Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 19

નિર્દેશક માટે. દાઉદનું ગીત.

આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
    અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
    દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
    કોઇ અવાજ સંભળાતો નથી,
પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
    સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.

તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
    તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
    તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
તે આકાશને એક છેડેથી નીકળી
    અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
    તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.

યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
    તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
    તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
યહોવાના વિધિઓ યથાર્થ છે.
    તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
    જે આંખોને પ્રકાશ આપે છે.

યહોવા માટેનો ભય શુદ્ધ
    અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
    તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
    વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
    અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
    છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
    મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
    અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
    મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.

નહેમ્યા 5:1-13

નહેમ્યાએ ગરીબોને મદદ કરી

તે વખતે યહૂદીઓ વિરૂદ્ધ લોકોએ તથા તેઓની સ્ત્રીઓએે જબરો મોટો પોકાર કર્યો. એમાંના કેટલાક કહેવા લાગ્યાં કે, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણાં માણસો છીએ; અમને અનાજ આપો કે જેથી અમે તેને ખાઇને જીવતાં રહીએ.”

તો બીજા કેટલાંક કહેવા લાગ્યાં કે, “અમે આ દુકાળમાં અનાજ ખરીદવા માટે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકી રહ્યાં છીએ.”

તો વળી બીજા કેટલાક એમ કહેવા લાગ્યા કે, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાઁ ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ સામે કરજ લીધું છે. અને જોકે અમે અને અમારા સગાંવહાંલા સરખાંજ રકતમાંસના બનેલા છીએ અને અમારાં બાળકો તેમના જેવાઁ જ છે, તેમ છતાં અમારે અમારાં પુત્રપુત્રીઓને ગુલામ તરીકે વેચવા પડે છે. અને અમારી કેટલીક પુત્રીઓ પર બળાત્કાર પણ થયો છે. અમે તદૃન નિરુપાય છીએ; કારણકે બીજા લોકો અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બની બેઠાં છે.”

તેઓની આ ફરીયાદ સાંભળીને હું બહુ ક્રોધિત થયો, ત્યારે મેં મનમાં વિચાર કર્યો અને ઉમરાવો તથા અમલદારો સામે આરોપ મૂકીને કહ્યું કે, “તમે બધા પોતાના સગાંવહાંલા પાસેથી બહુ આકરું વ્યાજ લો છો.” મેં તેનું નિવારણ કરવાં તે બધાંની સભા બોલાવી, “અને તેમને કહ્યું કે, પરદેશીઓને ગુલામ તરીકે વેચાઇ ગયેલા યહૂદીઓને અમે બને ત્યાં સુધી છોડાવતા આવ્યા છીએ; અને હવે તમે જ તમારા પોતાના જ ભાઇઓને ગુલામ તરીકે વેચી રહ્યાં છો, જેમને અમારે જ છોડાવવા પડશે ને?”

તેઓ મૂંગા થઇ ગયા અને કંઇ બોલી ન શક્યા. વળી મેં કહ્યું કે, “તમે આ બધું ખોટું કરી રહ્યા છો! શું તમારે દેવથી ડરીને ચાલવું નથી જેથી આપણા શત્રુઓ વિદેશીઓ આપણી હાંસી ન ઉડાવે. 10 તે ઉપરાંત હું, મારા સગાવહાલાં તથા મારા સેવકો, તેઓને પૈસાને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે તમે વ્યાજ લેવાનું બંધ કરો. 11 અને હવે મહેરબાની કરીને અત્યારે જ તેમનાઁ ખેતરો, દ્રાક્ષની વાડીઓ, જૈતૂનના બગીચા અને તેમનાં ઘરબાર પાછાં આપી દો, અને તેમની પાસે તમારું જે કઇં લેણું હોય, પછી એ નાણાં હોય, અનાજ હોય, દ્રાક્ષારસ હોય કે તેલ હોય તે બધું માંડી વાળો.”

12 પછી તેમણે કહ્યું કે, “અમે બધું પાછું સોંપી દઇશું અને હવે અમે બીજી કોઇ વસ્તુની માંગ નહિ કરીએ. અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું.”

તેથી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ લેવડાવ્યાં, તેઓ પોતાનું વચન પાળશે. 13 ત્યારબાદ મેં મારા કપડા પર પડેલી ઘડીઓ ખંખેરતા કહ્યું, “જે માણસ પોતાનું વચન ન પાળે તેની પાસેથી દેવ તેનું ઘર અને મિલકત આ રીતે ખંખેરી લો; એને ખંખેરીને ખાલી કરી નાખો.”

તેથી ત્યાં ભેગા થયેલા બધા લોકો બોલી ઊઠયા, “આમીન!” પછી તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને તેઓ બધા આપેલા વચન પ્રમાણે ર્વત્યા.

લૂક 2:39-52

યૂસફ અને મરિયમનું ઘર તરફ પ્રયાણ

39 પ્રભુની આજ્ઞાનુસાર બધી જ વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા. 40 દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો.

41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.

46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”

49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.

51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International