Revised Common Lectionary (Semicontinuous)
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
મને શરમિંદો કરશો નહિ.
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.
યોશિયાનું મૃત્યુ
20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો. 21 પરંતુ નખોએ એલચીઓ મોકલીને કહેવડાવ્યું કે,
“ઓ યહૂદાના રાજા, તારે ને મારે શો ઝઘડો છે? આજે હું તારી સાથે લડવા નથી આવ્યો, પણ જેની સાથે મારે દુશ્મનાવટ છે તે રાજા સાથે લડવા આવ્યો છું, અને યહોવાએ મને ઉતાવળ કરવા કહ્યું છે. દેવ મારા પક્ષે છે, તેની આડે આવીશ નહિ, નહિ તો તે તારો નાશ કરશે.”
22 પણ યોશિયાએ તેનું સાંભળ્યું નહિ. અને તેની સાથે લડવા માટે પોતે વેશપલટો કર્યો. દેવની આજ્ઞાથી ઉચ્ચારાયેલાં નખોના વચન તેણે કાન પર લીધાં નહિ, અને મગિદોના મેદાનમાં તે યુદ્ધે ચડ્યો. 23 બાણાવળીઓએ તેના ઉપર મારો ચલાવ્યો અને તેણે પોતાના અંગરક્ષકોને કહ્યું, “મને લઇ જાઓ, હું સખત ઘવાયો છું.”
24 તેઓ તેને તેના રથમાંથી ઉપાડી બીજા રથમાં મૂકી પાછો યરૂશાલેમ લઇ ગયા, ત્યાં તે મૃત્યુ પામ્યો અને તેને પિતૃઓની કબરોમાં દફનાવવામાં આવ્યો, સમગ્ર યહૂદાએ અને યરૂશાલેમે તેનો શોક પાળ્યો. 25 યર્મિયા પ્રબોધકે તથા મંદિરના ગાયકવૃંદે પણ તેના માટે વિલાપ કર્યો. આજ દિવસ સુધી તેના મૃત્યુ વિષે વિલાપના ગીતો ગવાય છે, અને આ ગીતો વિલાપના અધિકૃત પુસ્તકમાં નોંધેલા છે.
26 યોશિયાનાં બાકીનાં કૃત્યો, તથા યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે કરેલાં તેના સુકૃત્યો, 27 તથા તેના બીજાં કામો, પહેલેથી તે છેલ્લે સુધી, ઇસ્રાએલ અને યહૂદાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં નોંધેલા છે.
એફેસસમાં પાઉલ
19 જ્યારે અપોલોસ કરિંથના શહેરમાં હતો ત્યારે, પાઉલ એફેસસના શહેરના રસ્તા પર કેટલાક સ્થળોની મુલાકાત લેતો હતો. એફેસસમાં પાઉલને યોહાનના કેટલાક શિષ્યો મળ્યા. 2 પાઉલે તેઓને પૂછયું, “જ્યારે તમે વિશ્વાસ કર્યો ત્યારે તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થયો?”
આ શિષ્યોએ તેને કહ્યું, “અમે કદી તે પવિત્ર આત્મા વિષે સાંભળ્યું નથી.”
3 તેથી પાઉલે તેઓને પૂછયું, “તમને કેવા પ્રકારનું બાપ્તિસ્મા આપવામા આવ્યું હતું?”
તેઓએ કહ્યું, “તે યોહાને શીખવેલ બાપ્તિસ્મા હતું.”
4 પાઉલે કહ્યું, “લોકો તેમનાં જીવનમાં બદલાણ ઇચ્છે છે તે દર્શાવવા બાપ્તિસ્મા લેવા યોહાને લોકોને કહ્યું. જે તેની પાછળ આવે છે તેના પર વિશ્વાસ કરવાનું યોહાને કહ્યું. તે પાછળ આવનાર વ્યક્તિ તો ઈસુ છે.”
5 જ્યારે તેઓએ આ સાંભળ્યું ત્યારે. તેઓ પ્રભુ ઈસુના નામે બપ્તિસ્મા પામ્યા હતા. 6 પછી પાઉલે તેનો હાથ તેઓના પર મૂક્યો અને પવિત્ર આત્મા તેઓ પર આવ્યો. તેઓ જુદી જુદી ભાષાઓ બોલવા લાગ્યા અને પ્રબૅંેધ કરવા લાગ્યા. 7 ત્યાં લગભગ બાર માણસો આ સમૂહમાં હતા.
8 પાઉલ સભાસ્થાનમાં ગયો અને ઘણી હિંમતથી બોલ્યો. પાઉલે આ કામ ત્રણ માસ સુધી ચાલુ રાખ્યું. તેણે યહૂદિઓ સાથે વાતો કરી અને દેવના રાજ્ય વિષે તેણે કહેલી વાતો સ્વીકારવા સમજાવ્યા. 9 પણ કેટલાક યહૂદિઓ દુરાગ્રહી થયા. તેઓએ માનવાનો અનાદર કર્યો. આ યહૂદિઓએ દેવના માર્ગ વિષે કેટલીક વધારે ખરાબ વાતો કહી. બધા જ લોકોએ આ વાતો સાંભળી. તેથી પાઉલે પેલા યહૂદિઓને છોડી દીધા અને ઈસુના શિષ્યોને તેની સાથે લીધા. તુરાનસ નામના માણસની શાળામાં પાઉલ ગયો. ત્યાં પાઉલ દરરોજ લોકો સાથે ચર્ચા કરતો. 10 પાઉલે આ કામ બે વર્ષ માટે કર્યુ. આ કામને કારણે પ્રત્યેક યહૂદિ અને ગ્રીક જે આસિયાના દેશોમાં રહેતા હતા તેઓએ પ્રભુની વાતો સાંભળી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International