Revised Common Lectionary (Semicontinuous)
લામેદ
89 હે યહોવા, તમારું વચન આકાશમાં સદાકાળ સ્થિર છે.
90 તમારું વિશ્વાસપણું પેઢી દરપેઢી કાયમ રહે છે;
તમે જ ધરતી સ્થાપી છે અને તે નભી રહી છે.
91 તમારા ન્યાયી વચનને કારણે દરેક વસ્તુ આજની સુધી અસ્તિત્વ ધરાવે છે; કારણ,
તે સર્વ તમારા સેવકો છે.
92 જો મેં આનંદ માણ્યો ન હોત તમારા નિયમમાં;
તો હું મારા દુ:ખમાંજ નાશ પામ્યો હોત.
93 હું કદી ભૂલીશ નહિ તમારા શાસનોને,
કારણકે તમે મને તેઓથીજ જિવાડ્યો છે.
94 હું તમારો છું; મારું રક્ષણ કરો; કારણ,
મેં સદા તમારા શાસનોને શોધ્યા છે.
95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે;
છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ.
96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે,
પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી.
27 રાજાએ ઓળિયાને બાળી નાખ્યું, પછી યહોવાએ યર્મિયાને કહ્યું:
28 “બીજું ઓળિયું લઇને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાના ઓળિયામાં જે લખ્યું હતું તે બધું લખી કાઢ. 29 અને યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે, ‘આ યહોવાના વચન છે: “તે પોતે આ ઓળિયું બાળીને યર્મિયાને એમ કહીને ઠપકો આપ્યો છે કે, તું આવું તો કેવી રીતે કહી શકે કે, બાબિલનો રાજા આ દેશમાં ચોક્કસપણે આવી જે અહીંના માણસોનો અને પશુઓનો સંહાર કરી નાખશે?” 30 આથી હું યહોવા તને કહું છું કે તારા પછી દાઉદની ગાદીએ બેસનાર કોઇ વંશજ તારો રહેશે નહિ, અને તારું શબ દિવસના બળબળતા તાપમાં અને રાત્રીની કડકડતી ઠંડીમાં બહાર ફેકી દેવામા આવશે. 31 હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેમનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ, અને તમારા પર, યરૂશાલેમના વતનીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે જે અનિષ્ટ લાવવાની ધમકી આપી હતી તે તમારી પર અવશ્ય ત્રાટકશે, મેં તેઓને ધમકી આપી હતી પણ તેમણે સાંભળ્યું નહિ.’”
32 ત્યારબાદ યર્મિયાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના પુત્ર બારૂખ લહિયાને લખવા આપ્યું. પછી પહેલાં લખાયું હતું તે સર્વ તેણે બારૂખને ફરીથી લખાવ્યું, પરંતુ આ વખતે યહોવાએ તેમાં ઘણાં વચનો ઉમેર્યા.
પિતરની સાસુને ઈસુ સાજી કરે છે
(માથ. 8:14-17; માર્ક 1:29-34)
38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી. 39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી.
ઈસુ ઘણા લોકોને સાજા કરે છે
40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા. 41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત છે.
અન્ય શહેરોમાં ઈસુનું પ્રયાણ
(માર્ક 1:35-39)
42 બીજે દિવસે વહેલી સવારે ઈસુ અરણ્યમાં એકાંત માટે ચાલ્યો ગયો. લોકો તેને શોધતાં શોધતાં ત્યાં પણ આવી પહોંચ્યા. અને તેઓએ તેને છોડીને નહિ જવા ઘણું દબાણ કર્યુ. 43 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “દેવના રાજ્યની સુવાર્તા મારે અન્ય શહેરોમાં પણ પહોંચાડવી જોઈએ. અને તે માટે જ મને મોકલવામા આવ્યો છે.”
44 આમ ઈસુ યહૂદિયાના સભાસ્થાનોમાં ઉપદેશ પ્રગટ કરતો ફર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International