Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન;
તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે.
2 પ્રજાઓ શા માટે એમ પૂછે છે:
“તમારા દેવ ક્યાં છે?”
3 કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે
અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
4 તેઓના દેવો સોના ચાંદીના જ છે;
તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
5 તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી;
તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે,
પણ, તેઓ સૂંઘી શકતા નથી.
7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી;
તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી.
તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
8 જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે
તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
9 હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો.
તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
10 હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો,
તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
11 હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો,
તે તમારા મદદગાર અને ઢાલ છે.
12 યહોવાએ આપણને સંભાર્યા છે,
તે આપણને આશીર્વાદ આપશે;
ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને
પણ તે આશીર્વાદ આપશે.
13 હે યહોવાના ભકતો,
નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
14 યહોવા ખચીત તમારા છોકરાંની
તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક;
યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
16 આકાશો તે યહોવાનાઁ પોતાના છે,
પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
17 મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર
યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
18 પણ અમે આજથી
સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું.
યહોવાની સ્તુતિ થાઓ!
દબોરાહનું ગીત
5 તે દિવસે દબોરાહ અને અબીનોઆમના પુત્ર બારાકે આ ગીત ગાયું.
2 “યહોવાની સ્તુતિ કરો, ગુણગાન ગાઓ!
કારણ કે ઈસ્રાએલના યોદ્ધાઓ તૈયાર હતાં
અને એક સક્ષમ નેતા દ્વારા દોરાઈ જવા માંટે આગળ આવ્યાં.
3 “ઓ રાજાઓ, સાંભળો,
હું યહોવાના ગીતો ગાઉં છું,
હું ઈસ્રાએલના દેવ
યહોવાની સ્તુતિ ગાઉ છું.
4 “હે યહોવા, તમે સેઈરમાંથી બહાર આવ્યા,
તમે અદોમના પ્રદેશમાંથી નીકળ્યા,
અને તે સમયે ધરતી ધ્રૂજતી હતી,
આકાશ કંપતું હતું,
અને વાદળાં પાણી રેડી રહ્યાં હતાં.
5 સિનાઈના દેવ, યહોવાની સામે,
ઈસ્રાએલના દેવ યહોવાની સામે પર્વતો પણ થરથરી ગયા.
6 “આનાથના પુત્ર શામ્ગારના સમયમાં,
યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ,
અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.
7 “ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી
ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં.
ત્યાં ફકત મોટા નગરો હતાં.
8 “ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા,
પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું.
ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં,
પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં!
9 “હું માંરી જાતને શૂરવીર ઈસ્રાએલી
સૈનિકોને સોપી દઈશ,
યહોવાની સ્તુતિ કરો!
10 “અરે, ઓ શ્વેત ગર્દભો
પર સવારી કરનારાઓ,
કિંમતી ગાલીચા પર બેસનારાઓ,
પગપાળા પંથ કાપનારાઓ,
11 ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના
પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે.
યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના
સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે.
યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.
તમારી સભા મંડળીને મદદરૂપ થવી જોઈએ
26 તો ભાઈઓ અને બહેનો, તમારે શું કરવું જોઈએ? જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય, બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય, બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય, જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય. આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ. 27 જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ. 28 પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ.
29 અને માત્ર બે કે ત્રણ પ્રબોધકોએ જ બોલવું જોઈએ અને તેઓ જે બોલે છે તેનું બીજાઓએ મૂલ્યાંકન કરવું જોઈએ. 30 અને જે વ્યક્તિ બેઠેલી છે તેનામાં પ્રભુના સંદેશની પ્રેરણા જાગે તો પ્રથમ વસ્તાએ અટકી જવું જોઈએ. 31 તમે બધા એક પછી એક પ્રબોધ કરી શકો. આ રીતે બધા જ લોકોને ઉપદેશ આપી શકાય અને પ્રોત્સાહિત કરી શકાય. 32 પ્રબોધકોનો આત્મા પ્રબોધકોના પોતાના નિયંત્રણમાં હોય છે. 33 દેવ અવ્યવસ્થાનો નહિ પરંતુ શાંતિનો દેવ છે.
34 સ્ત્રીઓએ મંડળીની સભાઓમાં શાંત રહેવું જોઈએ. દેવના લોકોની બધી જ મંડળીઓમાં આમ જ હોવું જોઈએ. મૂસાનો નિયમ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓને બોલવાની છૂટ ન આપવી જોઈએ અને તેમણે નિયંત્રણમાં રહેવું જોઈએ. 35 સ્ત્રીઓને પોતાને કઈક જાણવાની ઈચ્છા હોય તો તેમણે તેમના ઘેર તેમના પતિઓને પૂછવું જોઈએ. મંડળીની સભાઓમાં સ્ત્રીઓનું બોલવું ઘણું શરમજનક છે.
36 શું દેવનો ઉપદેશ તમારા થકી છે? ના! અથવા તમે માત્ર એક એવા છો કે જેમના આ ઉપદેશ પ્રાપ્ત થયો છે? ના! 37 જો કોઈ પણ વ્યક્તિ એમ ધારતી હોય કે તે પોતે પ્રબોધક છે અથવા તેને આત્મિક દાન મળેલું છે, તો તે વ્યક્તિએ સમજવાની જરુંર છે કે તમને જે આ હું લખું છું તે પ્રભુનો આદેશ છે. 38 જો તે વ્યક્તિ આ ન જાણતી હોય તો દેવ દ્વારા તે અજ્ઞાત છે.
39 તેથી મારા ભાઈઓ અને બહેનો, ખરેખર તમારે પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ, પરંતુ અન્ય ભાષામાં બોલવાનું દાન ધરાવતા લોકોને તે ભાષામાં બોલતા રોકશો નહિ. 40 પરંતુ દરેક વસ્તુ યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવી જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International