Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ!
હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ!
2 હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ,
અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ.
3 યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે;
તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
4 પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે;
અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે.
5 હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ;
હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ.
6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે;
હું તમારી મહાનતા વર્ણવીશ.
7 તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે;
અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે.
8 યહોવા દયાળુ અને કૃપાળુ છે;
તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે.
9 તેઓ પ્રત્યેક સાથે ભલા છે;
અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.
10 હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો,
અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે.
11 તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને
તમારું પરાક્રમ પ્રગટ કરશે.
12 જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે,
તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે.
13 કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી;
અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે.
14 ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે;
બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે.
15 સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે.
અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો.
16 પ્રત્યેક સજીવોની ભૂખ
અને તરસ તમે સતત સંતોષો છો.
17 યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક
અને દયાથી ભરપૂર છે.
18 જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે;
તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે.
19 યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે;
સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે.
20 તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે;
પણ દુષ્ટોનો નાશ કરે છે.
21 હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ;
તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે!
ઇસ્રાએલ પ્રત્યે યહોવાનો પ્રેમ
54 “હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી,
તું મુકત કંઠે ગીત ગા,
આનંદના પોકાર કર;
“કારણ, યહોવાના આશીર્વચન છે કે,
સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”
2 “તારો તંબુ વિશાળ બનાવ,
તારા તંબુના પડદા પહોળા કર,
તેની દોરી ઠેઠ સુધી લંબાવ
અને ખીલા બરાબર ઠોકી દે;
3 કારણ કે તું તારી સરહદો ચારે બાજુએ વિસ્તારીશ.
તારા વંશજો બીજી પ્રજાઓના તાબા હેઠળના પ્રદેશો કબજો કરશે
અને વેરાન નગરોને વસતાં કરશે.
4 ગભરાઇશ નહિ;
તારે ફરી શરમાવું નહિ પડે,
તારે શરમાવાનું હવે કોઇ કારણ નહિ રહે.
તારી યુવાવસ્થાની શરમ
અને તારા વૈધવ્યનાં દુ:ખને હવેથી
સંભારવામાં આવશે નહિ.
5 કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે.
‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે;
ઇસ્રાએલના પવિત્ર દેવ
અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.
6 “તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે.
તારા દેવ, યહોવા,
તને પાછી બોલાવીને કહે છે કે,
જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો
તેને શી રીતે તજી શકાય?”
7 યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો.
પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ.
8 ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું.
પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.”
એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”(A) એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” (B)
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International