Revised Common Lectionary (Semicontinuous)
સંભારણું- દાઉદનું ગીત.
1 હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ,
અને તમારા ગુસ્સામાં મને તમે શિક્ષા કરશો નહિ.
2 તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે;
અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી.
મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે,
ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે
અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું,
અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં,
અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું,
હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે,
મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 મારા હૃદયના ધબકારા વધી ગયા છે,
આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે,
અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે,
મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે.
પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી,
પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે,
હું એવા માણસ જેવો છું.
15 હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું;
હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે,
મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.”
17 હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ,
મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ;
અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે;
જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે,
અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે,
કારણ, હું જે સારું છે
તેને અનુસરું છું.
21 હે યહોવા, તમે મને તરછોડશો નહિ,
હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 હે યહોવા, મારા તારણના દેવ,
તમે જલદી આવો અને મને મદદ કરો!
વિભિન્ન પ્રકારના અજાણતા પાપોના નિયમો
5 “ગુન્હા વિષે જાણનાર વ્યક્તિને ન્યાયાલયમાં સાક્ષી પૂરવા બોલાવવામાં આવે અને તે પોતે જ જોયેલું કે જાણેલું હોય તે ન જણાવે તો તે પાપમાં પડે અને તેની સજા તેણે ભોગવવી પડે.
2 “જો કોઈ માંણસ અજાણતાં કોઈ પણ અશુદ્ધ વસ્તુ, જેવી કે ખોરાક માંટે ના કરી હોય એવા જંતુના મૃત શરીરને અથવા જંગલી કે પાળેલા પ્રાણીના મૃત શરીરને સ્પર્શ તો તે દોષિત ગણાય.
3 “જો કોઈ માંણસ અજાણતાં માંણસનો કોઈ પણ જાતની મલિનતાનો સ્પર્શ કરે અને જેવી તેના વિષે તેને જાણ થાય કે તરત જ તે દોષપાત્ર ગણાય.
4 “જો કોઈ માંણસ ઉતાવળમાં સમ ખાય અને તેને પાળવાનું ભૂલી જાય અને મોડેથી તેની જાણ થાય, તો તે દોષિત ગણાય; 5 આમાંની કોઈ પણ બાબતમાં, જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો તેણે પોતાનો દોષ કબૂલ કરવો, 6 અને પોતાના પાપના પ્રાયશ્ચિતરૂપે યહોવા સમક્ષ માંદા હલવાન કે બકરી લાવે, અને યાજકે તેનો પ્રાયશ્ચિતવિધિ કરવો.
7 “પરંતુ જો તે ગરીબ હોય અને માંદા હલવાન કે બકરી ચઢાવી ન શકે, તો તેણે યહોવાને બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં ચઢાવવાં, એક પાપાર્થાર્પણ તરીકે અને એક દહનાર્પણ તરીકે, 8 તેણે એ લાવીને યાજકને આપવાં, યાજકે પહેલાં પાપાર્થાર્પણ ચઢાવવું, તેણે તેની ડોક મરડી પંખીને માંરી નાખવું, અને તેનું માંથું તેની ડોકથી જુદુ કરી નાખવું, પણ તેને પંખીના બે ભાગ ન કરવા. 9 પછી તેનું થોડું લોહી વેદીની બાજુ પર છાંટવું. અને બાકીનું લોહી વેદીના પાયામાં રેડી દેવું એ પાપાર્થાર્પણ છે. 10 ત્યારબાદ બીજું પક્ષી તેણે વિધિપૂર્વક દહનાર્પણ તરીકે હોમી દેવું. આ રીતે તેનું અર્પણ થાય છે. આ રીતે યાજક તે વ્યક્તિને પાપમાંથી શુદ્ધ કરે છે અને તેને માંફ કરવામાં આવશે.
11 “જો કોઈ માંણસ બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં ચઢાવી શકે તેમ ના હોય, તો તેણે પાપાર્થાર્પણ તરીકે આઠ વાટકા લોટ ચઢાવવો. અને તેણે તેમાં તેલ કે લોબાન ન મૂકવાં, કારણ, તે પાપાર્થાર્પણ છે, 12 તેણે એ લાવીને યાજકને સોંપવા અને તેણે પ્રતીક તરીકે તેમાંથી મૂઠી ભરીને લોટ લઈ વેદી પર યહોવાને ચઢાવેલાં અન્નના અર્પણ ભેગો હોમી દેવો. એ પ્રાયશ્ચિત માંટેનું અર્પણ છે. 13 યાજકે આ રીતે તેના પાપનું પ્રાયશ્ચિત કરવા માંટેની વિધિ કરવી, એટલે તે માંણસને માંફ કરવામાં આવશે, બાકીનો લોટ ખાદ્યાર્પણની જેમ યાજકનો થશે.”
17 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકો પાપ કરે એવી ઘટનાઓ તો બનવાની જ. પણ જે માણસો દ્ધારા એ ઘટનાઓ બને છે તેને અફસોસ છે. 2 જો કોઈ નિર્બળ માણસોમાંના કોઈ એકને પાપમાં નાખે તો તે માણસ માટે અફસોસ છે. તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બાંધીને તેને સાગરમાં ડૂબાડવામાં આવે તે તેને માટે વધારે સારું છે. 3 તેથી સાવધાન રહો!
“જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર. 4 જો તારો ભાઈ દિવસમાં સાત વાર કંઈ ખોટું કરે, અને દરેક વખતે તારી પાસે પાછો આવે અને કહે કે, હું દિલગીર છું. તો તું તેને માફ કર.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International