Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. દાઉદનું ગીત.
1 આકાશો દેવનાં મહિમા વિષે કહે છે.
અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે.
દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી.
કોઇ અવાજ સંભળાતો નથી,
4 પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે,
સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.
તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
5 તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે,
તે દોડની સ્પર્ધાના આનંદિત,
તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે.
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
7 યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે.
તે આત્માને તાજગી આપે છે.
યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે.
તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
8 યહોવાના વિધિઓ યથાર્થ છે.
તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે.
યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે.
જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવા માટેનો ભય શુદ્ધ
અને અનાદિ છે.
યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે.
તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે.
વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
11 કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે
અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
12 મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી,
છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
13 મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો.
મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો.
ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ
અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
14 હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા;
મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
રાજાનું નહેમ્યાને યરૂશાલેમ મોકલવું
2 વીસમા વર્ષના ચોથા નીસાન મહિનામાં રાજા આર્તાહશાસ્તાના રાજ્યમાં, જ્યારે રાજા ભોજન કરતો હતો ત્યારે દ્રાક્ષારસ લઇને મેં તેને આપ્યો. આ અગાઉ હું ઉદાસ ચહેરે રાજા સમક્ષ ગયો ન હતો. 2 તેથી, રાજાએ મને સવાલ કર્યો, “તું આવો ઉદાસ શા માટે દેખાય છે? તું માંદો તો લાગતો નથી, એટલે જરૂર તારા મનમાં કોઇ ભારે ખેદ હોવો જોઇએ.”
આ સાંભળી હું બહુ ગભરાઇ ગયો. 3 છતાં મેં રાજાને જવાબ આપ્યો, “રાજા, ચિરંજીવ રહો; હું કેમ ઉદાસ ના હોઉં? કારણકે જે નગરમાં મારા પિતૃઓને દફનાવવામાં આવ્યાં છે તે ખંડેર થઇ ગયું છે, અને નગરના દરવાજા અગ્નિથી બળીને ભસ્મ થઇ ગયાઁ છે.”
4 રાજાએ મને પૂછયું, “તું મારી પાસેથી શું ઇચ્છે છે?”
ત્યારે મેં આકાશના દેવને પ્રાર્થના કરી. 5 અને મેં રાજાને જવાબ આપ્યો, “જો તમે પ્રસન્ન હો અને તમને ઠીક લાગે તો મને યહૂદા જવાની રજા આપો. કારણકે હું તે શહેરને ફરીથી બાંધી શકું જ્યાં મારા પૂર્વજોને દફનાવ્યા હતા.”
6 રાજાની સાથે રાણી પણ હાજર હતી, રાજાએ મને કહ્યું, “ત્યાં તારે કેટલો સમય લાગશે? અને તું ક્યારે પાછો આવશે?”
આમ મને જવા માટે રજા મળી ગઇ! મેં તેમની સાથે મારો જવાનો સમય નક્કી કર્યો! 7 ત્યારબાદ મેં રાજાને કહ્યું, “જો આ વાત રાજાને પ્રસન્ન કરે તો મને ફ્રાંત નદીની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબાઓ પર પત્રો આપજો, જેથી તેઓ મને પોતાના પ્રદેશમાંથી પસાર થઇને યહૂદામાં જવા દે. 8 તથા બીજો એક પત્ર રાજાના વનરક્ષક આસાફ પર પણ આપશો જેથી તે મંદિરની નજીકના કિલ્લાનો દરવાજો ફરી બાંધવા માટે, નગરની દીવાલ માટે, અને મારા ઘર માટે, ઇમારતી લાકડું આપે.”
મારા પર મારા દેવની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.
9 પછી હું યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રાંતોમાં આવ્યો અને ત્યાંના પ્રશાસકોને મેં રાજાના પત્રો આપ્યા. રાજાએ મારી સાથે સૈન્યના અધિકારીઓ તથા ઘોડેસવારો મોકલ્યા હતા. 10 પરંતુ જ્યારે હોરેનના સાન્બાલ્લાટ અને આમ્મોની અમલદાર ટોબિયાએ આના વિષે જાણ્યું કે કોઇ ઇસ્રાએલીઓનું ભલું કરવા આવ્યું છે ત્યારે તેઓ ખૂબ નારાજ થયા.
તમારું જીવન દેવને સમર્પિત કરો
12 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. 2 આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.
3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! 4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. 5 આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.
6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. 7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. 8 જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International