Revised Common Lectionary (Semicontinuous)
શાંતિના રાજ્યનું નિર્માણ
11 દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે. 2 યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. 3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ન્યાય કરશે નહિ. ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ;
4 પણ તે ગરીબોનો પ્રામાણિકપણે ન્યાય કરશે અને દેશના દુ:ખીજનોનો સચ્ચાઇથી ન્યાય કરશે. અન્યાયીઓને તેનો નિર્ણય દંડની જેમ પ્રહાર કરશે. તેનો ચુકાદો દુષ્ટોનો સંહાર કરશે. 5 તેનાં સર્વ કાર્યોમાં ન્યાય અને નીતિ હશે.
6 ત્યારે વરુઓ અને ઘેટાંઓ સાથે વસશે અને ચિત્તો લવારા સાથે સૂશે; વાછરડાં અને સિંહ તથા માતેલાં ઢોર ભેગા ચરશે અને નાનાં બાળકો પણ તેમને ચરાવવા લઇ જશે. 7 ગાય અને રીંછ ભેગા મળીને ખાશે અને તેમનાં બચ્ચાં પણ ભેગા સૂશે. સિંહો ઢોરની જેમ ઘાસ ખાશે. 8 નાનાં બાળકો નાગના રાફડા પર રમશે. ઝેરી સાપના દરને સ્પર્શશે.
9 યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.
8 અને તમે, ટોળાંના બૂરજો,
સિયોનની પુત્રીના શિખર,
તમે તમારી શકિત પાછી મેળવશો
અને અગાઉનું રાજ્ય
યરૂશાલેમની પુત્રી પાસે પાછું ફરશે.”
ઇસ્રાએલીઓને ખરેખર શા માટે બાબિલ પાસે જવું જોઇએ?
9 હવે તું શા માટે મોટેથી બૂમો પાડે છે?
તારે ત્યાં રાજા નથી?
તારા સલાહકારો નાશ પામ્યા છે કે,
તું આમ પ્રસુતાની જેમ પીડાય છે, હે યરૂશાલેમ?
10 હે સિયોનની પુત્રી, પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ
તું તરફડજે અને ચીસો પાડજે;
કારણકે હવે તું યરૂશાલેમમાંથી દૂર થઇ જશે,
ને સીમમાં રહેશે,
ને બાબિલમાં પણ જશે;
ત્યાં તને છોડાવવામાં આવશે;
ત્યાં યહોવા તને તારા શત્રુઓના
હાથમાંથી છોડાવશે.
યહોવા બીજી પ્રજાને સમાપ્ત કરશે
11 હવે ઘણી પ્રજાઓ તારી સામે ભેગી થઇ છે
અને કહે છે કે, “ભલે તેણી ષ્ટ થાય જેથી આપણી
આંખો સિયોનને જોઇ શકે.”
12 પરંતુ તેઓ યહોવાના વિચારોને જાણતા નથી.
તેઓ યહોવાની યોજના સમજતા નથી,
તેણે તેમને અનાજની જેમ ભેગા કર્યા છે
અને તેમને ઝૂડવા માટેની જમીન પર લાવીને મૂક્યા છે.
ઇસ્રાએલ શત્રુઓને હરાવી જીત મેળવશે
13 “હે સિયોનની પુત્રી, ઊઠ, અને ખૂંદવા માંડ!
હું તારા શિંગડાં લોખંડના અને ખરીઓ કાંસાની બનાવીશ;
અને તું તેના વડે ઘણી પ્રજાઓને
કચડી નાખીને ચૂરેચૂરા કરી નાખીશ;
અને તેમની પાસેથી લૂંટમાં મળેલી
સંપત્તિ સમગ્ર પૃથ્વીના યહોવાને સમર્પણ કરીશ.”
31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે:
‘અમે તમારે માટે સંગીત વગાડ્યું,
પણ તમે નાચ્યા નહિ;
અમે કરૂણ ગીત ગાયું,
પણ તમે દિલગીર થયા નહિ.’
33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International