Revised Common Lectionary (Semicontinuous)
સારી શાખા
14 યહોવા કહે છે કે, “એવો દિવસ આવશે કે ઇસ્રાએલ તથા યહૂદિયાના હકમાં સર્વ સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ. 15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે. 16 તે સમયે યહૂદિયા તથા યરૂશાલેમના લોકો સમૃદ્ધ થશે અને તેઓ સુરક્ષામાં જીવશે. ‘યહોવા આપણું ન્યાયીપણું’ એ તેઓનું નામ હશે.”
દાઉદનું ગીત.
1 હે યહોવા, મારી જાતને તને સોપું છું.
2 હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
3 જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
4 હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
તમારા રસ્તા વિષે મને શીખવો.
5 મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
6 હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
7 મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
8 યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
9 તમારે કારણે અમારા દેવ આગળ અમે અત્યંત હર્ષ અનુભવીએ છે! તેથી તમારા માટે અમે દેવની આભારસ્તુતિ કરીએ છીએ. પરંતુ જે પરમ આનંદનો અનુભવ અમે કરીએ છીએ તેના માટે અમે દેવનો પૂરતો આભાર માની શકતા નથી. 10 દિવસ અને રાત્રે તમારા માટે અતિશય પ્રાર્થના કરી રહ્યાં છીએ. અમે પ્રાર્થી રહ્યાં છીએ કે તમારા વિશ્વાસમાં જે કઈ ન્યૂનતા હોય તે સંપૂર્ણ કરવા અમે ત્યાં આવી શકીએ, તમને પુનઃમળી શકીએ અને તમને આવશ્યક બધી જ વસ્તુઓ તમને પૂરી પાડી શકીએ.
11 અમે પ્રાર્થીએ છીએ કે દેવ આપણા બાપ અને આપણા પ્રભુ ઈસુ તમારા સુધી પહોંચવા માટેનો અમારો માર્ગ સરળ બનાવે. 12 અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ તમારામાં પ્રેમને વિકસિત કરે. અમે પ્રાર્થીએ છીએ કે તે તમારામાં એકબીજા અને અન્ય લોકો માટે ઉત્તરોત્તર પ્રેમ વધારે. અમે પ્રાર્થીએ કે જેમ અમે તમને પ્રેમ કરીએ છીએ તેમ તમે બધા જ લોકોને પ્રેમ કરો. 13 તમારા હૃદય સુદૃઢ બને તેથી અમે આમ પ્રાર્થીએ છીએ. તેથી જ્યારે આપણા પ્રભુ ઈસુ તેના સર્વ સંતો સહિત પધારે, ત્યારે દેવ આપણા બાપની હજૂરમાં તમે પવિત્ર અને નિર્દોષ બની શકો.
ડરશો નહિ
(માથ. 14:29-31; માર્ક 13:24-27)
25 “સૂર્ય, ચંદ્ર અને તારાઓ સાથે આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. પૃથ્વી પરના લોકો ફસાયાની લાગણી અનુભવશે. સમુદ્ધોમાં ગર્જના તોફાન સજાર્શે. અને લોકો તેનું કારણ સમજી શકશે નહિ. 26 લોકો પૃથ્વી પર શું થશે તેની અતિશય ચિંતાઓથી ભયભીત થઈ જશે. પૃથ્વી પર જે કંઈ થશે તેનાથી આકાશમાં જે બધું છે તે પણ બદલાઇ જશે. 27 પછી લોકો માણસના દીકરાને પરાક્રમ સાથે અને મહા મહિમાસહિત વાદળાંમાં આવતો જોશે. 28 જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ! ચિંતા ના કરો. કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે!”
મારી વાતો જતી રહેવાની નથી
(માથ. 24:32-35; માર્ક 13:28-31)
29 પછી ઈસુએ આ વાર્તા કહી કે, “બધા વૃક્ષો તરફ જુઓ. અંજીરનું વૃક્ષ એક સરસ ઉદાહરણ છે. 30 જ્યારે તે ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 31 તે જ રીતે આ બધી બાબતો વિષે મેં તમને કહ્યું છે. જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો, ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે.
32 “હું તમને સત્ય કહું છું. આ બધી વસ્તુઓ બનશે ત્યારે આ સમયના લોકો ત્યાં સુધી જીવતા હશે! 33 આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ!
પ્રત્યેક ક્ષણે તૈયાર રહો
34 “સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય. 35 પૃથ્વી પરના તમામ લોકો માટે તે આશ્ચર્યજનક રીતે આવશે. 36 તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International