Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 35:11-28

11 નિર્દય લોકો જૂઠી સાક્ષી આપે છે,
    અને જેના વિષે મેં કદી સાંભળ્યું નથી તેના માટે મારા પર આરોપ મૂકે છે.
12 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે,
    તેઓ મારા આત્માને રડાવે છે અને દુ:ખી કરે છે.
13 તેઓ જ્યારે બિમાર હતા ત્યારે મેં ઉપવાસ કરીને કંતાનના વસ્રો
    પહેરીને મારી દિલગીરી બતાવી હતી.
    તેમનાં માટે પ્રાર્થના કરવાથી મને જે મળ્યું તે શું આ છે?
14 તે લોકો જાણે મારા ભાઇઓ અને મારા નજીકનાં મિત્રો હોય તેવો વર્તાવ મેં તેમની સાથે રાખ્યો;
    જેમ કોઇ માણસ તેની માતા જે મૃત્યુ પામી છે તેના માટે શોક કરે તેમ હું તેમના માટે દુ:ખી હતો.
15 તેઓ ટોળામાં ભેગા થયાં અને મારી પડતી વખતે તેઓ આનંદિત હતાં.
    તે લોકો સાચા મિત્રો ન હતાં.
હું તેમને ઓળખતો પણ ન હતો.
    પરંતુ તેઓ મને ઘેરી વળ્યા અને મારા પર હુમલો કર્યો અને ચૂપ રહ્યાં નહિ.
16 તેઓએ મારી હાંસી ઉડાવી અને મારી વિરુદ્ધ ખરાબ ભાષા બોલ્યા,
    તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો વ્યકત કર્યો.

17 હે યહોવા, મારા પ્રભુ ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો?
    તેઓના ખૂની હુમલાઓથી મારા પ્રાણને બચાવી લો.
    મારા મૂલ્યવાન જીવનને આ સિંહોથી બચાવી લો.

18 હે યહોવા, હું મહામંડળીમાં તમારી આભારસ્તુતિ કરીશ.
    ઘણા લોકોની સભામાં હું તમારી પ્રસંશા કરીશ.
19 મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
    આ દુશ્મનો જેઓ વિના કારણ મને ધિક્કારે છે
    તેઓ મારા તરફ આંખ પણ ન મિચકારે.
20 કારણ, તેઓ ખરેખર શાંતિની યોજનાઓ કરતાં નથી.
    ગુપ્ત રીતે તેઓ આ દેશનાં શાંતિપ્રિય લોકોનું અનિષ્ટ કરવાની યોજનાઓ કરે છે.
21 તેઓ મોટેથી કહે છે કે, “તેઓએ અયોગ્ય આચરણ કરતાં મને જોયો છે,
    તેઓ કહે છે, અમે તને અમારી પોતાની આંખે એ પ્રમાણે કરતાં જોયો છે.”
22 હે યહોવા, તમે તેના વિષે બધુંજ જાણો છો,
    હવે તમે શાંત બેસી રહેશો નહિ;
    અને મને તરછોડી મારાથી દૂર થશો નહિ.
23 હે યહોવા, ઊઠો! મને ન્યાય કરવા જાગૃત થાઓ.
    મારા દેવ તથા મારા ધણી ઊભા થાઓ અને મારા કિસ્સાનો બચાવ કરો.
24 હે યહોવા મારા દેવ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો.
    મારા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ.
25 તેમને એમ કહેવાની તક આપશો નહિ કે, “તેમનાથી વિમુખ થવાની અમારી ઇચ્છા પરિપૂર્ણ થઇ છે
    અને તેમનો વિનાશ કર્યો છે.”
26 મારા નુકસાનમાં આનંદ પામનારાં સવેર્ની ફજેતી થાવ
    અને તેઓ લજ્જિત થાવ.
મારી વિરુદ્ધ બડાઇ કરનારા સઘળા અપમાનિત થઇ
    અને શરમાઇ જાઓ.
27 જે લોકો મને નિર્દોષ ઠરાવવા માંગતા હોય
    તેઓ હર્ષ મનાવે અને સુખી થાય.
તેઓ હંમેશા કહો કે, “યહોવા મહાન છે!
    તેમના સેવકો સુખી થાય અને શાંતિ પામે તેવું તે ઇચ્છે છે.”

28 મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વાતો કરશે
    અને તમારી પ્રસંશાની સ્તુતિ ગાશે.

હઝકિયેલ 1:1-2

ભૂમિકા

આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં. આ દર્શન દરમ્યાન પાંચમા વર્ષમાં ચોથા મહીનાના પાંચમા દિવસે યહોયાકીન રાજાને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. ત્યારે યહોવાનું વચન બૂઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે આવ્યું; અને ત્યાં યહોવાનો હાથ તેના પર આવ્યો હતો.

યહોવાનો રથ અને તેમનું સિંહાસન

તે દરમ્યાન મે જોયું, કે ઉત્તરમાંથી એક આંધીરૂપી તોફાન મારી તરફ આવતું હતું. એ તો ખૂબજ વિશાળ વાદળું હતું, જેમાં અગ્નિ ચમકતો હતો, અને જેની આસપાસ પ્રકાશ હતો, ચળકતી ધાતુ જેવી કોઇક વસ્તું અગ્નિમાં હતી. અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો. પણ દરેકને ચાર મુખ અને ચાર પાંખો હતી. તેમના પગ માણસના જેવા સીધા હતા પણ તેમના પગના પંજા વાછરડા અને તે પિત્તળ સમાન ચળકતા હતા. દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા. તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું.

10 પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું. 11 દરેક પ્રાણીની બે પાંખો પ્રસારેલી હતી અને તે પાસેના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંકતી હતી. 12 દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.

13 આ પ્રાણીઓનો દેખાવ ચળકતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. અને પ્રાણીઓ વચ્ચે અગ્નિનું હલનચલન ઉપર નીચે થતું હતું. તે અતિશય તેજસ્વી અગ્નિ હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14 અને તે પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ વધતાં હતાં તથા પાછળ જતાં હતાં.

15 આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં. 16 પૈડાઓ પીરોજની જેમ ચળકતાં હતાં અને બધાં એક સરખા હતા; અને એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું. 17 આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

18 ચારેય પૈડાની ધારો ઊંચી અને ભયાનક હતી અને તેને સર્વત્ર આંખો હતી.

19 જ્યારે પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, જ્યારે પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ જમીન પરથી ઊંચે જતાં. 20 પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું. 21 જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડા ચાલતાં, પ્રાણીઓ ઉભા રહેતાં ત્યારે પૈડાં ઊભા રહેતા અને પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ ઊંચે જતા હતાં કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું.

22 પ્રાણીઓના માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદૃભુત સ્ફટિકના જેવો જાણે ચમકતો ઘૂમટ તાણેલો હતો. 23 એ ઘૂમટની નીચે પ્રાણીઓએ નજીકના પ્રાણીની પાંખને સ્પશેર્ એ રીતે બબ્બે પાંખ પ્રસારેલી હતી અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું.

24 તેઓ ઉડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો મોટો સૈન્યના કોલાહલ જેવો, સર્વસમર્થના સાદ જેવો સંભળાતો હતો. અને જ્યારે તેઓ ઉભા રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી મૂકતા.

25 અને જ્યારે તેઓ થોભ્યા, ત્યારે તેઓના માથા પર ઘૂમટ માંથી અવાજ આવ્યો અને તેઓએ તેમની પાંખોને નીચેની તરફ નમાવી દીધી. 26 જાણે ચાંદી, પિત્તળ, લોખંડ, સીસુ અને જસતને ઓગાળીને અગ્નિમાં એકઠા કર્યા હોય તેમ તેઓનાઁ માથાઁ પર પ્રસારેલા ઘૂમટની ઉપર જાણે નીલમનું બનાવેલું હોય તેવું રાજ્યાસન જેવું દેખાયું. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવો આકાર દેખાયો. 27 તેની કમરનો ઉપરનો સમગ્ર ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, અને કમરની નીચેનો સમગ્ર ભાગ અગ્નિની જેમ પ્રકાશતો હતો. તેની ચારે બાજુએ ઝળહળાટ વ્યાપેલો હતો. 28 એ ઝળહળાટમાં ચોમાસામાં થતા મેઘધનુષની જેવા બધા રંગો દેખાતા હતાં. આ રીતે યહોવાના મહિમાનું સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ થયું. તે જોઇને મેં સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને મને સંબોધતી કોઇની વાણી મારા સાંભળવામાં આવી.

હઝકિયેલને યહોવાનો આદેશ

તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઊભો થા, મારે તારી સાથે વાત કરવી છે.”

પ્રેરિતોનાં કૃત્યો 10:23-33

23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.

બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા. 24 બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.

25 જ્યારે પિતર ઘરમાં પ્રવેશ્યો, કર્નેલિયસ તેને મળ્યો. કર્નેલિયસ પિતરના ચરણોમાં નમી પડ્યો અને તેણે દંડવત પ્રણામ કર્યા. 26 પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.” 27 પિતરે કર્નેલિયસ સાથે વાતો કરવાનું ચાલું રાખ્યું, પછી પિતર અંદરની બાજુએ ગયો અને ત્યાં એક મોટું લોકોનું ટોળું એકઠું થયેલું જોયું.

28 પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ. 29 તેથી જ જ્યારે મને અહી આવવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કોઇ દલીલ કરી નથી. હવે, કૃપા કરીને મને કહો, મને શા માટે બોલાવવામાં આવ્યો છે.”

30 કર્નેલિયસે કહ્યું, “ચાર દિવસ પહેલા, હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા. અચાનક, મારી સામે એક માણસ (દૂત) ઊભો હતો. તેણે ચળકતો પોશાક પહેરેલો હતો. 31 તે માણસે કહ્યું, ‘કર્નેલિયસ! દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે દેવે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે. 32 તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’ 33 તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ. હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International