Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
ઇસ્રાએલ પ્રત્યે યહોવાનો પ્રેમ
54 “હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી,
તું મુકત કંઠે ગીત ગા,
આનંદના પોકાર કર;
“કારણ, યહોવાના આશીર્વચન છે કે,
સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”
2 “તારો તંબુ વિશાળ બનાવ,
તારા તંબુના પડદા પહોળા કર,
તેની દોરી ઠેઠ સુધી લંબાવ
અને ખીલા બરાબર ઠોકી દે;
3 કારણ કે તું તારી સરહદો ચારે બાજુએ વિસ્તારીશ.
તારા વંશજો બીજી પ્રજાઓના તાબા હેઠળના પ્રદેશો કબજો કરશે
અને વેરાન નગરોને વસતાં કરશે.
4 ગભરાઇશ નહિ;
તારે ફરી શરમાવું નહિ પડે,
તારે શરમાવાનું હવે કોઇ કારણ નહિ રહે.
તારી યુવાવસ્થાની શરમ
અને તારા વૈધવ્યનાં દુ:ખને હવેથી
સંભારવામાં આવશે નહિ.
5 કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે.
‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે;
ઇસ્રાએલના પવિત્ર દેવ
અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.
6 “તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે.
તારા દેવ, યહોવા,
તને પાછી બોલાવીને કહે છે કે,
જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો
તેને શી રીતે તજી શકાય?”
7 યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો.
પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ.
8 ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું.
પણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.”
એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.
9 દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે,
જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે,
હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું.
તેમ આજે હું તને વચન આપું છું કે,
ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં,
કે તને ઠપકો દઇશ નહિ.”
10 યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય
અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે,
પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે.
તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર
કદી ખંડિત થશે નહિ.”
એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.
11 “હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી
દિલાસા વિહોણી નગરી!
હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ
અને મૂલ્યવાન પથ્થરોમાંથી
તમારા ઘરની ભીંતો બનાવીશ.
12 તારા બુરજો માણેકના બંધાવીશ, તારા દરવાજા લાલ પથ્થરના
અને તારો આખો કોટ રત્નોનો બનાવીશ.
13 તારાં બધાં સંતાનો મારા પોતાના શિષ્યો બનશે,
અને તેઓ સુખશાંતિ અનુભવશે;
નવું યરૂશાલેમ
21 પછી મેં એક નવું આકાશ અને એક નવી પૃથ્વી જોયાં. તે પ્રથમ આકાશ અને પ્રથમ પૃથ્વી અદ્દશ્ય થયા હતા. હવે ત્યાં દરિયો ન હતો. 2 અને મેં દેવ પાસેથી આકાશમાંથી નીચ આવતા પવિત્ર શહેરને જોયું. આ પવિત્ર શહેર નવું યરૂશાલેમ હતું. તેને તેના પતિના માટે શણગારવામાં આવેલ કન્યા જેવું તૈયાર કરવામાં આવ્યું હતું.
3 મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે. 4 દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લૂછશે. ત્યાં હવે ફરીથી મૃત્યુ, ઉદાસીનતા, રૂદન કે દુ:ખ હશે નહિ. બધી જુની વાતો જતી રહી છે.”
5 તે જે રાજ્યાસન પર બેઠો હતો, તેણે કહ્યું, “જુઓ! હું બધી જ વસ્તુઓ નવી બનાવું છું!” પછી તેણે કહ્યું, “આ લખ, કારણ કે આ વાતો સત્ય છે અને વિશ્વાસપાત્ર છે.”
6 રાજ્યાસન પરનાં તે એકે મને કહ્યું, “તે પૂરું થયું છે! હું આલ્ફા તથા ઓમેગા, આરંભ અને અંત છું. હું, જે વ્યક્તિ તરસી છે તેને જીવનના પાણીના ઝરણાંમાંથી મફત પાણી આપીશ. 7 તે વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરશે તે આ બધું પ્રાપ્ત કરશે અને હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International