Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
યહૂદાનો રાજા સિદકિયા
11 સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી. અને તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યુ. 12 તેણે તે દેવ યહોવા વિરૂદ્ધ પાપ કર્યુ, અને યહોવાના મુખ્ય પાત્ર પ્રબોધક યર્મિયાનું કહ્યું તેણે માથે ચડાવ્યું નહિ.
યરૂશાલેમનો વિનાશ
13 વળી તેણે નબૂખાદનેસ્સાર સામે બળવો કર્યો. જેને વફાદાર રહેવાને તેણે દેવને નામે સમ ખાધા હતા. તે જક્કી હતો અને તેણે ઇસ્રાએલના દેવ યહોવાને શરણે પાછા વળવાની હઠપૂર્વક ના પાડી. 14 ઉપરાંત યહૂદાના બધા આગેવાનો, યાજકો અને લોકો વધુ બગડતા અને બગડતા ગયા. તેઓ આજુબાજુની પ્રજાઓના દેવોની મૂર્તિઓને પૂજતા હતા, આમ તેઓએ યરૂશાલેમમાં આવેલા યહોવાના મંદિરને ષ્ટ કર્યુ જે તેણે પાવન કર્યુ હતું. 15 તેઓના પિતૃઓના દેવ યહોવાએ વારંવાર પોતાના પ્રબોધકો મોકલીને તેઓને ચેતવણી આપી, કારણકે પોતાના લોકો પર અને પોતાના નિવાસ પર તેને દયા આવતી હતી. 16 પણ તેમણે દેવના સંદેશવાહકોની ઠેકડી ઉડાવી, દેવના વચનોની ઉપેક્ષા કરી, અને પ્રબોધકોને હસી કાઢયા, એટલે સુધી કે આખરે તેમના ઉપર યહોવાનો રોષ એવો તો ઊતર્યો કે, કોઇ ઉપાય ન રહ્યો. 17 ત્યારે યહોવાએ બાબિલના રાજાને તેમના ઉપર ચઢાઇ કરવા મોકલ્યો. બાબિલના રાજાએ તેમના યુવાન માણસોને જ્યારે તેઓ મંદિરની અંદર જ હતાં ત્યારે મારી નાખ્યાં. તેણે સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ કે યુવાન, સાજાં કે માંદા કોઇનેય છોડ્યાં નહિ. દેવે તેમને બધાંને તેના હાથમાં સુપ્રત કર્યા હતાં. 18 તે યહોવાના મંદિરની નાનીમોટી બધી જ સામગ્રી તેમજ મંદિરમાંના, રાજાના અને તેના અમલદારોના ખજાના, બધું જ બાબિલ લઇ ગયો. 19 તેણે મંદિર બાળી મૂક્યું. યરૂશાલેમની દિવાલ ભોંયભેગી કરી નાખવામાં આવી હતી. તેના મહેલોને આગ ચાંપી અને બધી જ કિંમતી વસ્તુઓનો નાશ કર્યો. 20 હત્યાઓમાંથી બચી જવા પામેલાઓને તે બાબિલ બાન પકડી ગયો, અને ઇરાનીઓ સત્તા પર આવ્યા ત્યાં સુધી તેઓ તેના તથા તેના વંશજોના ગુલામ રહ્યાં. 21 આ રીતે યર્મિયા મારફતે ઉચ્ચારાયેલું યહોવાનું વચન સાચું પડ્યું ભૂમિ 70 વર્ષો સુધી વેરાન થઇ જશે. લોકો દ્વારા વિશ્રામવર્ષની વિશ્રાંતિ[a] ન પાળવા માટેની આ ભરપાઈ હશે.
43 બીજે દિવસે ઈસુએ ગાલીલ જવાનું નક્કી કર્યુ. ઈસુ ફિલિપને મળ્યો અને તેને કહ્યું, “મને અનુસર.” 44 ફિલિપ બેથસૈદાનો એટલે આંન્દ્રિયા તથા પિતરના શહેરનો હતો. 45 ફિલિપ નથાનિયેલને મળ્યો અને કહ્યું, “યાદ કરો કે નિયમશાસ્ત્રમાં મૂસાએ શું કહ્યું છે. મૂસાએ જે માણસ આવવાનો હતો તેના વિષે લખ્યું. પ્રબોધકોએ પણ તેના વિષે લખ્યું અમે તેને મળ્યા છીએ. તેનું નામ ઈસુ છે, તે યૂસફનો દીકરો છે. તે નાસરેથમાંનો છે.”
46 પણ નથાનિયેલે ફિલિપને કહ્યું, “શું નાસરેથમાંથી કંઈક સારું નીકળી શકે?”
ફિલિપે ઉત્તર આપ્યો, “આવો અને જુઓ.”
47 ઈસુએ નથાનિયેલને તેના તરફ આવતા જોયો. ઈસુએ કહ્યું, “આ માણસ જે મારી પાસે આવે છે તે ખરેખર દેવના લોકોમાંનો એક છે તેનામાં કંઈ દુષ્ટતા નથી.”
48 નથાનિયેલે પૂછયું, “તું મને કેવી રીતે ઓળખે છે?”
ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યારે તું અંજીરના વૃક્ષ નીચે હતો, ત્યારે મેં તને જોયો. ફિલિપે તને મારા વિષે કહ્યું તે પહેલાં તું ત્યાં હતો.”
49 પછી નથાનિયેલે ઈસુને કહ્યું, “રાબ્બી, તું દેવનો દીકરો છે. તું ઈસ્રાએલનો રાજા છે.”
50 ઈસુએ નથાનિયેલને કહ્યું, “મેં તને કહ્યું કે મેં તને અંજીરના વૃક્ષ નીચે જોયો. તેથી તે મારામાં વિશ્વાસ મૂક્યો. પણ તું તેના કરતાં પણ વધારે મહાન વાતો જોશે.” 51 ઈસુએ વધારામાં કહ્યું, “હું તને સત્ય કહું છું. તમે બધા આકાશને ઊઘડેલું જોશો, તમે દેવના દૂતોને માણસના દીકરા ઊપર ચઢતા ઉતરતા જોશો.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International