Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
સુલેમાન:
4 તું કેવી સુંદર અને મનોહર છે;
મારી પ્રિયતમા!
તારા બુરખા પાછળ
તારી કબૂતર જેવી આંખો છે;
તારા ચહેરા પર લટકતી કેશની લટો જાણે ગિલયાદ પર્વતના
ઢાળ પરથી નીચે આવતાં બકરાંના ટોળા જેવા લાગે છે!
2 તારા દાંત તરતની કતરાયેલ
અને ધોયેલ ઘેટીના જેવા સફેદ છે.
પ્રત્યેક ઘેટીને છે બબ્બે બચ્ચાં,
કોઇ નથી અહીં એકલી.
3 તારા હોઠ લાલ રંગના રેશમના તાંતણા જેવા છે,
ને કેવું સુંદર છે તારું મુખ!
તારા બુરખાની પાછળ,
તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે!
4 શસ્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ,
જેમા હજારો ઢાલો એટલે યોદ્ધાઓની
સર્વ ઢાલો લટકાવેલી છે,
તેના જેવી છે ગરદન તારી.
5 સફેદ કમળોની વચ્ચે ચારો ચરતાં
હરણના જોડીયાં બચ્ચાં જેવાં છે,
જાણે બંન્ને સ્તન તારા.
6 દિવસ આથમે અને ઓળા ઉતરી જાય
ત્યાં સુધી હું કસ્તૂરી અને લોબાનની
સુગંધ ધરાવતા પર્વતો પર જઇશ.
7 તું અતિ સુંદર છે મારી પ્રીતમા,
તારા અંગમા કોઇ ખોડ નથી.
8 હે મારી નવોઢા,
લબાનોનથી તું આવ મારી સાથે;
આપણે આમાનાહ પર્વતના શિખર પર જઇએ
અને સનીરની ટોચ પરથી નિહાળીશું;
આપણે હેમોર્ન પર્વતની ટોચ પરથી નીચે જ્યાં સિંહોના રહેઠાણ છે
ત્યાં ચિત્તાઓ શિકારની શોધમાં ફરે છે.
3 દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
પાઉલનું દેવ પ્રતિ આભારદર્શન
4 ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે તમારા પર જે કૃપા દર્શાવી છે, તેના માટે હમેશા હું મારા દેવનો આભાર માનું છું. 5 દરેક રીતે તમે ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદ પામ્યા છો. તમારી સંપૂર્ણ વાણી અને તમારા સંપૂર્ણ જ્ઞાનમાં તમે આશીર્વાદ પામ્યા છો. 6 ખ્રિસ્ત વિષેનું સત્ય તમારામાં પ્રમાણિત થયું છે. 7 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની તમે પ્રતિજ્ઞા કરી રહ્યા છો, તે દરમ્યાન દેવના દરેક કૃપાદાન તમારી પાસે છે. 8 અંત સુધી હરહંમેશ ઈસુ તમને સક્ષમ રાખશે. તે તમને સુદઢ રાખશે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના દિવસે તમારામાં કોઈ ક્ષતિ ન રહે. 9 દેવ વિશ્વાસપાત્ર છે. તે એ જ છે કે જેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જીવન ગાળવા તમને પસંદ કર્યા છે.
કરિંથની મંડળીની સમસ્યાઓ
10 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે હું તમને વિનંતી કરું છું કે તમે બધા એક મતના થાઓ. જેથી કરીને તમારામાં કોઈ ભાગલા ન પડે. હું તમને વિનંતી કરું છું કે તમે એ જ હેતુથી એ જ વિચારમાં સંપૂર્ણ રીતે એક થાઓ.
11 મારા ભાઈઓ અને બહેનો, ખ્લોએ પરિવારના કેટલા એક સભ્યોએ મને તમારા વિષે જણાવ્યું. મેં સાંભળ્યું છે કે તમારામાં અંદરો અંદર મતભેદ છે. 12 મારું કહેવું આમ છે: તમારામાંનો એક કહે છે, “હું પાઉલને અનુસરું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું અપોલોસને અનુસરું છું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું કેફાને અનુસરું છું;” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું ખ્રિસ્તને અનુસરું છું.” 13 ખ્રિસ્તને વિવિધ જૂથોમાં વિભાજીત ન કરી શકાય. શું પાઉલ તમારા માટે વધસ્તંભ પર મરણ પામેલો? ના! તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા? ના! 14 મને આનંદ છે કે કિસ્પુસ અને ગાયસ સિવાય બાકીના કોઈને પણ મેં બાપ્તિસ્મા આપ્યાં ન હતાં. 15 મને આનંદ છે કારણ કે હવે કોઈ પણ એવું કહી શકશે નહિ કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા છો. 16 (મેં સ્તેફનાસના પરિવારને તો બાપ્તિસ્મા આપેલુ, પણ એ સિવાય મેં બીજા કોઈનું પણ બાપ્તિસ્મા કર્યુ હોય તેવું હું જાણતો નથી.) 17 ખ્રિસ્તે મને લોકોને બાપ્તિસ્મા આપવાનું કામ સોંપ્યું ન હતું. ખ્રિસ્તે તો મને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું હતું. પરંતુ ખ્રિસ્તે મને દુન્યવી શાણપણના શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય સુવાર્તા કહેવા મોકલ્યો હતો. જો મેં દુન્યવી જ્ઞાનનો સુવાર્તા કહેવામાં ઉપયોગ કર્યો હોત, તો ખ્રિસ્તના વધસ્તંભે[a] તેનું સાર્મથ્ય ગુમાવ્યું હોત.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International