Revised Common Lectionary (Semicontinuous)
3 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.
2 “પણ તે પ્રગટ થશે ત્યારે તેની સામે કોણ ટકી શકશે? તેના આગમનને કોણ સહન કરી શકશે? કેમ કે તે કિંમતી ધાતુને શુદ્ધ કરનાર અગ્નિ સમાન છે. તે ધોબીના સાબુ સમાન છે. 3 તે રૂપું ગાળનાર તથા શુદ્ધ કરનારની જેમ બિરાજશે. ને તે લેવીના પુત્રોને પવિત્ર કરીને અને ચોખ્ખાં સોનારૂપા જેવા કરીને સાચી રીતે અર્પણો કરાવડાવશે. 4 ફરી એક વાર યહોવા યહૂદા અને યરૂશાલેમના લોકો દ્વારા ચઢાવેલાં અર્પણો ઘણા સમય પહેલાની જેમ આનંદથી સ્વીકારશે.”
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
પાઉલની પ્રાર્થના
3 હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું. 4 અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. 5 મે જ્યારે લોકોને સુવાર્તા આપી ત્યારે તમે મારી જે મદદ કરી તે માટે હું પ્રભુનો આભારી છું. તમે જે દિવસથી વિશ્વાસી બન્યા તે દિવસથી તમે મને મદદ કરી. 6 દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે.
7 મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો. 8 દેવ જાણે છે કે તમને મળવાને હું ઘણો આતુર છું. હું તમને બધાને ખ્રિસ્ત ઈસુના પ્રેમ સાથે ચાહું છું.
9 તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:
તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય; 10 તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ. 11 તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે.
યોહાનનો ઉપદેશ
(માથ. 3:1-12; માર્ક 1:1-8; યોહ. 1:19-28)
3 પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો.
ગાલીલ પર હેરોદ;
ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ,
લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો.
2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. 3 તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. 4 યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:
“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે:
‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો.
તેનો માર્ગ સીધો બનાવો.
5 પ્રત્યેક ખીણો પૂરી દેવાશે.
અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે.
રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે.
અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે.
6 પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!’” (A)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International