Revised Common Lectionary (Semicontinuous)
5 હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે,
અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
6 તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી[a] પણ ઉંચી છે.
અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે.
તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
7 હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
8 તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે,
તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
9 કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે,
અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
10 હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો
અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
19 યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, ‘મેં વિચાર્યું કે હું તને મારા પુત્ર જેવો ગણું
અને તને એક રળિયામણી ભૂમિ,
આખી દુનિયામાં સુંદરમાં સુંદર ભૂમિ વારસામાં આપું.’
મેં એમ માન્યું હતું કે, તું મને ‘પિતા’ કહીને બોલાવશે
અને મારાથી કદી વિમુખ નહિ થાય.
20 પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે.
તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો.
અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો.
વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.”
આ યહોવાના વચન છે.
21 “હું ઊંચા પર્વતો પર રૂંદન
અને દયા યાચનાનો અવાજ સાંભળું છું.
યહોવા દેવથી દૂર ભટકી ગયેલા ઇસ્રાએલી
લોકોનો તે અવાજ છે.”
22 યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો!
હું તમારી બેવફાઇ દૂર કરીશ.”
અને લોકો જવાબ આપે છે,
“હે યહોવા, આ રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ,
કારણ, તમે જ અમારા યહોવા દેવ છો.
23 અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર
અને પર્વતો પર જૂઠાં દેવોની કોલાહલ પૂર્વક પૂજા કરવી વ્યર્થ છે,
માત્ર અમારા યહોવા દેવ પાસેથી જ ઇસ્રાએલને મદદ મળી શકે છે
અને ઇસ્રાએલનું તારણ ફકત અમારા યહોવા દેવ તરફથી જ શક્ય છે.
24 અમે અમારા બાળપણથી જોયું છે.
અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં,
ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું.
ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે.
25 અમે લજ્જિત થયા છીએ
અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ,
કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ
અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે;
અને અમે તેમને આધીન થયા નથી,
અને અમે તેના હુકમોને માન્યાં નથી.”
લગ્ન વિષે
7 હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે. 2 પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. 3 પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ. 4 પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે. 5 એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે. 6 થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી. 7 હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય. પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે. એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે, તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International