Revised Common Lectionary (Semicontinuous)
ભાગ ચોથો
(ગીત 90–106)
દેવના ભકત મૂસાની પ્રાર્થના.
1 હે દેવ, સર્વ પેઢીઓમાં તમે અમારું નિવાસસ્થાન થયા છો.
2 તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં;
તે પહેલાંથી તમે જ દેવ છો;
તમારી શરૂઆત નથી કે અંત નથી.
3 તમે મનુષ્યોને ધૂળમાં પાછા લઇ જાઓ છો,
અને કહો છો; મનુષ્યપુત્રો પાછા ફરો.
4 કારણ, તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે!
અને રાતના એક પહોર જેવાં છે!
5 તમે અમને, પાણીના પ્રવાહની જેમ ઘસડી જાઓ છો;
અમારું જીવન એક સ્વપ્ન જેવું છે,
અને સવારમાં અમે જોઇ ચૂક્યા હોઇએ છીએ કે અમે ઘાસ જેવાં છીએ.
6 તે સવારે ખીલે છે અને વધે છે;
સાંજે સૂકાઇ જાય છે ને પછી ચીમળાય છે.
7 કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે,
અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
8 તમે અમારાં બધાં પાપો,
અને અમારા ગુપ્ત પાપો પણ જાણો છો
અને તે બધાં તમે જોઇ શકો છો.
9 તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે;
નિસાસાની જેમ અમે વર્ષો પૂરાં કરીએ છીએ.
10 અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે;
કેટલાંક તેમનાં બળને કારણે એંસી વર્ષ પણ જીવે.
તો પણ શ્રેષ્ઠ વર્ષો મિથ્યા, શ્રમ, તથા દુ:ખ માત્ર છે;
કારણ તે ઝડપથી પસાર થઇ જાય છે અને અમારો અંત આવી જાય છે.
11 તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે?
અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?
12 અમારા જીવન કેટલાં ટૂંકા છે તે તમે અમને શીખવો,
જેથી અમે ખરેખર જ્ઞાની બની શકીએ.
13 હે યહોવા, અમારી પાસે પાછા આવો;
પાછા આવો અને તમારા સેવકોને દિલાસો આપો.
14 પ્રત્યેક સવારે અમને તમારી કૃપાથી ભરી દો.
જેથી અમે અમારા સર્વ દિવસો સુખ અને આનંદમાં વિતાવીએ.
15 અમારા અગાઉનાં દુ:ખોનાં પ્રમાણમાં અમને વધુ આનંદ આપો;
અમારી પીડાના વરસોના બદલામાં અમને સારા વર્ષો આપો.
16 તમારા સેવકોને ફરીથી, તમારા ચમત્કારો દેખાડો;
અને તમારો મહિમા તેઓના પુત્રો પર દેખાડો.
17 અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ;
અને અમને સફળતા આપો;
અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો.
હારુનની લાકડીએ ફૂલ
17 પછી યહોવાએ મૂસાને કહ્યું, 2 “તું ઇસ્રાએલી લોકોને કહે કે તેમના કુળસમૂહના આગેવાનો તને કુળદીઠ એક એટલે એકંદરે બાર લાકડીઓ આપે. દરેકની લાકડી પર તેમનું નામ કોતરાવવું. 3 લેવીના કુળસમૂહની લાકડી પર હારુનનું નામ કોતરાવવું; કારણ કે લેવીના વંશની પણ એક જ લાકડી હોય. 4 પછી હું તેને મુલાકાત મંડપમાં કરારકોશ સમક્ષ મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી. 5 મેં જે માંણસને પસંદ કર્યો છે તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે હું ઇસ્રાએલી પ્રજાની તારી સામેની ફરિયાદોનો અંત લાવીશ.”
6 મૂસાએ ઇસ્રાએલીઓને વાત કરી, તેથી કુળસમૂહોના આગેવાનો તેની પાસે પોતપોતાની લાકડી લાવ્યા. અને હારુનની લાકડી પણ તે લાકડીઓ સાથે મૂકી. 7 મૂસાએ એ લાકડીઓ મુલાકાત મંડપની અંદરની સાક્ષ્યમંડપમાં યહોવા સમક્ષ મૂકી.
8 બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી. 9 મૂસાએ યહોવા આગળથી એ લાકડીઓ બહાર લાવીને બધા ઇસ્રાએલીઓને બતાવી. તેમણે લાકડી સામે જોયુ, પ્રત્યેક આગેવાન તેની લાકડી પાછી લઈ લીધી.
10 યહોવાએ મૂસાને કહ્યું, “હારુનની લાકડી પાછી કરાર સમક્ષ મૂકી દે. એ બંડખોર ઇસ્રાએલીઓ માંટે ચેતવણીરૂપ છે, જેથી માંરી વિરુદ્ધના તેમના આ કચવાટનો અંત આવે અને એમને મરવું પડે નહિ.” 11 યહોવાએ જણાવ્યું હતું તે મુજબ મૂસાએ કર્યુ.
ઈસુનું આગમન થશે
3 મારા મિત્રો, તમને લખેલ મારો આ બીજો પત્ર છે. તમારા પ્રામાણિક માનસને કઈક સ્મરણ કરાવવા મેં બંને પત્રો તમને લખ્યા છે. 2 પવિત્ર પ્રબોધકોએ ભૂતકાળમાં જે વાણી ઉચ્ચારેલી તેનું હું તમને સ્મરણ કરાવવા ઈચ્છું છું. અને આપણા પ્રભુ અને તારનારે આપણને જે આજ્ઞા આપેલી તેનું પણ સ્મરણ કરાવવા ઈચ્છું છું. તમારા પ્રેરિતો દ્ધારા તે અમને આપી હતી.
3 અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે. 4 એ લોકો કહેશે કે, “તેણે આગમનનું વચન આપ્યું હતું. તે ક્યા છે? આપણા પૂર્વજો અવસાન પામ્યા. પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે.”
5 પરંતુ ઘણા લાબાં સમય પહેલા જે બન્યું હતું તેને તે લોકો યાદ રાખવા માગતા નથી. આકાશ ત્યાં હતું, અને દેવે પાણી વડે પાણીમાંથી પૃથ્વીનું સર્જન કર્યુ. આ બધું જ દેવના વચન દ્વારા બન્યું. 6 પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું. 7 અને અત્યારે દેવનું તે જ વચન આકાશ અને પૃથ્વીને ટકાવી રાખે છે કે જે આપણી પાસે છે. આ પૃથ્વી અને આકાશ અગ્નિથી નાશ કરવા માટે ટકાવી રાખવામાં આવ્યા છે. પૃથ્વી અને આકાશ ન્યાયના દિવસ સુધી ટકાવી રખાશે અને પછી તેનો અને જેઓ દેવની વિરુંદ્ધ છે તે બધા જ લોકોનો નાશ થશે.
8 પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે. 9 પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.
10 પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે. 11 અને મેં કહ્યું તે પ્રમાણે બધી વસ્તુઓનો વિનાશ થશે. તેથી તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ અને દેવની સેવા કરવી જોઈએ. 12 તમારે દેવના દિવસ માટે આતુરતાથી રાહ જોવી જોઈએ. અને તેને માટે ખૂબ જ ઈચ્છા રાખવી જોઈએ. જ્યારે એ દિવસ આવશે, ત્યારે આકાશ અગ્નિથી નાશ પામશે, અને આકાશમાંની બધી વસ્તુ ગરમીથી ઓગળી જશે. 13 પરંતુ દેવે આપણને એક વચન આપ્યું છે. અને તે વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની આપણે રાહ જોઈએ છીએ.
14 પ્રિય મિત્રો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છે. તેથી પાપહિન અને ક્ષતિહિન બનવા માટે શક્ય તેટલા વધારે પ્રયત્નશીલ રહો. દેવ સાથે શાંતિમાં રહેવાને યત્ન કરો. 15 યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી. 16 પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે. તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો[a] ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે.
17 પ્રિય મિત્રો, તમે આ બધીજ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદઢ વિશ્વાસમાંથી ચલિત ન થાવ. 18 પરંતુ આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન અને કૃપામા તમે વધતા જાઓ. તેને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો! આમીન.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International