Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 17

દાઉદની પ્રાર્થના.

હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની
    મારી પ્રાર્થના પર ધ્યાન આપો;
કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ,
    જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે,
    તમે સત્યને જોઇ શકો છો.
તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે.
    તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે
અને મારો કોઇ દોષ કાઢયો નથી.
    હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું.
    ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
મારા પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે,
    અને મારો પગ કદી લપસ્યો નથી.
હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો
    અને તેનો જવાબ આપો.
ભરોસો રાખીને જેઓ તમારી પાસે,
    શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે;
તેઓને તમે તમારા જમણાં હાથે
    તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો.
    અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો,
મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
10 તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે,
    તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
11 તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે.
    તેઓની આંખો અમને ભૂમિ પર
પછાડવાને તાકી રહી છે.
12 તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે.
    અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.

13 હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ,
    તેઓને પાડી નાખી પરાજીત કરી દો
    અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
14 હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી,
    આ સજીવોની દુનિયામાંથી દૂર કરો.
પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે,
    હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે
    પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.

15 પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી
    હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

1 કાળવૃત્તાંતનું 21:1-17

અમંગળ વસ્તીગણતરી

21 પછી શેતાન ઇસ્રાએલીઓ સામે લડવા તૈયાર થયો. તેણે દાઉદને વસ્તી ગણતરી કરવા ભડકાવ્યો. આથી દાઉદે યોઆબને અને લશ્કરી વડા અધિકારીઓને કહ્યું, “જાઓ અને બેર-શેબાથી દાન સુધી સમગ્ર ઇસ્રાએલની વસ્તી ગણતરી કરો. અને પછી આવીને જણાવો કે, મારી પ્રજાની વસ્તી કેટલી છે.”

પરંતુ યોઆબે વાંધો લેતા જણાવ્યું, “યહોવા પ્રજાની વસ્તીને બમણી કરે તોયે, એ બધા આપ નામદારના સેવકો જ નથી? આપ શા માટે ઇસ્રાએલને દોષી ઠરાવવા ચાહો છો? અને તમે ઇસ્રાએલને અપરાધી શા માટે ઠેરવો છો?”

પરંતુ રાજાની આજ્ઞા આગળ યોઆબનું કાંઇ ચાલ્યુ નહિ. સમગ્ર ઇસ્રાએલ દેશમાં ફરીને તે યરૂશાલેમ પાછો ફર્યો. યોઓબે વસતી ગણતરીના આંકડા દાઉદને આપ્યા; લશ્કરમાં જોડાઇ શકે, ને શસ્ત્ર ચલાવી શકે તેવા પુખ્ત માણસો ઇસ્રાએલમાં 11,00,000 અને યહૂદિયામાં તે 4,70,000 હતા. યોઆબને રાજાની આજ્ઞા એટલી અણગમતી લાગી હતી કે તેણે લેવીની અને બિન્યામીનની ગણતરી જ કરી ન હતી. આ બધી કાર્યવાહીથી દેવ નારાજ થયા અને તેથી તેણે ઇસ્રાયેલને શિક્ષા કરી.

ઇસ્રાએલને સજા કરતા દેવ

એટલે દાઉદે દેવને કહ્યું, “આમ કરવામાં મેં ઘોર પાપ કર્યું છે, પણ હવે આ સેવકનો દોષ કૃપા કરીને માફ કરો. આ કામ માટે મેં ઘોર અપરાધ કર્યો છે.”

તેથી યહોવાએ દાઉદના પ્રબોધક ગાદને કહ્યું, 10 “જા, અને દાઉદને કહે, ‘યહોવા આ મુજબ જણાવે છે: હું તારી સમક્ષ ત્રણ વસ્તુ રજૂ કરું છું. તું ગમે તે એક પસંદ કર, અને જે તું પસંદ કરે તે પ્રમાણે હું કરીશ.’”

11 ગાદ દાઉદ પાસે ગયો અને યહોવાએ જે કહ્યું, “તે જણાવ્યું. અને પૂછયું, ‘તું શું પસંદ કરે છે? 12 ત્રણ વરસનો દુકાળ પડે. અથવા ત્રણ મહિના સુધી દુશ્મનો તરવાર લઇને તારો પીછો પકડી તને હેરાન કરે, અથવા ત્રણ દિવસ સુધી યહોવાની તરવાર કામે લાગે, સમગ્ર દેશમાં રોગચાળો ફાટી નીકળે અને યહોવાનો દૂત આખા ઇસ્રાએલમાં વિનાશ કરતો ફરે.’ હવે તું વિચાર કરીને કહે, કે મને મોકલનાર માટે શો જવાબ આપવો.”

13 એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”

14 આથી યહોવાએ ઇસ્રાએલમાં રોગચાળો મોકલ્યો અને 70,000 ઇસ્રાએલીઓ મૃત્યુ પામ્યા. 15 પછી દેવે યરૂશાલેમનો નાશ કરવા એક દેવદૂતને મોકલ્યો, પણ તે નાશ કરવાની અણી પર હતો ત્યારે યહોવાને દયા આવી અને તેણે કહ્યું, “બસ કર, બહુ થયું, હવે તારો હાથ પાછો ખેંચી લે.” એ વખતે યહોવાનો દૂત યબૂસીની ઓર્નાનની ખળી પાસે ઉભો હતો.

16 દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા. 17 અને દાઉદે દેવને પ્રાર્થના કરી, “વસતી ગણતરીનો હુકમ આપીને મેં પાપ કર્યુ છે. આ ઘેટાઁઓએ શું કર્યું છે? હે યહોવા મારા દેવ, મારો અને મારા કુટુંબનો નાશ કરો, પણ તમારા લોકોનો નાશ ન કરો.”

1 યોહાન 2:1-6

ઈસુ આપણો મદદગાર છે

મારાં વહાલાં બાળકો, હું આ પત્ર તમને લખું છું જેથી તમે પાપ કરશો નહિ. પણ જો કાઈ વ્યક્તિ પાપ કરે છે, તો આપણી પાસે આપણી મદદમાં ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે ઈસુ દેવ બાપ આગળ આપણો બચાવ કરે છે. ઈસુના દ્વારા આપણા પાપો દૂર કરવામાં આવે છે. અને કેવળ આપણાં જ નહિ, સમગ્ર જગતનાં પાપો દૂર કરનાર તે જ છે.

જો આપણે દેવે જે આપણને કહ્યું છે તેનુ પાલન કરીશું, તો પછી આપણને ખાતરી છે કે આપણે ખરેખર દેવને ઓળખીએ છીએ. એક વ્યક્તિ કહે છે કે, “હું દેવને જાણું છું!” પણ જો તે વ્યક્તિ દેવની આજ્ઞાઓનું પાલન કરતો નથી, તો પછી તે વ્યક્તિ જૂઠો છે. તેનામાં સત્ય નથી. પણ જ્યારે એક વ્યક્તિ દેવના વચનનું પાલન કરે છે, તો તેનામાં દેવ પરનો પ્રેમ તેના લક્ષ્યાંક સુધી પહોંચ્યો છે. આ રીતે આપણે જાણીએ છીએ કે આપણે દેવને અનુસરીએ છીએ. જો કોઈ વ્યક્તિ કહે કે તે દેવમાં જીવે છે, તો પછી તેણે ઈસુ જેવું જીવન જીવ્યો તેવું જીવન જીવવું જોઈએ.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International