Revised Common Lectionary (Semicontinuous)
મંદિરે ચઢવા માટેનું ગીત.
1 જ્યારે યહોવા બંધકોને સિયોનમાં પાછા લઇ આવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઇએ એવું લાગ્યું.
2 અમે અતિ આનંદ અને ઉત્સાહથી ગીતો ગાયા કરતાં હતાં;
ત્યારે વિદેશીઓએ કહ્યું,
“યહોવાએ તેઓને માટે અદ્ભૂત કામો કર્યા છે.”
3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે
જેથી અમે આનંદ પામીએ છીએ.
4 હે યહોવા, અમારાં બંધકોને પાછા લાવો,
અને તેમને પાણીથી ભરેલા રણના ઝરણાંની જેમ ધસમસતાં આવવાની રજા આપો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે;
તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
6 જે કોઇ મૂઠ્ઠીભર બીજ લઇને રડતાં વાવણી કરવા જાય છે;
તે ગીતો ગાતો આનંદ ભેર પાકનાં પૂળા ઊંચકીને પાછો આવે છે.
3 જેઓ હારેલા છે તેમને હિંમત આપો, જેઓ ડગમગી રહ્યા છે તેઓને સ્થિર કરો, ભયભીત થયેલાઓને કહો કે, હિંમત રાખો! 4 જેઓ ચિંતાતુર છે, “તેઓને કહો દ્રઢ થાઓ, ડરશો નહિ;” જુઓ, તમારા દેવ! તમારો ઉદ્ધાર કરવા અને તમારા શત્રુઓને સજા કરવા આવે છે. 5 પરંતુ જ્યારે તે આવશે ત્યારે અંધજનોની આંખો ઊઘડી જશે અને બહેરાઓના કાન ખૂલી જશે. 6 લૂલાં-લંગડાં હરણાની જેમ તેઓ ઠેકડા મારશે અને મૂંગાની જીભ મોટેથી હર્ષનાદ કરીને ગાવા માંડશે. તે વખતે મરુભુમિમાં વહેળા વહેવા લાગશે. 7 લોકો વહેળાને જોશે, ધગધગતી રેતીના સરોવર બની જશે, અને સૂકી ભૂમિના ઝરણાં બની જશે. જ્યાં શિયાળવાનો વાસ છે તે વેરાન ભૂમિમાં ચારેબાજુ લીલોતરી ઊગી નીકળશે.
યોહાનનો પ્રશ્ર
(માથ. 11:2-19)
18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?”
20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?”
21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!”
24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે:
‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’(A)
28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.”
29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International