Revised Common Lectionary (Semicontinuous)
68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો.
તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે.
69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ
ઉદ્ધારક આપણા માટે આપ્યો છે.
70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા
લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે.
71 દેવ આપણને આપણા દુશ્મનો
તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે.
72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે.
અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.
73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા
74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે.
તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ.
75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું.
76 “અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે.
તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે.
77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે.
78 “આપણા દેવની દયા વડે આકાશમાંથી
નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે.
79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે.
તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.”
5 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.”
દેવના લોકો દેવને લૂટે!
6 “હું યહોવા, ફરી જતો નથી, અને તેથી હે યાકૂબના વંશજો, તમારો સર્વનાશ થયો નથી. 7 તમારા પિતૃઓના સમયથી મારા નિયમોની ઉપેક્ષા કરી છે. મારી પાસે પાછા આવો, હું તમારી પાસે પાછો આવીશ.
“પણ તમે કહેશો, ‘અમે તમારી પાસે પાછા કેવી રીતે આવીએ?’
8 “હું પુછું છું, શું માણસ દેવને લૂંટી શકે? છતાં તમે મને લૂંટો છો.
“પણ તમે કહો છો, ‘અમે શી રીતે તમને લૂંટીએ છીએ?’
“તમારા પાકનો એક દશાંશમો ભાગ મને નહિ આપીને, તમે મને લૂંટયો છે. 9 તમે શાપ પામીને શાપિત થયા છો; કારણકે તમે, સમગ્ર પ્રજા, મને લૂંટો છો.”
10 “ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ? 11 હું તીડોને મનાઇ કરીશ, જેથી તેઓ તમારાં ખેતરના પાકને ખાઇ ન જાય અને તમારા દ્રાક્ષના વેલા ફળ્યા વગર ન રહે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
12 “ત્યારે બધી પ્રજાઓ કહેશે તમે સુખી છો, કારણ, તમારો દેશ ઇચ્છનીય હશે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.
પાઉલની મુશ્કેલી પ્રભુના કાર્યને મદદરૂપ
12 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે. 13 હું ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવું છું તેથી હું જેલમાં છું તે વાત સ્પષ્ટ બની છે. બધાં જ રાજ્ય દરબારનાં રક્ષકો અને બધા લોકો આ વાતથી જ્ઞાત છે. 14 હું હજુ જેલમાં છું પરંતુ તે વિષે હવે મોટા ભાગના વિશ્વાસીઓને કાંઈક સારું લાગે છે અને તેઓ ખ્રિસ્તની સુવાર્તા લોકોને કહેવા માટે વધુ હિમંતવાન બન્યા છે.
15 કેટલાક લોકો એદેખાઈ તથા વિરોધથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. જ્યારે બીજા લોકો મદદ કરવાનું ઈચ્છે છે તેથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. 16 આ લોકોમાં પ્રેમની લાગણી છે અને તેઓ જાણે છે કે દેવે મને સુવાર્તાનો બચાવ કરવાનું કામ સોપ્યું છે. તેથી તેઓ ઉપદેશ આપે છે. 17 પરંતુ પેલા બીજા લોકો સ્વાર્થી છે તેથી ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપવા માટેનું તેમનું કારણ ખોટું છે. તેઓ મારા માટે કેદખાનામાં મુશ્કેલીઓ ઊભી કરવા માંગે છે. 18 મારે માટે તેઓ મુશ્કેલી ઊભી કરે તેની હું દરકાર કરતો નથી. પરંતુ મહત્વનું એ છે કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. અને મારી એ ઈચ્છા છે કે તેઓ આમ કરે, પરંતુ તેઓએ યોગ્ય કારણથી આમ કરવું જોઈએ. જો કે તેઓ ખોટા અને ખરાબ કારણથી પણ આ કરે તેમા હું ખુશ છું.
હું પ્રસન્ન છું અને રહીશ કારણ કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International