Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 147:12-20

12 હે યરૂશાલેમ, તમે યહોવાની સ્તુતિ કરો;
    હે સિયોન, તમારા દેવની સ્તુતિ કરો.
13 કારણ, તેમણે તારા સર્વ શત્રુઓ વિરુદ્ધ, તારા દરવાજાઓને સુરક્ષિત કર્યા છે.
    અને તારા કુળના સર્વ સંતાનોને આશીર્વાદિત કર્યા છે.
14 તે તમારા સમગ્ર દેશમાં શાંતિ સ્થાપે છે;
    અને તે તારા કોઠારોને અનાજથી ભરપૂર કરે છે.
15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે;
    અને તેનું વચન અતિ વેગથી દોડે છે.
16 તે જમીનને ઢાંકવા સફેદ ઊન જેવો બરફ મોકલે છે
    અને ધૂળ જેવી હવામાંથી બરફનાં કરાંની વૃષ્ટિ કરે છે.
17 તે આકાશમાંથી પથ્થરની જેમ પડતાં કરા મોકલે છે
    અને તેણે મોકલેલી ટાઢ આગળ કોણ ઊભું રહી શકે?
18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે;
    તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે;
    અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

19 દેવે યાકૂબને તેમના વચન આપ્યા,
    તેમણે તેમના વિધિઓ અને નિયમો પણ ઇસ્રાએલને આપ્યા.
20 અન્ય કોઇ પ્રજા સાથે તેમણે આ પ્રમાણે કર્યુ નથી;
    અન્ય પ્રજાઓએ તેમની આજ્ઞાઓ જાણી નથી.

યહોવાની સ્તુતિ થાઓ.

2 કાળવૃત્તાંતનું 1:7-13

તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.”

સુલેમાને કહ્યું, “હે દેવ, તમે મારા પિતા દાઉદ પ્રત્યે બહુ જ ભલાઇ અને દયા દર્શાવી હતી, અને હવે તમે મને રાજ્ય સોંપ્યું છે. હે દેવ યહોવા, મારા પિતા દાઉદને આપેલું વચન પૂરું કરો. તમે મને ધરતીની ધૂળના કણ જેટલા અગણિત લોકોનો રાજા બનાવ્યો છે. 10 હવે તમે મને ડહાપણ અને જ્ઞાન આપો, જેથી હું આ લોકોને દોરવણી આપી શકું, કારણ, આ તમારી મહાન પ્રજાને માર્ગદર્શન કોણ કરી શકે?”

11 દેવે સુલેમાનને કહ્યું, “તારો અભિગમ સારો છે, તેં ધન, સંપત્તિ કે જાહોજલાલી અથવા તારા દુશ્મનોનાં મોત કે પોતાના માટે દીર્ધાયુષ્યની પણ માગણી કરી નથી, પણ તારા પર હું ડહાપણ અને જ્ઞાનની વર્ષા કરીશ, જેથી તું મારા લોકો પર શાશન કરી શકે જેમનો મેં તને રાજા બનાવ્યો છે. 12 ઉપરાંત, હું તને એવાં તો ધન, સંપત્તિ અને જાહોજલાલી આપીશ કે જેવાં તારી પહેલાંના કોઇએ પણ ન ભોગવ્યાં હોય કે તારી પછી કોઇ ભોગવશે નહિ.”

13 ત્યારબાદ ગિબયોનના ઉચ્ચસ્થાનેથી, મુલાકાત મંડપથી પાછા યરૂશાલેમ આવીને સુલેમાને ઇસ્રાએલ ઉપર રાજ્ય કરવા માંડ્યું.

માર્ક 13:32-37

32 “કોઈ વ્યક્તિ જાણતી નથી કે કયા દિવસે કયા સમયે તે થશે. તે પુત્ર અને આકાશના દૂતો પણ તે જાણતા નથી. ફક્ત પિતા જ જાણે છે. 33 સાવધાન રહો! હંમેશા તૈયાર રહો! તમને ખબર નથી તે સમય ક્યારે આવશે.

34 “એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે. તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે. તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે. તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે. હમણા હું તમને કહું છું તે એ જ છે. 35 તેથી તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ, તમે જાણતા નથી, ઘરનો ધણી સાંજે, મધરાતે કે વહેલી સવારે કે જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે કદાચ આવે. 36 રખેને તે ધણી એકાએક પાછો ઝડપથી પણ આવે. જો તમે હંમેશા તૈયાર રહો તો પછી તે તમને ઊંઘતા જોશે નહિ. 37 હું તમને આ કહું છું, અને હું આ પ્રત્યેક વ્યક્તિને કહું છું: ‘તૈયાર રહો!’”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International