Revised Common Lectionary (Semicontinuous)
મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.
1 મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
તમે મારા આત્માને બચાવો.
3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
અને કેદારનાં તંબુઓમાં વસું છું.
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
હું ધરાઇ ગયો છું.
7 જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
કોરેશની બંદીવાનોને મુકિત સમયે મદદ
1 ઇરાનના રાજા કોરેશના અમલ દરમ્યાન પહેલા વર્ષે યહોવાએ યર્મિયા દ્વારા આપેલું વચન પૂરું કરવા માટે ઇરાનના રાજા કોરેશને પ્રેરણા કરી કે, તેણે પોતાના આખા રાજ્યમાં લેખિત ઢંઢેરો પિટાવવો:
2 “ઇરાનના રાજા કોરેશ જાહેર કરે છે કે:
“આકાશના દેવ યહોવાએ મને પૃથ્વી પરનાં બધાં રાજ્યો આપ્યાં છે, અને તેણે પોતે મને તેને માટે યહૂદામાં આવેલ યરૂશાલેમમાં મંદિર બંધાવવાની જવાબદારી સોંપી છે. 3 તેથી યરૂશાલેમમાં આવેલા ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર ફરીથી બાંધવા માટે રાજ્યમાંના કોઇ પણ યહૂદામાં આવેલા યરૂશાલેમમાં જઇ શકશે. તેનો દેવ તેની સાથે રહ્યો. યરૂશાલેમમાં એ જ દેવની પૂજા થાય છે. 4 એટલા માટે કોઇ પણ જગ્યાએ જ્યાં એમાંનો કોઇ બાકી રહેલો હોય તો તેની જગ્યાના લોકો તેને યરૂશાલેમનાં મંદિરનાં બાંધકામ માટે યથાશકિત સોના, ચાંદી, સામાન, પશુઓ અને અર્પણ આપીને મદદ કરે.”
5 તેથી યહૂદા અને બિન્યામીનના કુળસમૂહોના બધાં આગેવાનો, યાજકો, લેવીઓ અને યહોવા દ્વારા પ્રેરાયેલાઓ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવા જવા તૈયાર થયા. 6 તેમના આજુબાજુના પાડોશીઓએ તેમને આ બધાં અર્પણ ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, સામાન, ઢોરઢાંખર તથા કિંમતી ભેટ આપી. 7 વળી રાજા કોરેશે પણ તેમને યહોવાના મંદિરમાંથી વસ્તુઓ આપી. આ વસ્તુઓ નબૂખાદનેસ્સાર રાજાએ યરૂશાલેમના યહોવાના મંદિરમાંથી લઇ જઇને પોતાના દેવોના મંદિરમાં મૂકી હતી. 8 તદુપરાંત ઇરાનના કોરેશ રાજાએ ખજાનચી મિથદાથ પાસે તે વસ્તુઓને લાવ્યો અને તેણે આ વસ્તુઓ યહૂદાના આગેવાન શેશ્બાસ્સારને સોંપી દીધી.
9 આ તે બધી વસ્તુઓ છે જે કોરેશ રાજા યહોવાના મંદિરમાંથી બહાર લાવ્યો હતો: 30 સોનાની થાળીઓ, 1,000 ચાંદીની થાળીઓ અને 29 બીજા વાસણો, 10 ત્રીસ સોનાના કટોરા, 410 ચાંદીના જુદા જુદા પ્રકારના પ્યાલાઓ, 1,000 અન્ય ચીજ વસ્તુઓ, 11 સોનાચાંદીનાં સર્વ પાત્રો મળીને 5,400 હતાં, જ્યારે બંદીવાનો બાબિલથી યરૂશાલેમ આવ્યા, ત્યારે આ બધાં પાત્રો શેસ્બાસ્સાર પોતે પોતાની સાથે લાવ્યો.
પાઉલની યોજનામાં પરિવર્તન
12 અમે આ માટે ગર્વ અનુભવીએ છીએ, અને હું હૃદયપૂર્વક આ સત્ય કહુ છું. અમે દુનિયામાં જે કઈ વસ્તુ કરી છે, તે બધી જ, દેવ પ્રેરિત, પ્રામાણિક અને શુદ્ધ હૃદયથી કરી છે. અને તમારી સાથે અમે જે વસ્તુ કરી છે તે અંગે તો આ વધુ સત્ય છે. અમે દેવની કૃપાથી જ આ કર્યુ, નહિ કે દુનિયાના ડહાપણને કારણે. 13 અમે તમને એજ વસ્તુ લખીએ છીએ જે તમે વાંચી અને સમજી શકો. અને હું આશા રાખું છું કે તમે સંપૂર્ણ રીતે સમજશો. 14 જે રીતે અમારા વિષેની કેટલીક બાબતો તમે સમજી ચુક્યા છો. હું આશા રાખું છું કે તમે સમજશો કે તમે અમારા માટે ગર્વ અનુભવી શકો છો, એ જ રીતે જે રીતે, આપણા પ્રભુ ઈસુના પુનરાગમનને દિવસે અમે તમારા માટે ગર્વ અનુભવીશું.
15 મને આ સર્વ વિષે ખાતરી છે. અને તેથી જ પહેલા તમારી મુલાકાત લેવાની મેં યોજના કરી હતી. પછી તમે બે વખત આશીર્વાદીત થઈ શકો. 16 મકદોનિયા જતા રસ્તામાં તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. અને પછી પાછા ફરતા ફરીથી તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. મારા યહૂદિયાના પ્રવાસ માટે તમારી મદદ લેવાની મારી ઈચ્છા હતી. 17 શું તમે એમ માનો છો કે મેં ખરેખર વિચાર્યા વગર તે યોજનાઓ કરી હતી? અથવા કદાચ તમે એમ માનશો કે જે રીતે દુનિયા યોજનાઓ કરે છે એ રીતે મેં યોજનાઓ કરી હશે, કે જેથી હુ, “હા ની હા” કહું અને તે જ સમયે “ના ની ના” પણ કહું.
18 પરંતુ જો તમે દેવમાં માનતા હો તો, તમે માનશો કે અમે તમને કદી પણ એક જ સમયે “હા” અને “ના” સાથે નથી કહ્યું. 19 દેવ પુત્ર ઈસુ ખ્રિસ્ત, સિલ્વાનુસ અને તિમોથી અને મેં તમને જે ઉપદેશ આપ્યો તે “હા” અને “ના” નહોતો. ઈસુ ખ્રિસ્તમાં હમેશા “હા” હતી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International