Revised Common Lectionary (Semicontinuous)
મરિયમ દેવની સ્તુતિ કરે છે
46 પછી મરિયમે કહ્યું,
47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે.
મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે.
48 દેવે તેની સામાન્ય
અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે.
હવે પછી,
બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું,
49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે.
તેનું નામ પવિત્ર છે.
50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે.
51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે.
તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે.
52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે,
અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે.
53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે.
પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે.
54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે.
દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.
55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.”
શાંતિના શાસનનું આગમન
4 હવે પાછલા દિવસોમાં યહોવાના મંદિરનો પર્વત બીજા
બધા પર્વતો કરતાં ઊંચો કરવામાં આવશે,
જે બીજાં બધાં શિખરો પર થશે,
તે બીજા ડુંગરો કરતાં ઊચો કરવામાં આવશે.
2 ઘણાં જુદા જુદા દેશના લોકો ત્યાં ચાલ્યાં આવશે અને કહેશે કે,
“ચાલો આપણે યહોવાના પર્વત ઉપર,
યાકૂબના વંશના દેવનામંદિરે જઇએ;
જે આપણને તેના પોતાના જીવનમાર્ગ વિષે શીખવશે
અને પછી આપણે તેના માર્ગે ચાલીશું.”
કારણકે નિયમશાસ્ત્ર સિયોનમાંથી બહાર પડશે
અને યહોવાનાં વચન યરૂશાલેમ તરફથી પ્રગટ થનાર છે.
3 તે ઘણા લોકોને ન્યાય કરશે,
દૂરના બળવાન લોકો માટે નિર્ણયો કરશે;
ત્યારે લોકો પોતાની તરવારો
ટીપીને હળની કોશો બનાવશે;
અને ભાલાઓનાં દાંતરડા બનાવશે.
પ્રજાઓ એકબીજા સામે તરવાર ઉગામશે નહિ કે
ફરીથી કદી યુદ્ધનું પ્રશિક્ષણ લેશે નહિ.
4 પણ પ્રત્યેક મનુષ્ય પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે
તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે;
અને તેમને કોઇનો ભય રહેશે નહિ,
કારણ કે આ સૈન્યોનો દેવ યહોવાના મુખના વચન છે.
5 પ્રત્યેક પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે,
અને અમે પણ સર્વકાળ હંમેશા, અમારા સૈન્યોનો દેવ યહોવા દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.
ખ્રિસ્તમાં એક
11 તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.) 12 યાદ રાખજો કે ભૂતકાળમાં તમે ખ્રિસ્ત વિહીન હતા. તમે ઈસ્રાએલના[a] નાગરિક નહોતા. અને દેવે લોકોને જે વચન આપ્યું હતું, તેની સાથે તમે કરારબદ્ધ નહોતા. તમે દેવને ઓળખતા નહોતા અને તમારી પાસે કોઈ આશા નહોતી. 13 હા, કોઈ એક સમયે તમે દેવથી ઘણા દૂર હતા પરંતુ હવે ખ્રિસ્ત ઈસુ થકી તમે દેવની નજીક આવ્યા છો. ખ્રિસ્તના રક્તથી તમે દેવની સાનિધ્યમાં આવ્યા.
14 ખ્રિસ્તને કારણે હવે આપણને શાંતિ પ્રદાન થઈ છે. યહૂદી અને બિનયહૂદીઓ અત્યાર સુધી એકબીજાથી વિમુખ હતા જાણે કે તેઓની વચ્ચે એક દીવાલ ઊભી ના હોય! પરંતુ ખ્રિસ્તે આ બને લોકોને (યહૂદી અને બિનયહૂદી) એકતાનો અનુભવ કરાવ્યો. ખ્રિસ્તે પોતાના શરીરનું બલિહાન આપી આ બને પ્રજા વચ્ચેની ધિક્કારની દીવાલનો નાશ કર્યો. 15 યહૂદી નિયમમાં ઘણી આજ્ઞાઓ અને નિયંત્રણો હતાં. પરંતુ ખ્રિસ્તે આ નિયમનો જ અંત આણ્યો, ખ્રિસ્તનો હેતુ બે ભિન્ન પ્રકારના જનસમૂહને (યહૂદી અને બિનયહૂદી) એક નૂતન જનસમૂહના રૂપે તેનામાં પ્રસ્થાપિત કરવાનો હતો. અને આમ કરીને ખ્રિસ્તે શાંતિ સ્થાપી. 16 વધસ્તંભના બલિદાનથી ખ્રિસ્તે બે સમૂહ વચ્ચેના ધિક્કારનો અંત આણ્યો. અને બે સમૂહને એક અંગભૂત બનાવ્યા, તેથી તે તેઓને દેવ સમક્ષ લાવી શકે. અને વધસ્તંભ ઉપરના પોતાના મૃત્યુથી ખ્રિસ્તે આમ કર્યુ. 17 તમે લોકો જે દેવથી ઘણા જ વિમુખ હતા, તેઓને ખ્રિસ્તે શાંતિની સુવાર્તા આપી, અને જે લોકો દેવની નજીક હતા તેઓને પણ શાંતિની સુવાર્તા આપી. 18 હા, ખ્રિસ્ત થકી જ આપણને બન્નેને એક આત્મા વડે બાપના સાનિધ્યમાં આવવાનો અધિકાર છે.
19 તો હવે તમે બિનયહૂદીઓ, દેવના પવિત્રો માટે મહેમાન કે અજાણ્યા નથી. હવે તમે દેવના પવિત્રો સાથે નાગરિક છો. દેવના કુટુંબના સભ્ય છો. 20 તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે. 21 આ આખો આવાસ ખ્રિસ્તમાં એકબીજાની સાથે સંયોજિત છે. અને ખ્રિસ્તના પ્રયત્નોથી તેનો વિકાસ થાય છે અને પ્રભૂમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. 22 અને ખ્રિસ્તમાં તમે લોકો અન્ય બીજા સાથે જોડાઈ ગયા છો. તમને તે જગ્યાએ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યાં આત્મા દ્વારા દેવનો વાસ છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International