Revised Common Lectionary (Semicontinuous)
મંદિર સુધી; ચઢીને જવાનું ગીત.
1 મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો;
અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
2 હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી
તમે મારા આત્માને બચાવો.
3 હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો?
તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
4 તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે;
અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
5 મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું
અને કેદારનાં તંબુઓમાં વસું છું.
6 જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો
હું ધરાઇ ગયો છું.
7 જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે.
હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
18 સિદકિયા ગાદીએ આવ્યો, ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, અને તેણે યરૂશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું, અને લિબ્નાહના યર્મિયાની પુત્રી હતી. 19 સિદકિયાએ યહોયા ખીનની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યુ. 20 યરૂશાલેમે અને યહૂદાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે છેલ્લે તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.
નબૂખાદનેસ્સાર દ્વારા સિદકિયાના શાસનની સમાપ્તિ
પછી રાજા સિદકિયાએ બાબિલના રાજાની વિરૂદ્ધ બળવો કર્યો.
25 તેના શાસનના નવમા વર્ષમાં, દશમાં મહિનાના, દશમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાની આખી સેના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો, તેણે એ શહેરને ઘેરો ઘાલ્યો અને ચારે બાજુ ઘેરાના ઢાળીયા બાધ્યાં. 2 એ પ્રમાણે સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો. 3 રાજયમાં ચોથા મહિનાના નવમા દિવશે દુકાળ એટલો સખત બની ગયો કે, ખાવા માટે કઇ ખોરાક બાકી ન રહ્યો. તે ચોથા મહિનાનો નવમો દિવસ હતો, નગરમાં અનાજની ભારે તંગી વર્તાતી હતી.
4 આખરે, નબૂખાદનેસ્સારના સૈન્યએ નગરના કોટમાં ગાબડું પાડયું અને તે રાત્રે તેમાંથી સિદકિયા અને તેના માણસો, બે દિવાલોની વચ્ચે આવેલા એક ગુપ્ત દરવાજામાંથી રાજાના બગીચાના માર્ગે શહેરમાં ચારે બાજુ બાબિલવાસીઓ હતાં તે છતાં પણ, રણ તરફ નાસી ગયા. 5 બાબિલના રાજાના સૈન્યે તેનો પીછો કર્યો અને તેને યરીખોના મેદાનમાં પકડી પાડયો, અને તેની સાથેના લોકો વિખેરાઈ ગયા અને તેને છોડી ગયા.
6 બાબિલના સૈનિકોએ સિદકિયાને પકડીને તેમના રાજા નબૂખાદનેસ્સારની પાસે રિબ્લાહ લઈ ગયા. અને ત્યાં તેને સજા કરવામાં આવી. 7 તેની નજર આગળ તેના દીકરાઓને રહેંસી નાખવામાં આવ્યા અને ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, સાંકળે બાંધી તેને બાબિલ લઈ જવામાં આવ્યો.
યરૂશાલેમનો વિનાશ
8 બાબિલના રાજા નબૂખાદનેસ્સારના શાસનના ઓગણીસમાં વર્ષમાં, પાંચમા મહિનાના સાતમા દિવસે, રાજાના અંગરક્ષકો, તેમનો સરદાર, નબૂઝારઅદાન અને તેના મંત્રીઓ યરૂશાલેમમાં પ્રવેશ્યા, 9 યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરનાં બધાં મકાનોને બાળી મૂક્યાં.
10 તેના લશ્કરે નગરની દીવાલો તોડી નાખી. 11 તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, અને જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને દેશવટો દીધો. 12 અને ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને દ્રાક્ષની વાડીમાં અને ખેતરમાં મજૂરી કરવા માટે પાછળ રહેવા દીધા.
13 બાબિલવાસીઓએ યહોવાના મંદિરમાંના કાંસાના થાંભલા, પૈડાવાળી ઘોડીઓ અને કાંસાનો સમુદ્ર તે બધું તેમણે ભાંગી નાખ્યું અને કાંસુ બાબિલ લઈ ગયા. 14 વળી તેઓ યહોવાના મંદિરમાં વપરાંતા કાંસાના બધાં વાસણો, કૂંડાં, કુહાડીઓ, થાળીઓ, વાટકા અને બધી વસ્તુઓ પણ લઈ ગયા. 15 સોનાચાંદીનાં પાત્રોને પણ કબજે કરીને તેઓ લઈ ગયા. 16 કાંસાના બે સ્તંભો, સમૂદ્ર અને પૈડાવાળી ઘોડીઓનું વજન કરવું અશકય હતું કેમ કે તે ઘણા વજનદાર હતા. આ સર્વ વસ્તુઓ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવડાવી હતી. 17 એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, અને તેના પર કાંસાની મથોટી હતી અને તેની ઉંચાઈ ત્રણ હાથ હતી, તે એક ઢાંકણું હતું જે ગોળ ફરતું હતું અને દરવાજે લટકતું હતું મથાળા પર ચોગરદમ જાળી તથા દાડમો પાડેલાં હતાં, અને તે એક ગોળાકાર જેવું માળખું હતું. બીજો સ્તંભ પણ જાળીદાર નકશી પાડેલી હતી અને તેના જેવો જ હતો.
બંદિવાન બનતા યહૂદીઓ
18 રક્ષકોના નાયકે મુખ્ય યાજક સરાયાને, તેની હાથ નીચેના યાજક સફાન્યાને અને ત્રણ દ્વારપાળોને કેદ પકડયા.
19 ત્યાર પછી તેણે નગરમાંથી લશ્કરના વડા અમલદારને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને, સેનાપતિના લશ્કરની ભરતી અને તાલીમનું કામ સંભાળનાર મંત્રીને, તેમજ પ્રદેશના 60 સામાન્ય લોકોને, જેઓ નગર માંથી મળ્યા હતાં તેમને સાથે લીધા.
20 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહમાં બાબિલના રાજા આગળ લઈ ગયા. 21 અને ત્યાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યા. આમ યહૂદાવાસીઓને બંદીવાન બનાવીને, તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા.
20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો. 21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે. 22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું. 23 પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે. 24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે.
25 જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ. 26 મૃત્યુ તે આખરી દુશ્મન હશે જેનો નાશ થશે. 27 શાસ્ત્રલેખ કહે છે કે, “દેવ બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે.”(A) જ્યારે શાસ્ત્રલેખ, “બધીજ વસ્તુઓ” ને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે ત્યાં એ સ્પષ્ટ છે કે દેવનો આમાં સમાવેશ થતો નથી. કારણ કે દેવ તે એક છે કે જે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે. 28 જ્યારે ખ્રિસ્તના નિયંત્રણ નીચે બધી જ વસ્તુઓ આવશે. પછી પુત્ર પોતે જ જેવના નિયંત્રણને આધીન થશે. દેવ તે એક છે કે જે બધી વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે તેથી દેવ બધી જ વસ્તુઓના સંપૂર્ણ શાસક બનશે.
29 જો લોકોને મૂએલામાંથી કદી પણ ઊઠાડયા ન હોય તો મૃત્યુ પામેલા લોકોના વતી જે લોકો બાપ્તિસ્મા પામ્યા છે તેઓ શું કરશે? જો મૃત્યુ પામેલા લોકો કદી પણ ઊઠયા ન હોય તો તેઓના માટે લોકો શા માટે બાપ્તિસ્મા લે છે?
30 અને આપણું શું? શા માટે દરેક કલાકે આપણે આપણી જાતને ભયમાં મૂકીએ છીએ? 31 હું તો દરરોજ મૃત્યુ પામું છું. ભાઈઓ તે એટલું જ સાચું છે, કે જેટલું આપણા પ્રભુ એવા ખ્રિસ્ત ઈસુમાં તમારા વિષે હું અભિમાન લઉ છું. તે સાચું છે. 32 જો હું એફેસસમાં માત્ર માનવીય કારણોને લઈને જંગલી પશુઓ સાથે લડયો હોઉં, માત્ર મારા અહંકારને પોષવા માટે લડ્યો હોઉં, તો મેં કશું જ પ્રાપ્ત કર્યુ નથી. જો લોકો મૃત્યુમાંથી ઊઠતા ન હોય તો, “ચાલો આપણે ખાઈએ, પીએ અને મજા કરીએ કારણ કે કાલે તો આપણે મરવાના છીએ.”(B)
33 મૂર્ખ ન બનશો: “ખરાબ મિત્રો સારી આદતોનો નાશ કરે છે.” 34 તમારા ન્યાયી વિચારો તરફ પાછા ફરો અને પાપ આચરવાનું બંધ કરો. હું તમને શરમાવવા માટે કહું છું કે તમારામાંના કેટલાએક દેવને જાણતા નથી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International