Revised Common Lectionary (Semicontinuous)
સુલેમાનનું ગીત.
1 હે દેવ, તમે રાજાને ન્યાય કરવા માટે તમારા જ્ઞાન અને અધિકાર આપો,
અને રાજાનાં પુત્રોને તમારું ન્યાયીપણું આપો.
2 તેઓ તમારા લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
તમારાં ગરીબ લોકોને તેઓ ન્યાય કરશે.
3 પર્વતો અને ડુંગરો ન્યાયીપણે લોકો માટે શાંતિ,
આબાદી ને સમૃદ્ધિ લાવશે.
4 તે લોકોમાં ન્યાય કરશે દીનદુ:ખીઓનો, દરિદ્રીઓનાં દીકરાઓનો ઉદ્ધાર કરશે;
અને જુલમગાર પાપીઓને કચડી નાખશે.
5 તે લોકો, તેઓની પેઢી દર પેઢી આકાશમાં સૂર્ય
અને ચંદ્ર રહે ત્યાં સુધી બીહો અને રાજાને માન આપો.
6 જેમ ખેતરો પર વરસાદ પડે છે,
વરસાદનાં ઝાપટાં જમીન પર પડે છે તેમ રાજા રહે.
7 તેના શાસનકાળમા ન્યાયીઓની આબાદી થશે,
અને જ્યાં સુધી ચંદ્ર રહેશે શાંતિ ટકી રહેશે.
8 વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી
અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.
9 તેની સમક્ષ રણવાસીઓ નમશે,
અને તેનાં સર્વ શત્રુઓ ધૂળ ચાટશે.
10 તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ,
તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.
11 સર્વ રાજાઓ તેને નમન કરશે,
અને સર્વ રાષ્ટ્રો તેની સેવા કરશે.
12 કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે,
પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.
13 તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે,
અને દરિદ્રીઓના આત્માનું તારણ કરશે.
14 તે તેઓનાં આત્માઓને જુલમ અને હિંસાથી છોડાવશે;
તેઓની નજરોમાં તેઓનું રકત મૂલ્યવાન છે.
15 શેબાનું સોનું તેમને આપવામાં આવશે,
રાજા ઘણું લાંબુ જીવો!
તેમના માટે નિત્ય પ્રાર્થનાઓ થશે;
ધન્યવાદ આપશે સર્વ લોકો સદા તેને.
16 દેશમાં પર્વતોનાં શીખરો પર
પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે,
તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ,
ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
17 તેમનાં નામનો સર્વકાળ આદર કરવામાં આવશે;
અને તેમનું નામ સૂર્ય તપે ત્યાં સુધી ટકશે;
તેમનાથી સર્વ લોકો આશીર્વાદ પામશે;
તેમને દેશનાં સર્વ લોકો ધન્યવાદ આપશે.
18 ઇસ્રાએલના દેવને, યહોવા દેવને ધન્ય હોજો;
એકલા તેઓ જ આશ્ચર્યકારક કર્મો કરે છે.
19 તેમનાં મહિમાવંત નામની સર્વદા
સ્તુતિ થાઓ! સમગ્ર પૃથ્વી તેમનાં મહિમાથી ભરપૂર થાઓ!
આમીન તથા આમીન!
20 યશાઇના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ અહીં પૂર્ણ થાય છે.
નબૂખાદનેસ્સાર રાજાનું સ્વપ્ન
2 રાજા નબૂખાદનેસ્સારને પોતાના રાજ્યકાળના બીજા વર્ષ દરમ્યાન એક ભયાનક સ્વપ્ન આવ્યું; તે ભયથી ધ્રુજી ગયો, તેની ઊંઘ હરામ થઇ ગઇ. 2 તેથી રાજાએ પોતાના સ્વપ્નનો અર્થ સમજાવવા માટે તાત્કાલિક પોતાના બધા જાદુગરો, મંત્રવિદ્યા જાણનારાઓ, અને ભવિષ્યવેત્તાઓને બોલાવવા હુકમ કર્યો. તેઓ રાજા આગળ આવીને ઊભા રહ્યા.
3 એટલે રાજાએ તેમને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે અને મારો જીવ એનો અર્થ જાણવા આતુર છે.”
4 એ લોકોએ અરામી ભાષામાં કહ્યું, “રાજા સદા માટે રહો. રાજા ઘણું જીવો, આપ આ સેવકોને આપનું સ્વપ્ન જણાવો એટલે અમે તેનો અર્થ તમને જણાવી શકીએ.”
5 રાજાએ ખાલદીઓને કહ્યું, “સ્વપ્ન મારા સ્મરણમાંથી જતું રહ્યું છે, મને તે યાદ રહ્યું નથી, તમે મને એ સ્વપ્ન તથા તેનો અર્થ નહિ કહો તો તમારા શરીરના ટુકડે ટુકડા કરવામાં આવશે. અને તમારાં ઘર તોડીને ઇંટો અને કાટમાળનાં ઢગલાઓમાં ફેરવી નાખવામાં આવશે. 6 પરંતુ જો તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવશો, તો હું તમને ભેટો ઇનામો અને માનપાનથી આમંત્રીશ. માટે તમે મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવો.”
7 ત્યારે તેમણે બીજી વાર કહ્યું, “આપ અમને સ્વપ્ન જણાવો અને અમે આપને તેનો અર્થ જણાવીશું.”
8 રાજાએ કહ્યું, “હું સ્પષ્ટ જોઇ શકું છું કે, તમે વખત મેળવવા ઇચ્છો છો, કારણ, તમે જાણો છો કે, મારો નિર્ણય પાકો છે. 9 પણ જો તમે મને સ્વપ્ન નહિ જણાવશો તો તમને બધાને એક જ સજા થશે. તમે અંદરોઅંદર નક્કી કર્યું છે કે, મારી આગળ તરકટ કરવું, એવી આશાએ કે, જતે દહાડે પરિસ્થિતિ પલટાઇ જાય. આથી તમે મને સ્વપ્ન કહો એટલે હું સમજીશ કે, તમે એનો પણ અર્થ કહી શકશો.”
10 ભવિષ્યવેત્તાઓએ રાજાને જવાબ આપ્યો, “આ પૃથ્વી ઉપર એવો કોઇ નથી, જે આપ જાણવા માંગો છો તે કહી શકે. કોઇ રાજાએ, મહારાજાએ, આજ સુધી કોઇ જાદુગર, કે, મંત્રવિદને આવો સવાલ પૂછયો નથી. 11 આપ અમારી પાસે જે જાણવા માંગો છો તે એવું મુશ્કેલ છે કે, દેવો સિવાય કોઇપણ કહી ન શકે. અને દેવો માણસોની વચ્ચે રહેતા નથી.”
12 આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થઇ ગયો. તેનો રોષ ભભૂકી ઉઠયો અને તેણે બાબિલના બધા સલાહકારોનો વધ કરવાની આજ્ઞા કરી. 13 આથી એવો હુકમ બહાર પાડવામાં આવ્યો કે, બધાં રાજકીય સલાહકારોની હત્યા કરવાની છે. અને તે મુજબ દાનિયેલને અને તેના સાથીઓને હત્યા કરવા માટે લઇ આવવા માણસો મોકલવામાં આવ્યા.
14 રાજાના અંગરક્ષકોનો વડો આર્યોખ બાબિલના વિદ્વાનોની હત્યા કરવા જતો હતો, ત્યારે દાનિયેલે ડહાપણ અને વિવેક વાપરીને તેની પાસે જઇને કહ્યું, 15 “સાહેબ, રાજાસાહેબે આવી કઠોર આજ્ઞા શા માટે કરી છે?”
ત્યારે આર્યોખે તેને બધી વાત જણાવી. 16 તેથી દાનિયેલે રાજાની હાજરીમાં જઇને અરજ કરી કે, આપ મને થોડો સમય આપો, તો હું તમને સ્વપ્ન અને તેનો અર્થ જણાવીશ.
17 પછી દાનિયેલે ઘરે જઇને તેના સાથીદારો હનાન્યા, મીશાએલ, અને અઝાર્યાને સર્વ વાત સમજાવી. 18 અને તેણે તેઓને કહ્યું, આપણે સ્વર્ગાધિપતિ દેવને પ્રાર્થના કરીએ, જેથી તે દયા લાવીને આપણને આ રહસ્યનો ભેદ જણાવે, અને આપણે બાબિલના રાજકીય સલાહકારો ભેગા મરવું પડે નહિ.
19 ત્યારબાદ રાત્રીના સમયે સંદર્શનમાં દેવે દાનિયેલને રાજાનું સ્વપ્ન તથા તેના રહસ્યનો ભેદ જણાવ્યો અને તેણે સ્વર્ગાધિપતિ દેવની આ પ્રમાણે પ્રશંશા કરી.
તમારી જીવનપદ્ધતિ કેવી હોવી જોઈએ
17 પ્રભુનાં નામે હું તમને આ કહું છું. અને ચેતવું છું. જેઓ અવિશ્વાસુ છે તેમના જેવું જીવવાનું ચાલુ ન રાખો. 18 તેઓના વિચારોનું મૂલ્ય કશું જ નથી. તે લોકો કશું સમજતા નથી, તેઓએ કશું ય સાંભળવાની ના પાડી. અને તેથી તેઓ અજ્ઞાની છે, અને તેથી દેવ અર્પિત જીવન પણ તેમને મળ્યું નથી. 19 તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે. 20 પણ તમે ખ્રિસ્ત પાસેથી એ પ્રમાણે શીખ્યાં નથી. 21 મને ખબર છે કે તમે એના વિષે સાંભળ્યું છે, તમે તેનામાં એકરૂપ થયા છો, અને તમને સત્યનું શિક્ષણ મળ્યું છે, હા! ઈસુમાં સત્ય છે. 22 તમને પહેલાનું જીવન જીવતા અટકી જવાની, અને તમારું જૂનું માણસપણું વધુ ને વધુ અનિષ્ટ બનતું જાય છે. કારણ કે દુષ્કર્મો કરવાની ઈચ્છાથી લોકોને છેતરે છે. 23 અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. 24 અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો.
25 તેથી અસત્ય બોલતા તમારે અટકવું જ જોઈએ તમારે એકબીજા સાથે સત્યભાષી બનવું જોઈએ, કારણ કે આપણે બધા એ જ શરીરના અવયવો છીએ. 26 જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો. 27 શેતાનને રસ્તો ન આપો. જેથી તેનાથી તમે હારી જાઓ. 28 ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો.
29 જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો. 30 અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે. 31 કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ. 32 એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.
5 તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International