Revised Common Lectionary (Semicontinuous)
આનંદના સમાચાર
14 ઓ સિયોનની પુત્રી હર્ષનાદ કર!
ઓ ઇસ્રાએલ આનંદના પોકાર કર!
યરૂશાલેમના લોકો, ઉલ્લાસમાં આવીને આનંદોત્સવ કરો!
15 યહોવાએ ન્યાય અનુસાર તમને કરેલી શિક્ષાનો અંત કર્યો છે.
તેમણે તમારા શત્રુને હાંકી કાઢયા છે;
ઇસ્રાએલના રાજા, એટલે યહોવા, તમારામાં છે;
હવે પછી તમને કોઇ પણ પ્રકારની આપત્તિનો ડર લાગશે નહિ.
16 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂશાલેમના લોકોને આ સંદેશો મળશે,
“ઓ સિયોન, ડરીશ નહિ, તારા હાથ ઢીલા થવા દઇશ નહિ.
17 યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ
તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે.
તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે.
તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે,
અને એક ઉત્સવના દિવસની જેમ
તે ખૂબ આનંદથી પોકાર કરે છે.
18 મેં નિશ્ચિત કરેલા ધામિર્ક ઉત્સવ પર
શોક કરનારાઓને એકત્ર કર્યા છે.
અને તમને આપેલાં અપમાન પાછા લઇ લઇશ.
19 તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે,
તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ.
હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ.
હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ.
જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.
20 એ સમયે હું તમને પાછા લાવીશ.
તમારી નજર સમક્ષ;
તમારું ભાગ્ય ફેરવીને તમને પૃથ્વી પરના સર્વ લોકો કરતાં અલગ એવું અતિ ઉત્તમ નામ આપીશ.
ત્યારે તેઓ તમારી પ્રસંશા કરશે.”
આ યહોવાના વચન છે.
2 દેવ મારા ઉદ્ધારક છે;
અને હવે મને વિશ્વાસ બેઠો છે અને ડર રહ્યો નથી;
મારો આશ્રય યહોવા દેવ જ છે;
ને મારા રક્ષણહાર એ જ છે; ને એ જ મારા ઉદ્ધારક બન્યા.”
3 અને તમે ઉદ્ધારના ઝરણામાંથી
આનંદભેર પાણી ભરશો.
4 તમે તે દિવસે કહેશો કે,
“યહોવાની સ્તુતિ ગાવ, અને તેના નામનું આહવાહન કરો;
સર્વ પ્રજામાં તેનાં કાર્યોની ઘોષણા કરો;
તેનું નામ સવોર્પરી છે એવું જાહેર કરો.”
5 યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે
તમે તેના સર્વદા ગુણગાન ગાઓ;
ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.
6 હે સિયોનનાં વાસીઓ, આનંદના પોકાર કરો,
ઇસ્રાએલના મહાન પરમ પવિત્ર દેવ છે.
અને તમારા સૌની વચ્ચે વસે છે.
4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો.
5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. 6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. 7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી.
7 ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? 8 તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 9 વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.”
10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?”
11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.”
12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?”
13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.”
14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”
યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”
15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.”
16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” 18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International