Revised Common Lectionary (Semicontinuous)
એઝરા દ્વારા નિયમશાસ્રનું વાચન
8 બધા લોકો પાણી દરવાજાના સામેના મેદાનમાં ભેગા થયા અને તેમણે લહિયા એઝરાને, યહોવાએ ઇસ્રાએલને જે નિયમશાસ્ત્ર ફરમાવ્યુ હતું તે પુસ્તક લાવવા માટે પૂછયું. 2 અને તેથી સાતમાં મહિનાનાં પહેલા દિવસે યાજક એઝરા, સ્ત્રીઓ અને પુરુષો તેમજ સમજણાં થયેલાં બાળકોની સભા સમક્ષ નિયમશાસ્ત્ર લઇ આવ્યો. જેઓ સાંભળીને સમજી શકતા હતાં. 3 અને પાણીના દરવાજા સામેના ચોક આગળ તે ઊભો રહ્યો અને પરોઢથી તે બપોર સુધી તેણે સ્ત્રી, પુરુષો અને તેઓ જે સમજી શકે તેમની સમક્ષ તે નિયમોનું વાચન કર્યુ. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતા હતા.
5 એઝરા બધા કરતાં ઊંચે ઉભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતાં તે નિયમશાસ્ત્ર ઊઘાડ્યું; તેને ઉઘાડતો જોતાં જ તેઓ બધા ઊભા થઇ ગયા. 6 ત્યારબાદ એઝરાએ મહાન દેવ યહોવાને ધન્યવાદ આપ્યા. સર્વ લોકોએ કહ્યું, “આમીન આમીન” અને પોતાના હાથ આકાશ તરફ ઊંચા કર્યા અને ભૂમિ સુધી નીચે નમીને પોતાના મુખ ભૂમિ તરફ રાખીને યહોવાનું ભજન કર્યું.
8 તેમણે દેવના નિયમશાસ્ત્રમાંથી વાંચ્યુ, અને જે વાંચ્યુ તેનો અર્થ સ્પષ્ટ કરીને સમજાવ્યો જેથી લોકો સમજી શકે.
9 નિયમશાસ્ત્રનાં વચનો સાંભળતા સાંભળતા એ લોકો રડતાં હતાં તેથી પ્રશાસક નહેમ્યાએ એઝરા જે યાજક અને લહિયો હતો તથા લોકોને શિક્ષણ આપનાર લેવીઓએ સર્વ લોકોને કહ્યુ કે, “આ દિવસ તમારા દેવ યહોવાને માટે પવિત્ર છે, માટે શોક કરતાં હોય તેવી રીતે વર્તવું નહિ પરંતુ બધાં લોકો જેમણે નિયમશાસ્રના વચનો સાંભળ્યાં તે બધાં લોકો રડ્યાં.”
10 પછી તેણે તેમને કહ્યુ કે, “હવે આગળ વધો, સારું સ્વાદિષ્ટ ભોજલ ખાઓ, પીઓ અને જેઓની સ્થિતિ ન હોય તેમને સૌને માટે મિષ્ટાન મોકતવામાં આવ્યા, કારણ, આજ્નો દિવસ આપણા યહોવાનો પવિત્ર દિવસ છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાનો આનંદ એ જ તમારું બળ છે.”
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
ખ્રિસ્તનું શરીર
12 એક વ્યક્તિનું શરીર તો એક જ છે, પરંતુ તેના અવયવો ઘણા છે. હા, શરીરને ઘણા અવયવો છે, પરંતુ બધાજ અવયવો ફક્ત એક જ શરીરને ઘડે છે. ખ્રિસ્ત પણ તે પ્રમાણે જ છે: 13 આપણમાંના કેટલાએક યહૂદિ છીએ તો કેટલાએક ગ્રીક લોકો; આપણામાંના કેટલાએક ગુલામ છીએ તો કેટલાએક સ્વતંત્ર. પરંતુ આપણે બધાજ એક જ આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છીએ અને આપણને બધાને તે જ એક આત્મા પ્રદાન કરવામાં આવ્યો છે.
14 અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે. 15 જો પગ આમ કહે કે, “હું હાથ નથી. તેથી મારે શરીર સાથે કોઈ સંબંધ નથી.” પરંતુ પગના આમ કહેવાથી તે શરીરનો એક અવયવ મટી જતો નથી. 16 જો કાન આમ કહે કે, “હું આંખ નથી તેથી શરીર સાથે મારે કોઈ સંબંધ નથી.” પરંતુ કાનના આમ કહેવાથી તે શરીરના અવયવરુંપે મટી જતો નથી. 17 જો સમગ્ર શરીર આંખ હોત, તો સાંભળવા માટે સક્ષમ ન હોત. જો આખું શરીર કાન હોત, તો કશું પણ સૂંધવા માટે શરીર સક્ષમ ન હોત. 18-19 પણ દેવે દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો દરેક ભાગ જુદા હોય તો શરીર શરીર રહેતું નથી. પરંતુ દેવે દરેક માટે સ્થાન નિશ્ચિત કર્યુ છે. આપણા શરીરના ઘણા અવયવોને તેની ઈચ્છા પ્રમાણે ગોઠવ્યા છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? 20 અને તેથી હવે શરીરના અનેક ભાગો છે પણ શરીર ફક્ત એક છે.
21 આંખ હાથને નથી કહી શકતી કે “મારે તારી જરૂર નથી!” અને તે જ રીતે મસ્તક પગોને નથી કહી શકતું કે, “મારે તારી જરૂર નથી.” 22 ના! શરીરના તે અવયવો જે દેખીતી રીતે વધારે નિર્બળ લાગે છે તે વાસ્તવમાં ખરેખર ઘણા જ મહત્વના છે. 23 અને શરીરના એ અવયવો કે જેમને આપણે ખાસ મૂલ્યવાન નથી ગણતા તેમની જ આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. અને શરીરના એ અવયવો કે જે આપણે પ્રદર્શિત કરવા નથી ઈચ્છતા તેમની આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. 24 ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે. 25 દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. 26 જો શરીરનો એક અવયવ પીડાય તો તેની સાથે શરીરના બીજા બધાજ અબયવોને પણ વેદના થશે. અથવા શરીરનો કોઈ એક અવયવ સન્માનિત થાય તો બીજા બધા જ અવયવો પણ આનંદ પામે છે.
27 તમે બધા સમૂહ તરીકે ખ્રિસ્તનું શરીર છો. વ્યક્તિગત રીતે તમે દરેક તે શરીરનો કોઈ એક અવયવ છો. 28 અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. 29 બધા લોકો પ્રેરિતો નથી કે બધા લોકો પ્રબોધકો થઈ શકે નહિ. બધા લોકો ચમત્કારો પણ કરી શકતા નથી. 30 કે બધાની પાસે બીજાને સાજા કરવાની ક્ષમતા પણ નથી. બધા લોકો જુદી જુદી ભાષામાં બોલી શકતા નથી. બધા લોકો આ ભાષાઓનું અર્થઘટન કરવા માટે સમર્થ નથી હોતા. 31 તમારે તો ખરેખર આત્માના ઉત્તમ કૃપાદાનોની જ ઈચ્છા રાખવી જોઈએ. હું તમને સૌથી ઉત્તમ માર્ગ દર્શાવીશ.
ઈસુનો લોકોને ઉપદેશ
(માથ. 4:12-17; માર્ક 1:14-15)
14 પછી પવિત્ર આત્માના પરાક્રમે ઈસુ ગાલીલ પાછો ફર્યો. ગાલીલની આજુબાજુના પ્રદેશમાં ઈસુની વાતો પ્રસરતી ગઇ. 15 તેણે સભાસ્થાનોમાં ઉપદેશ આપવાનો આરંભ કર્યો. બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા.
નાસરેથમાં ઈસુનો અસ્વીકાર
(માથ. 13:53-58; માર્ક 6:1-6)
16 ઈસુ ઉછરીને જ્યાં મોટો થયો હતો તે નાસરેથ શહેરમાં આવ્યો. પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો અને વાંચવા ઊભો થયો. 17 તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપવામાં આવ્યું. તેણે પુસ્તક ઉઘાડ્યું અને આ ભાગ તેને મળ્યો જ્યાં આ લખ્યું હતું:
18 “પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે.
પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા,
કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા,
આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે
તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.
19 તથા તેની દયા બતાવવાનો પ્રભુનો સમય જાહેર કરવા મને મોકલ્યો છે.” (A)
20 ત્યારબાદ પુસ્તક બંધ કરી, સેવકને પાછુ સોંપીને ઈસુ બેસી ગયો. સભાસ્થાનમાં બધાની નજર ઈસુ તરફ ઠરી રહી હતી. 21 ઈસુએ તેમની સમક્ષ બોલવાનો આરંભ કર્યો, તેણે કહ્યું, “તમારા સાંભળવામાં આવ્યું છે, તે પ્રમાણે આ ધર્મલેખ આજે સત્ય થયો છે!”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International