Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
યહોવાનો આભાર માનો, કારણકે તે ભલા છે,
તેમનો સાચો પ્રેમ સદાકાળ છે!
2 યહોવાના મહાન કૃત્યો કોણ વર્ણવી શકે?
તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
3 ધન્ય છે તેઓને જેઓ ન્યાયને અનુસરે છે,
અને હંમેશા જે સાચું છે તે જ કરે છે.
4 હે યહોવા, તમે તમારા લોકો પર કૃપા કરો;
ત્યારે મને યાદ રાખશો, અને તમે જેઓને બચાવ્યાં છે તે લોકોમાં મારો સમાવેશ કરવાનું યાદ રાખશો.
5 જેથી તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ હું જોઉં;
તમારી પ્રજાનાં આનંદમાં હું પણ આનંદ માણું;
અને તમારા વારસોની સાથે
હું હર્ષનાદ કરું.
6 અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે;
અન્યાય કર્યા છે, અમે દુષ્ટતા કરી છે.
7 મિસરમાઁના તમારાં ચમત્કારોમાંથી
અમારા પિતૃઓ કાઇં શીખ્યાં નહિ,
અને તેઓ તમારો પ્રેમ અને દયા જલ્દી ભૂલી ગયા,
તેઓએ રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.
8 તો પણ, પોતાના નામની માટે
અને તેઓને પોતાના પરાક્રમ દેખાડવાં માટે તેણે તેમને તાર્યા.
9 તે દેવે રાતા સમુદ્રને આદેશ આપ્યો એટલે તે સૂકાઇ ગયો,
અને તેણે અમારા પિતૃઓને ઊંડા સમુદ્રમાંથી રેતીના રણ જેવી સૂકી ભૂમિ પર દોર્યા.
10 તેમણે તેઓને વૈરીઓના હાથમાંથી તાર્યા;
અને દુશ્મનનાં હાથમાંથી તેઓને છોડાવ્યા.
11 તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું;
તેઓમાંનો એકેય બચ્યો નહિ.
12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો
અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ.
પ્રબોધિકા દબોરાહ સ્ત્રી ન્યાયધીશ
4 એહૂદના મૃત્યુ પછી ઈસ્રાએલી પ્રજાએ ફરી એક વાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. 2 તેથી યહોવાની ઇચ્છાપ્રમાંણે ઈસ્રાએલીઓને હાસોરમાં રાજ કરનાર કનાની રાજા યાબીનના હાથે પરાજીત કરાયા હતાં. તેના સૈન્યના સેનાપતિનું નામ સીસરો હતું જે હરોશેથ હગોઈમમાં રહેતો હતો. 3 યાબીન પાસે લોખંડના 900 રથ હતાં અને 20 વર્ષ સુધી તેણે ઈસ્રાએલીઓ ઉપર ભારે જુલમ ગુજાર્યો હતો, તેથી તેઓએ યહોવાને સહાય માંટે પોકાર કર્યો.
4 એ વખતે લાપીદોથની પત્ની દબોરાહ ઈસ્રાએલીઓની ન્યાયાધીશ હતી. તે પ્રબોધિકા હતી, 5 એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રામાં અને બેથેલની વચ્ચે એક મોટું તાડનું ઝાડ હતું. તેની નીચે તે બેસતી હતી. અને ઈસ્રાએલીઓ ત્યાં તેમના ન્યાય વિષે નિર્ણય કરવા માંટે આવતા હતાં. 6 એક દિવસ દબોરાહએ નફતાલી પ્રાંતના કેદેશમાં રહેતા અબીનોઆમના પુત્ર બારાકને તેડાવ્યો અને તેને કહ્યું કે, “ઈસ્રાએલના દેવ યહોવાએ તને આ હુકમ કર્યો છે, ‘નફતાલી અને ઝબુલોનના કુળસમૂહોમાંથી 10,000 સૈનિકોને લઈને તાબોર પર્વત ઉપર જા. 7 હું યાબીનના સેનાપતિ સીસરાને તેના રથો અને યોદ્ધાઓ સાથે કીશોન નદીને કાંઠે લઈ આવીશ, પછી હું તેઓને તારા હાથમાં સોંપી દઈશ, તેથી તું એને ત્યાં હરાવી શકે.’”
8 બારાકે તેને કહ્યું, “તું જો માંરી સાથે આવતી હોય તો હું જાઉં, પણ તું જો માંરી સાથે ન આવતી હોય તો હું ન જાઉં.”
9 તેણે જવાબ આપ્યો, “હું તારી સાથે જરૂર આવીશ; પણ સીસરાને જીતવાનું શ્રેય તને મળશે નહિ, કારણ યહોવા સીસરાને એક સ્ત્રીના હાથમાં સોંપી દેનાર છે.”
ત્યારબાદ દબોરાહ ઊભી થઈ અને બારક સાથે કેદેશ ગઈ. 10 બારાક નફતાલી અને ઝબુલોનના કુળસમૂહો પાસે ગયો અને લોકોને બોલાવ્યા અને લગભગ 10,000 માંણસોને સૈન્ય માંટે લઈને તે ગયો દબોરાહ પણ તેની સાથે ગઈ.
11 કેની જાતિના હેબેર જે બીજા કેની લોકોથી અલગ પડી ગયો હતો અને તેણે પોતાનો તંબુ કેદેશ નજીક એલોન-સાઅનાન્નીમની પાસે નાખ્યો હતો. કેનીઓ-મૂસાના સાળા હોબાબના વંશજો હતા.
12 સીસરાને સમાંચાર મળ્યાં કે અબીનોઆમના પુત્ર બારાક તેના સૈન્ય સાથે તાબોર પર્વત ઉપર ગયા છે. 13 એટલે સીસરાએ પોતાના બધા 900 લોખંડના રથોને તેમજ પોતાના બધા સૈનિકોને હરોશેથ-હગોઈમથી કીશોન નદી આગળ ભેગા કર્યા.
14 ત્યારે બારાકને દબોરાહએ કહ્યું, “જલદી ઉભો થા! યહોવાએ આજે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. અત્યારે પણ યહોવા તારા માંટે લડે છે.” આથી બારાક 10,000નું સૈન્ય લઈને દુશ્મનો પર હુમલો કરવા તાબોર પર્વતના ઢોળાવો પરથી નીચે ધસી આવ્યો. 15 યહોવાએ બારાકને સીસરા પર હુમલો કરવા મદદ કરી અને તેના બધા રથ સૈનિકોને બારાકનું લશ્કર જોઈને બેબાકળાં બનાવી દીધાં. સીસરા પોતે રથમાંથી કૂદીને ભાગી ગયો. 16 બારાકે તેના સૈન્ય સાથે હરોશેથ-હગોઈમ સુધી સીસરાના રથોનો અને લશ્કરનો પીછો પકડયો. સીસરાનું સમગ્ર સૈન્ય હણાઈ ગયું એકેય માંણસ જીવતો રહેવા પામ્યો નહિ.
દેવનાં સર્વ હથિયારો સજો
10 મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું. 11 દેવનું સંપૂર્ણ બખ્તર (રક્ષણ) પહેરો કે જેથી તમે શેતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. 12 આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ. 13 અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો.
14 તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો. 15 અને તમારા પગે શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં ધારણ કરો કે જેથી તમે શક્તિપૂર્વક ઊભા રહી શકો. 16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો. 17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International