Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
એંધાણી રૂપ યશાયાનો પુત્ર
8 યહોવાએ મને કહ્યું, “એક મોટું ટીપણું લઇને તેના પર ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’[a] એમ બધા વાંચી શકે તે પ્રમાણે મોટા અક્ષરે સાદી ભાષામાં લખ.”
2 અને યાજક ઊરિયાને અને બેરેખ્યાના પુત્ર ઝર્ખાયાને તે લખાય તે દરમ્યાન સાક્ષી તરીકે રહેવાનું મેં પૂછયું, કારણ કે તેઓ વિશ્વાસુ માણસો છે. 3 પછી મેં પ્રબોધિકા સાથે ગયો, તેને ગર્ભ રહ્યો અને પુત્ર અવતર્યો. પછી યહોવાએ મને કહ્યું, “તું એનું નામ ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’ રાખ. 4 કારણ કે એ ‘બા’ કે ‘બાપા’ બોલતો થાય તે પહેલાં દમસ્કની સંપત્તિ અને સમરૂનની લૂંટ ઉપાડીને આશ્શૂરના રાજા સમક્ષ લઇ જવામાં આવશે.”
5 ફરી વાર યહોવા મારા દેવે મારી સાથે વાત કરી અને કહ્યું, 6 “કારણ કે યરૂશાલેમના લોકો મદદ માટે મારા પર આધાર રાખતા નથી જે શિલોઆહના સ્થિર પાણી જેમ છે. ઉલ્ટાનું, તેઓ રસીન અને રમાલ્યાના પુત્રથી ડરેલા છે.” 7 તેથી હું યહોવા યહૂદા પર ફ્રાત નદીના ધસમસતાં અને વેગીલા જળપ્રવાહને લઇને આવીશ, હું આશ્શૂરના રાજા તથા તેના સમગ્ર બળવાન સૈન્ય સાથે આવીશ. જળપ્રવાહ ઉભરાઇ જશે અને સમગ્ર તટ પ્રદેશને સપાટામાં લઇ લેશે. 8 તે યહૂદામાં ધસી જશે, અને આગળ વધતા વધતા તે તેના ગળા સુધી પહોંચશે, અને તેના પાણી તમારી સમગ્ર ભૂમિમાં ફરી વળશે અને તેને ભરી દેશે.
પરંતુ દેવ આપણી સાથે છે, તારા આખો દેશ ભરપૂર થઇ જશે!
9 હે રાષ્ટ્રો! તમે અમારું ભૂંડુ કરવા નીકળ્યા છો. પણ તમે સફળ થઇ શકશો નહિ,
તમે છિન્નભિન્ન થઇ જશો,
હે દૂરના રાષ્ટ્રો, તમે બધા સાંભળો;
અમારી સામે યુદ્ધ કરવા તમારી જાતને સુસજ્જ કરો હા,
અને નાશ પામો!
10 અમારી સામે આક્રમણ કરવાની યોજનાઓ તૈયાર કરો,
તમારી વ્યૂહરચનાઓ વિકસાવો,
સભાઓ બોલાવો;
અને નાશ પામો!
કારણ કે યહોવા અમારી સાથે છે.
યશાયાને ચેતવણી
11 યહોવાએ મને જોરથી પકડીને એ લોકોને માર્ગે જતો રોક્યો, અને મને આ મુજબ કહ્યું, 12 “કહેવાતા કાવતરાઁની જેનાથી આ લોકો ડરે છે, ચિંતા કરશો નહિ તે લોકો જેનો ડર રાખે છે, તેનાથી ગભરાશો નહિ.”
13 તમારે તો માત્ર મને, સૈન્યોનો દેવ યહોવાને જ પવિત્ર માનવો. અને મારાથી જ ડરીને ચાલવું. 14 તમારે માટે પવિત્રસ્થાન હોવા છતાં એ લોકો માટે હું એવા પથરારૂપ થઇ પડીશ જેની સાથે તેઓ ભટકાય; એની સાથે જ ઇસ્રાએલના, યહૂદાના અને યરૂશાલેમના લોકો અથડાશે અને એના ઉપર જ ઠોકર ખાશે, એ લોકોને માટે હું ફાંસલા અને જાળ જેવો બની રહીશ. 15 તેઓમાંના ઘણા ઠોકર ખાઇને પટકાશે અને છિન્નભિન્ન થઇ જશે. ઘણા જાળમાં સપડાશે અને પકડાશે.
લેવી ઈસુને અનુસરે છે
(માથ. 9:9-13; માર્ક 2:13-17)
27 આ પ્રસંગ પછી ઈસુ બહાર જતો હતો ત્યારે તેણે લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોયો. તેથી ઈસુએ તેને કહ્યું, “આવ અને મને અનુસર!” 28 આ સાંભળીને તરત જ લેવી સર્વસ્વ છોડીને ઈસુને અનુસરવા લાગ્યો.
29 અને પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માનમાં ભોજનસમારંભનુંઆયોજનકર્યુ. ત્યાં ભોજનસમારંભમાં ઘણા જકાતદારો અને બીજા કેટલાએક લોકો પણ હાજર હતા. 30 તે વખતે ફરોશીઓ અને શાસ્ત્રીઆએે તેના શિષ્યોને ફરીયાદ કરી, “તમે શા માટે જકાતદારો અને પાપીઓની સાથે ભોજન કરો છો અને પીઓ છો?”
31 ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે. 32 હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International