Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો!
આકાશમાંથી તેમની સ્તુતિ કરો!
ઉચ્ચસ્થાનમાંથી તેમની સ્તુતિ કરો!
2 તમે બધાં દેવદૂતો તેમની સ્તુતિ કરો;
તેમનાં સર્વ સૈન્યો તેમની સ્તુતિ કરો!
3 સૂર્ય તથા ચંદ્ર, તમે તેની સ્તુતિ કરો!
સર્વ ઝગઝગતાં તારા તેમની સ્તુતિ કરો!
4 આકાશોનાં આકાશ તમે યહોવાની સ્તુતિ કરો!
આકાશ ઉપરના પાણી તેમની સ્તુતિ કરો!
5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો;
કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા.
6 દેવે આ બધી વસ્તુઓ, સદાકાળ માટે સ્થાપન કરી છે તેમણે જે નિયમ પ્રસ્થાપિત કર્યા છે
તેનો અંત કદાપિ આવશે નહિ અને ઉલ્લંધન કરી શકે નહિ.
7 હે પૃથ્વી પરના બધાં જ જીવો, તમે યહોવાની સ્તુતિ કરો;
હે મહાસાગરનાં ઊંડાણોમાં વસતાં સૌ જીવો તેમની સ્તુતિ કરો.
8 અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ;
આંધીના વાયુ, જે એનુ વચન પૂરુ કરે છે.
9 તમે પર્વતો તથા ડુંગરો;
ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
10 હિંસક પ્રાણીઓ તથા સર્વ પશુઓ;
પેટે ચાલનારાં જીવજંતુ તથા ઊડનારાં પક્ષીઓ;
11 પૃથ્વીના રાજાઓ, અને સર્વ પ્રજાઓ,
તથા તેઓના અધિકારીઓ તેમજ ન્યાયાધીશો;
12 યુવાનો અને કન્યાઓ,
વૃદ્ધો અને બાળકો;
13 તમે સર્વે યહોવાની સ્તુતિ કરો
કારણકે ફકત તેમનું એકલાનું જ નામ પ્રતિષ્ઠાપાત્ર છે!
આકાશ અને પૃથ્વી પરની
તમામ વસ્તુઓ તેમની સ્તુતિ કરો!
14 તે તેમના લોકોની તાકાત વધારશે,
તેના વફાદાર સંતો તેમની સ્તુતિ કરો.
સર્વ ઇસ્રાએલીઓ જે લોકો તેમની ખૂબ નજીક છે તે તેમની સ્તુતિ કરો.
17 યહોયાદાના મૃત્યુ પછી યહૂદાના આગેવાનો રાજાને સલામ ભરવા આવવા લાગ્યા અને રાજા હવે તેમની સલાહ લેતો થયો, તેઓએ તેને ખોટી સલાહ આપી. 18 તે આગેવાનોએ તેમના વંશજોના દેવ યહોવાનું મંદિર છોડી દીધું અને અશેરાદેવીની, ને બીજાં દેવદેવીઓની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા. તેમના આ દોષને કારણે યહૂદા અને યરૂશાલેમ ઉપર યહોવાનો રોષ ઊતર્યો. 19 યહોવાએ તેમને પોતાના તરફ પાછા લાવવા માટે તેમની વચ્ચે પ્રબોધકો મોકલ્યા. પરંતુ તેમનો સંદેશો તેમણે સાંભળ્યો નહિ.
20 પછી યહોયાદાના પુત્ર ઝખાર્યા પર દેવનો આત્મા આવ્યો. અને તેણે લોકોની સમક્ષ ઊભા થઇને કહ્યું, “‘શા માટે તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને આફત વહોરો છો? તમે યહોવાને છોડી દીધા છે એટલે તેણે તમને છોડી દીધા છે.’”
21 પરંતુ તેઓ બધા તેની વિરૂદ્ધ એક થઇ ગયા અને રાજાના હુકમથી તેમણે તેને મંદિરના પ્રાંગણમાં તેના પર પથ્થર ફેકીને મારી નાખ્યો. 22 ઝર્ખાયાના પિતા યહોયાદાએ પોતાના પ્રત્યે બતાવેલી વફાદારીને ભૂલી જઇને રાજા યોઆશે તેના પુત્રને મારી નાખ્યો. મરતાં મરતાં ઝર્ખાયા કહેતો ગયો કે, “યહોવા આ જુઓ અને એનો બદલો લો!”
23 એક વર્ષ પૂરું થતાં અરામીઓની સેનાએ યોઆશ ઉપર ચઢાઇ કરી. તેમણે યહૂદા અને યરૂશાલેમ ઉપર હુમલો કર્યો અને લોકોના બધા આગેવાનોને મારી નાખ્યા અને લૂંટનો માલ રાજાને દમસ્ક મોકલી આપ્યો. 24 અરામીઓએ હુમલો કર્યો ત્યારે તેમનું લશ્કર કઇં મોટું નહોતું; તેમ છતાં યહોવાએ યહૂદાની ભારે મોટી સૈના ઉપર તેમને વિજય અપાવ્યો. કારણ, એ યહૂદાના લોકોએ પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો હતો, આમ અરામીઓએ યોઆશને ઘટતી સજા કરી.
વિશિષ્ટ કાર્ય માટે સાત માણસની પસંદગી
6 વધારે ને વધારે લોકો ઈસુના શિષ્યો થવા લાગ્યા પરંતુ આ સમય દરમ્યાન જ, ગ્રીક ભાષી યહૂદિઓએ બીજા યહૂદિઓને દલીલો કરી. તેઓએ ફરીયાદ કરી કે રોજ શિષ્યોને જે વહેંચવામાં આવે છે તેમાંથી તેઓની વિધવાઓને તેઓનો ભાગ મળતો નથી. 2 તે બાર પ્રેરિતોએ આખા સમૂહને બોલાવ્યો.
પ્રેરિતોએ તેઓને કહ્યું, “દેવના વચનોનો બોધ આપવાનું આપણું કામ અટકી ગયું છે. તે સારું નથી. લોકોને કંઈક ખાવાનું વહેંચવામાં મદદ કરવા કરતાં દેવના વચનોનો બોધ આપવાનું ચાલુ રાખવું તે વધારે સારું છે. 3 તેથી ભાઈઓ, તમારા પોતાનામાંથી સાત માણસો પસંદ કરો. લોકો જેને સારા માણસો કહે તેવા તે હોવા જોઈએ. તેઓ આત્માથી ભરપૂર અને જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ. આપણે તેઓને આ કામ કરવાનું સોંપીશું. 4 પછી આપણે આપણો બધો સમય પ્રાર્થનામાં તથા વાતની (પ્રભુની) સેવા કરવામાં વાપરી શકીશું.”
5 સમગ્ર સમૂહને આ વિચાર ગમ્યો. તેથી તેઓએ સાત પુરુંષોની પસંદગી કરી. સ્તેફન (વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર માણસ) ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તીમોન, પાર્મિનાસ, અને નિકોલાઉસ (અંત્યોખનો યહૂદિ થયેલો માણસ). 6 પછીથી તેઓએ આ માણસોને પ્રેરિતો સમક્ષ રજૂ કર્યા. પ્રેરિતોએ પ્રાર્થના કરી અને તેઓએ તેઓના હાથ તેઓના પર મૂક્યા.
7 દેવની વાતોને વધારે ને વધારે લોકો સુધી પ્રચાર થતો ગયો. યરૂશાલેમમાં શિષ્યાની સંખ્યા મોટી થતી ગઇ. યહૂદિ યાજકોના મોટા સમૂહો પણ વિશ્વાસને આધીન થયા.
51 પછી સ્તેફને કહ્યું, “ઓ હઠીલા યહૂદિ આગેવાનો, તમે તમારા હ્રદય દેવને અર્પણ કર્યા નથી! તમે તેને ધ્યાનથી સાંભળતા પણ નથી. તમે હંમેશા પવિત્ર આત્મા તમને જે કહે છે તેઓનો વિરોધ કરો છો. તમારા પૂર્વજોએ આમ કર્યુ અને તમે પણ એમ જ કરો છો. 52 તમારા પૂર્વજોએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી દરેક પ્રબોધકને સતાવ્યા છે. તે પ્રબોધકોએ તે ન્યાયીના (ખ્રિસ્ત) આગમન વિષે આગળથી ખબર આપી હતી. પરંતુ તમારા પૂર્વજોએ તે પ્રબોધકોને મારી નાખ્યા. અને હવે બીજા એક ન્યાયીથી વિમુખ થઈને તમે તેને મારી નાખ્યો. 53 તમે એ લોકો છો જેને મૂસા દ્ધારા નિયમો પ્રાપ્ત થયા. દેવે તમને આ નિયમો દૂતો દ્ધારા આપ્યા. પરંતુ તમે આ નિયમ પાળ્યો નહિ!”
સ્તેફનનું મૃત્યુ
54 યહૂદિ આગેવાનોએ સ્તેફનની આ બાબતો સાંભળી. તેઓ ગુસ્સે થયા. યહૂદિ આગેવાનો એવા ગાંડા થઈ ગયા હતા કે તેઓ સ્તેફન સામે દાંત પીસવા લાગ્યા. 55 પરંતુ સ્તેફન તો પવિત્ર આત્માથી ભરપૂર હતો. સ્તેફને આકાશમાં ઊચે જોયું. તેણે દેવનો મહિમા જોયો. તેણે ઈસુને જમણી બાજુએ ઊભેલો જોયો. 56 સ્તેફને કહ્યું, “જુઓ! હું આકાશને ખુલ્લું જોઉં છું અને માણસના દીકરાને દેવની જમણી બાજુએ ઊભેલો જોઉં છું!”
57 પછી બધા યહૂદિ આગેવાનોએ મોટા અવાજે બૂમો પાડી. તેઓએ તેઓના હાથો વડે તેઓના કાન બંધ કરી દીધા. તેઓ બધા સ્તેફન તરફ એક સાથે દોડ્યા. 58 તેઓ તેને શહેર બહાર લઈ ગયા અને તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેના તરફ પથ્થરો ફેંક્યા. જે માણસો સ્તેફન વિરૂદ્ધ ખોટું બોલતા હતા તેઓએ તેના કપડાં શાઉલ નામના જુવાન માણસ પાસે મૂક્યા હતા. 59 પછી તેઓ સ્તેફનને પથ્થરો મારતા હતા. પરંતુ સ્તેફન તો પ્રાર્થના કરતો હતો. તેણે કહ્યું, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કર!” 60 તેણે ઘૂંટણે પડીને બૂમ પાડી, “પ્રભુ આ પાપ માટે તેઓને દોષ દઈશ નહિ!” આમ કહ્યા પછી સ્તેફન અવસાન પામ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International