મો કર્યા કરે છે. તેઓ નિર્બળ માણસોને પાપ કરવા લલચાવે છે. તેઓએ તો તેમના પોતાના હદયને સ્વાર્થી બનવાનું શીખવ્યું છે. તેથી તેઓ શાપિત છે.

15 આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો. 16 પરંતુ મૂંગા ગધેડાએ બલામને કહ્યું કે તે ખોટું કરી રહ્યો હતો. અને ગધેડું એક એવું પ્રાણી છે કે જે બોલી શકતું નથી. પરંતુ તે ગધેડાએ મનુષ્યની વાણીમાં કહ્યું અને પ્રબોધકની (બલામની) ઘેલછાને અટકાવી.

17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે. 18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે. 19 આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે.

20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે. 21 હા, તેઓના માટે તો કદાપિ સત્યપંથ મળ્યો જ ન હોત તો તે વધારે સારું હોત. સત્યપંથ જાણવો અને જે પવિત્ર ઉપદેશ તેઓને સોંપવામા આવ્યો છે તેનાથી વિમુખ થઈ જવું તેના કરતાં તો તે જ સારું છે કે સત્યપંથ જાણ્યો જ ન હોત.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International