Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 71:1-6

હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.
    મને શરમિંદો કરશો નહિ.
મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;
    મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.
જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,
    તમે મને તારવાની આજ્ઞા કરી છે
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.
હે મારા દેવ, તમે મને દુષ્ટોના
    ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.
હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!
    મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.
હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.
    મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.
    હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.

2 કાળવૃત્તાંતનું 34:1-7

યહૂદાનો રાજા યોશિયા

34 જ્યારે યોશિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર આઠ વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 31 વર્ષ રાજ્ય કર્યું. યહોવાની ષ્ટિએ યોગ્ય ગણાય એવું આચરણ તેણે કર્યું, સહેજ પણ આમ કે તેમ ફંટાયા વગર તે પોતાના પિતૃ દાઉદને પગલે ચાલ્યો. તેના શાસનના આઠમે વર્ષે તે હજી કાચી ઉંમરનો જ હતો ત્યારે, તેણે પોતાના પિતૃ દાઉદના દેવની ભકિત કરવાનું શરૂ કર્યુ. બારમે વર્ષે તેણે ટેકરી ઉપરનાં સ્થાનકો, અશેરાદેવીની પ્રતિમાઓ અને બીજી બધી મૂર્તિઓ હઠાવી, યહૂદા અને યરૂશાલેમનું શુદ્ધિકરણ કરવાનું શરૂ કર્યુ. તેણે પોતાની દેખરેખ નીચે બઆલદેવની વેદીઓ ભાંગી નંખાવી અને તેની પાસેની ધૂપની વેદીઓ તોડી પડાવી. અને કોતરેલી અને ઢાળેલી અશેરાદેવીની અને બીજી બધી મૂર્તિઓ ભંગાવી નંખાવી. તેણે તેમનો દળીને ભૂકો કરાવી તેને તેઓની કબર ઉપર ભભરાવ્યો જેઓ આ મૂર્તિઓને બલિ ચઢાવતાં હતાં. તેણે તે લોકોના યાજકોના હાડકાં તેમની વેદીઓ ઉપર બાળી નંખાવ્યાં અને એ રીતે યહૂદાની અને યરૂશાલેમની શુદ્ધિ કરી. તેણે આ પ્રમાણે મનાશ્શા, એફ્રાઇમ, શિમયોન, અને ઠેઠ નફતાલીના નગરોમાં કર્યું અને આસપાસના ખેદાન-મેદાન થઇ ગયેલા વિસ્તારોમાં પણ તેણે આમ જ કર્યુ. સમગ્ર ઇસ્રાએલમાં તેણે વેદીઓ ભાંગી નંખાવી અને અશેરાદેવીના સ્તંભો તોડી પાડ્યાં અને તેણે મૂર્તિઓ તોડી પડાવી, તેમનો દળીને ભૂકો કરી નંખાવ્યો, ને બધી ધૂપની વેદીઓનો નાશ કરાવ્યો. ત્યાર પછી તે પાછો યરૂશાલેમ આવ્યો.

પ્રેરિતોનાં કૃત્યો 10:44-48

બિનયહૂદિઓમાં પવિત્ર આત્મા આવ્યો

44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો. 45 યહૂદિ વિશ્વાસીઓ જેઓ ત્યાં પિતર સાથે આવ્યા હતા તેઓ નવાઇ પામ્યા. તેઓને નવાઇ લાગી હતી કે પવિત્ર આત્મા બિનયહૂદિ લોકો પર પણ રેડાયો છે. 46 આ યહૂદિ વિશ્વાસીઓએ તેઓને વિવિધ ભાષામાં બોલતા અને દેવની સ્તુતિ કરતા સાંભળ્યા. પછી પિતરે કહ્યું, 47 “અમે તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાની મનાઇ કરી શકીએ નહિ. તેઓને આપણી માફક જ પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે!” 48 તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International