Revised Common Lectionary (Semicontinuous)
18 શમુએલ યહોવાનો સેવક હતો. તે યહોવાની સેવા કરતો અને એક શણનું કેડિયું પહેરતો. 19 તેની માંતા પ્રતિવર્ષ તેને માંટે એક નાનો ઝભ્ભો સીવતી અને તેના પતિની સાથે યજ્ઞ કરવા આવતી ત્યારે સાથે લઈને આવતી.
20 તે વખતે યાજક એલી એલ્કાનાહને અને તેની વહુને આશીર્વાદ આપતો અને કહેતો, “તમે તમાંરા પુત્રને યહોવાને સમર્પિત કર્યો છે. તેના બદલામાં તે તને આ સ્ત્રીથી વધારે બાળકો આપો.”
ત્યારબાદ તેઓ પાછાં ઘેર જતાં.
26 દરમ્યાન બાળક શમુએલ મોટો થતો ગયો, અને યહોવાની અને લોકોની પ્રીતિ પામતો ગયો.
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
12 દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો. 13 એકબીજાને સહન કરો, એકબીજાને માફ કરો. જો કોઈ વ્યક્તિ તમારી વિરુંદ્ધ કોઈ અનુચિત આચરણ કરે, તો તેને તમે માફ કરો. બીજા લોકોને માફ કરો કારણ કે પ્રભુએ તમને માફ કર્યા છે. 14 આ બધી જ બાબતો કરો; પરંતુ તે બધાથી મહત્વપૂર્ણ એ છે કે, તમે એકબીજાને પ્રેમ કરો. તમને દરેકને સંપૂર્ણ એકતામાં સાંકળતું બંધન જ પ્રેમ છે. 15 ખ્રિસ્ત જે શાંતિ પ્રદાન કરે છે તેના વડે તમારા વિચારોને નિયંત્રિત થવા દો. શાંતિ પ્રાપ્તિ અર્થે તમે બધા એક જ શરીર[a] બનવા માટે તેડાયેલા છો. હમેશા આભારસ્તુતિ કરો.
16 ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો. 17 તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો.
41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા.
46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.”
49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ.
51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International