Revised Common Lectionary (Semicontinuous)
મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.
1 મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
તમે મારા આત્માને બચાવો.
3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
અને કેદારનાં તંબુઓમાં વસું છું.
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
હું ધરાઇ ગયો છું.
7 જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
11 તેના પિતા યોશિયા રાજાની જગ્યાએ ગાદીએ આવનાર શાલ્લૂમને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો છે. તેના વિષે યહોવા કહે છે: 12 “તેને જ્યાં કેદ પકડીને લઇ જવામાં આવ્યો છે તે દેશમાં જ તે મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”
રાજા યહોયાકીમ વિરુદ્ધ ન્યાય
13 “યહોયાકીમ રાજા તારી પર શરમ છે,
કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે,
કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે.
તેં જ તારા સાથી માણસોને તેમને
તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું.
14 “તે કહે છે,
‘હું મારા માટે જેમાં વિશાળ ઉપરી ઓરડાઓ હોય તેવો એક ભવ્ય મહેલ બંધાવીશ,’
પછી તેમાં બારીઓ મૂકાવીશ,
સુગંધીદાર એરેજકાષ્ટથી તેને મઢાવીશ
તથા મનમોહક કિરમજી રંગથી તેને રંગાવીશ.”
15 “પરંતુ ભવ્ય મહેલ બનાવ્યા તેથી કાઇં મહાન રાજા થઇ શકાતું નથી!
તારા પિતા યોશિયાએ શા માટે ઘણાં વર્ષો સુધી રાજ કર્યું?
કારણ કે તે ન્યાયી હતો
અને સર્વ વ્યવહારમાં પ્રામાણિક હતો.
તેથી દેવે તેને આશીર્વાદ આપ્યો હતો.
16 ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી,
તેથી તે બધી વાતે સુખી હતો.
આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે.
આ યહોવાના વચન છે.
17 “પણ તને તો સ્વાર્થ સિવાય બીજું
કશું જોવાને આંખો જ નથી,
નથી તને નિર્દોષનું લોહી રેડવા
અને ઘાતકી અત્યાચારો કરવા સિવાય બીજા કશા વિચાર આવતા.”
આ યહોવાના વચન છે.
ઈસુ ફરોશીઓની ટીકા કરે છે
(માથ. 23:1-36; માર્ક 12:38-40; લૂ. 20:45-47)
37 ઈસુએ બોલવાનું પૂરું કર્યા પછી ફરોશીએ ઈસુને પાતાની સાથે જમવા બોલાવ્યો તેથી ઈસુ આવ્યો અને મેજ પાસે બેઠો. 38 પણ ફરોશીને તે જોઈને આશ્ચર્ય થયું જ્યારે ઈસુએ જમતાં પહેલા તેના હાથ ધોયા નહિ. 39 પ્રભુએ (ઈસુ) તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પરંતુ તમારા અંતરમાં તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી વસ્તુઓ અને દુષ્ટતા છે. 40 તમે મૂર્ખ છો! જેણે (દેવ) બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ નથી બનાવ્યું શુ? 41 તેથી તમારી થાળીમાં અને વાટકામાં જે છે તે લોકોને જરૂર છે તેમને આપો, પછી તમે સંપૂર્ણ શુદ્ધ થશો.
42 “પણ તમે ફરોશીઓને અફસોસ છે. તમે દેવને તમારી પોતાની બધી વસ્તુઓનો દશમો ભાગ આપો છો, તમે તમારા બાગમાં થતી ફુદીનાનો, સિતાબનો તથી બીજા નાના છોડનો દશાંશ જ આપો છો. પણ તમે બીજા લોકો તરફ ન્યાયી થવાનું અને દેવને પ્રેમ કરવાનું ભૂલી જાઓ છો. તમારે આ પ્રમાણે કરવું જોઈએ, અને પેલી બીજી બાબતો જેવી કે દશમો ભાગ આપવાનું પણ ચાલુ રાખવું જોઈએ.
43 “ફરોશીઓ તમારે માટે અફસોસની વાત છે કારણ કે તમે સભાસ્થાનોમાં માનવંત સ્થાનોને ચાહો છો, અને રસ્તે જતાં લોકો તમને સલામ કરીને માન આપે એવું તમે ચાહો છો. 44 તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.”
45 પંડિતોમાંના એકે ઈસુને કહ્યું, “ઉપદેશક, જ્યારે તમે ફરોશીઓ માટે આમ કહો છો, તેથી તમે અમારા સમૂહની પણ ટીકા કરો છો.”
46 ઈસુએ ઉત્તર આપ્યો, “તમને અફસોસ છે! તમે પંડિતો છો! કારણ કે તમે એવા કડક કાયદાઓ બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોને માટે ઘણું કઠિન છે. તમે બીજા લોકોને તે કાયદાનું પાલન કરવા દબાણ કરો છો, પણ તમે તમારી જાતે તે કાયદાઓને અનુસરવાનો જરાય પ્રયત્ન કરતા નથી. 47 તમને અફસોસ છે કેમ કે તમે તમારા પૂર્વજોએ મારી નાંખેલા પ્રબોધકો માટે કબરો બાંધો છો. 48 અને હવે તમે બધા લોકોને બતાવો છો, તમે તમારા બાપ દાદાઓએ જે કર્યુ તેની સાથે સંમત છો. તેઓએ પ્રબોધકોને મારી નાંખ્યા છે, અને તમે પ્રબોધકો માટે કબર બાંધો છો! 49 તેથી દેવના જ્ઞાને પણ કહ્યું છે, ‘હું તેઓની પાસે પ્રબોધકો તથા પ્રેરિતોને મોકલીશ. મારા પ્રબોધકો અને પ્રેરિતોમાંના કેટલાએકને દુષ્ટ માણસો દ્ધારા મારી નાખવામાં આવશે. બીજાઓને સતાવવામાં આવશે.’
50 “તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે. 51 હાબેલની હત્યા માટે તમને શિક્ષા થશે. જે રીતે ઝખાર્યા જે વેદી અને મંદિરની વચ્ચે માર્યો ગયો હતો. હા, હું તમને કહું છું તમે લોકો જે હાલમાં જીવો છો તેઓને તે બધા માટે શિક્ષા થશે.
52 “ઓ પંડિતો, તમને અફસોસ છે! કેમ કે તમે દેવ વિષે શીખવાની ચાવી સંતાડી દીધી છે. તમે તમારી જાતે શીખતા નથી અને બીજાઓને પણ તે શીખવામાંથી અટકાવ્યા છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International