Revised Common Lectionary (Semicontinuous)
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 તેની સમક્ષ રણવાસીઓ નમશે,
અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
દાનિયેલ સ્વપ્નનો અર્થ કહે છે
24 પછી બાબિલના બુદ્ધિમાન માણસોને મારી નાખવાનો હુકમ જેને મળ્યો હતો, તે આર્યોખ પાસે દાનિયેલ ગયો અને કહ્યું, “તેઓને મારી નાખીશ નહિ, મને રાજા પાસે લઇ જા અને હું તેમને સ્વપ્નનો અર્થ કહી સંભળાવીશ.”
25 આર્યોખ તે જ સમયે દાનિયેલને રાજા સમક્ષ લઇ ગયો અને બોલ્યો, “મને યહૂદાના બંદીઓમાંથી એક માણસ મળી આવ્યો છે, જે આપને આપના સ્વપ્નનો અર્થ બતાવી શકશે.”
26 આથી રાજાએ દાનિયેલને કહ્યું, “મેં સ્વપ્નમાં શું જોયું હતું અને તેનો અર્થ શો, એ તું મને કહી શકશે?”
27 દાનિયેલે રાજાને પ્રત્યુત્તર આપ્યો, “આપ નામદાર જે રહસ્ય જાણવા માંગો છો, તે આપને કોઇ વિદ્વાન, મંત્રવિદ, જાદુગર, કે, ભવિષ્યવેત્તા કહી શકે તેમ નથી. 28 પરંતુ આકાશમાં એક દેવ છે, જે રહસ્યો ખુલ્લા કરે છે અને તેણે આપ નામદાર નબૂખાદનેસ્સારને ભવિષ્યમાં શું થવાનું છે તે દર્શાવ્યું છે. આપે આપની ઊંઘમાં જે સ્વપ્ન જોયું હતું, જે સંદર્શન તમે નિહાળ્યું હતું તે આ છે: 29 આપને ભવિષ્યના વિચારો આવ્યા હતા: અને તે જે રહસ્યો જણાવે છે, તેણે ભવિષ્યમાં શું થવાનું છે, તે આપને જણાવ્યું હતું. 30 દેવે મારી મારફતે રહસ્ય પ્રગટ કરાવ્યું, તેનું કારણ એ નથી કે, હું બીજા માણસો કરતાં વધારે જ્ઞાની છું, પણ એટલા માટે જણાવવામાં આવ્યું છે કે, જેથી આપ નામદારને એની જાણ થાય અને આપ આપને આવેલા વિચારો સમજી શકો.
31 “આપ નામદારને જે સ્વપ્ન આવ્યું; તેમાં આપે એક મોટી મૂર્તિ જોઇ હતી. એ પ્રચંડ અને ઝગારા મારતી મૂર્તિ આપની સમક્ષ ઉભી હતી અને તેનો દેખાવ ભયંકર હતો. 32 તે મૂર્તિનું માથું શુદ્ધ સોનાનું બનેલું હતું; તેની છાતી અને હાથ ચાંદીના હતાં. તેના પેટ અને જાંધો કાંસાના હતાં. 33 તેના પગ લોખંડના હતાં. તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોખંડનો અને કેટલોક ભાગ માટીનો હતો. 34 આપ એ મૂર્તિ ઉપર મીટ માંડી રહ્યાં હતાં ત્યાં કોઇના અડ્યા વગર જ પર્વતમાંથી એક પથ્થર છૂટો પડ્યો અને મૂર્તિની લોખંડ અને માટીની બનેલી પાનીઓ ઉપર પછડાયો અને પાનીઓનાં તેણે ચૂરેચૂરો કરી નાખ્યા, 35 એ પછી લોખંડ, માટી, કાંસા, ચાંદી અને સોનું બધાંના ટુકડેટુકડા થઇ ગયા અને ઉનાળામાં અનાજ ઝૂડવાના ખળામાંના ભૂસાની જેમ પવન તેમને એવો તો ઉડાડીને લઇ ગયો કે, ક્યાંય તેમનું નામોનિશાન ન રહ્યું. પણ જે પથ્થર મૂર્તિ સાથે પછડાયો હતો તે વધીને મોટો પર્વત બની ગયો અને તેનાથી આખી પૃથ્વી ભરાઇ ગઇ.
36 “આ હતું તમારું સ્વપ્ન; હવે અમે તમને તેનો અર્થ જણાવીશું: 37 હે નામદાર, આપને સ્વર્ગાધિપતિ દેવે રાજ્ય, સત્તાં, ગૌરવ અને ખ્યાતિ આપ્યાં છે. 38 અને તેમણે આપના હાથમાં આ પૃથ્વી ઉપર વસતાં બધાં માણસો, પશુઓ અને પંખીઓને સોંપ્યા છે, અને આપને એ સૌના રાજા બનાવ્યા છે. એ સોનાનું માથું આપ છો.
39 “આપના રાજ્યકાળનો અંત આવશે. ત્યારે બીજી મહાસત્તા તમારું સ્થાન લેવા આવશે. તે આપના કરતાં ઊતરતી કક્ષાની હશે. તે સામ્રાજ્યના પતન પછી એક ત્રીજું કાંસાનું સામ્રાજ્ય ઉદય પામશે, જે આખી પૃથ્વી ઉપર રાજ્ય ચલાવશે. 40 ત્યાર પછી, ચોથો રાજા લોખંડ જેવો મજબૂત હશે. તે ભાંગીને ભૂકો કરનાર, કચડી નાખનાર અને વિજય મેળવનાર હશે.
41 “તમે જોયું હતું કે, પગ અને અંગુઠાનો થોડો ભાગ લોખંડનો અને થોડો ભાગ માટીનો હતો. એનો અર્થ એ કે, એ રાજ્યના ભાગલા પડી ગયા હશે. આપે માટી સાથે લોખંડ ભળેલું જોયું હતું એમાં અમુક અંશે લોખંડનું બળ હશે. 42 આ અંગુઠા થોડાં લોખંડના અને થોડા માટીના હતાં, તેથી લોખંડ જેવા મજબૂત હશે અને માટી જેવા નબળાં હશે. 43 વળી આપે જોયું હતું કે, માટી સાથે લોખંડ ભળેલું હતું તેમ તેઓ એકબીજા સાથે લગ્નસંબંધ બાંધી મજબૂત બનવા પ્રયત્ન કરશે, પરંતુ લોખંડ અને માટી એકબીજા સાથે મળી શકતાં નથી, તેમ તેઓ પણ ભેગાં રહી શકશે નહિ.
44 “એ રાજાઓના શાસન દરમ્યાન સ્વર્ગના રાજા દેવ કદી નાશ ન પામે તેવું રાજ્ય સ્થાપશે. જે રાજ્ય બીજી કોઇ પ્રજાના હાથમાં કદી જશે નહિ; તે બધા રાજ્યોનો ભાંગીને ભૂકો કરી નાખશે, પણ પોતે હંમેશને માટે અવિનાશી રહેશે.
45 “તમે જોયું હતું કે, કોઇનો હાથ અડ્યા વગર જ પર્વતમાંથી પથ્થર કપાઇ ને બહાર પડતો હતો અને તેણે લોખંડ, કાંસુ, માટી, ચાંદી અને સોનાના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા, તેનો આ અર્થ છે. આમ મહાન દેવે ભવિષ્યમાં શું થવાનું છે તે તમને જણાવ્યું છે. આ જ તમારું સ્વપ્ન છે અને આ જ તેનો સાચો અર્થ છે.”
46 એ પછી રાજા નબૂખાદનેસ્સારે દાનિયેલને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેને અર્પણ અને સુગંધીઓનો ધૂપ ચઢાવવાની આજ્ઞા કરી. 47 રાજાએ કહ્યું, “હે દાનિયેલ, સાચે જ તારા દેવ સર્વ દેવોનાં દેવ છે, તે રાજાઓ ઉપર રાજ કરે છે અને રહસ્યોને ખુલ્લા કરનાર, જણાવનાર છે. તેમણે જ તારી સામે આ રહસ્ય પ્રગટ કર્યું છે.”
48 પછી રાજાએ દાનિયેલને ઊંચો હોદ્દો આપ્યો, કિમતી ભેટો આપી અને સમગ્ર બાબિલના પ્રાંતના વહીવટકર્તા તરીકે નીમ્યો. તેમજ સર્વ જ્ઞાની માણસોના ઉપરી તરીકે નિમણુંક કરી. 49 દાનિયેલે રાજાને વિનંતી કરી એટલે તેણે શાદ્રાખ, મેશાખ અને અબેદનગોને બાબિલના પ્રાંતના રાજકારભારીઓ નીમ્યા; પણ દાનિયેલ પોતે રાજાના દરબારમાં ન્યાયાધીશ તરીકે સેવા આપતો હતો.
15 તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ જ ચોક્કસ બનો, અને નિર્બુદ્ધ લોકો જેવું જીવન ના જીવો પરંતુ તે લોકોના જેવું જીવન જીવો જે ડાક્યા છે. 16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે. 17 તેથી તમારા જીવન પ્રત્યે મૂર્ખ વ્યવહાર ન કરો. પણ તેને બદલે પ્રભુ તમારી પાસે શું કાર્ય કરાવવા ઈચ્છે છે તે શીખો. 18 મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ. 19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ. 20 હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International