Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 25:1-10

દાઉદનું ગીત.

હે યહોવા, મારી જાતને તને સોપું છું.
    હું હમેશા તમારો વિશ્વાસ કરું છું.
    તો મારી સાથે કોઇ એવી વસ્તુ
ન બને કે જેથી મારે શરમાવું પડે.
    મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ.
    પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે.
    તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.

હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો;
    તમારા રસ્તા વિષે મને શીખવો.
મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ,
    તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો.
    હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
    મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો.
હે યહોવા, તમારા શુભ નામને માટે,
    તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.

યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માર્ગે દોરે છે,
    અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે
    અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે.
10 જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે
    તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.

નહેમ્યા 9:16-25

16 પરંતુ તેઓ અને અમારા પૂર્વજો અભિમાની અને હઠીલા હતા
    અને તેઓ અક્કડ થયા અને તેઓએ તારી આજ્ઞાઓની અવગણના કરી.
17 તેઓ સમક્ષ તેં જે ચમત્કારો કર્યા હતા,
    તે ભૂલી જઇને તેમણે તારૂં કહ્યું કરવાની ના પાડી.
તેઓ અક્કડ થઇ ગયાં અને તેમણે મિસર જઇ ફરી
    ગુલામી સ્વીકારવાનો વિચાર સુદ્ધાં કર્યો.

“પણ તું તો ક્ષમાશીલ, દયાળુ અને પ્રેમાળ દેવ છે;
    તું ઝટ ક્રોધ કરતો નથી.
    તારી કરૂણાનો પાર નથી;
તેથી તેં તેમનો ત્યાગ ન કર્યો.
18 હા, તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવી અને કહ્યું
    ‘આ અમારાં દેવ છે!’ જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા હતાં, આમ તેઓએ ઘણી દેવ નિંદા કરી.
19 છતાંય તેં અપાર કરૂણા બતાવી
    તેઓને વગડામાં છોડી ન દીધાં,
દિવસે વાદળના સ્તંભે તેમને દોરવાનું
    અને રાત્રે અગ્નિના સ્તંભે તેમના
ચાલવાના માર્ગને ઉજાળવાનું ચાલુ રાખ્યું.
20 વળી બોધ આપવા માટે તેં તારો ઉત્તમ આત્મા તેમને આપ્યો,
    અને તેં તેમને શ્રેષ્ઠ આહાર પણ ખવડાવવાનું બંધ કર્યુ નહિ;
    અને તેઓની તૃષા છીપાવવા તેં તેઓને જળ આપ્યું.
21 ચાળીસ વર્ષ સુધી તેં રણમાં તેમની સંભાળ લીધી,
    તે સમય દરમ્યાન તેઓને કશાની ખોટ પડી નહોતી;
ન તેમનાં વસ્ત્રો ઘસાઇ ગયા કે
    ના તેમના પગ ફૂલી ગયા.
22 તેં તેઓને રાજ્યો
    તથા પ્રજાઓ આપ્યાઁ.
તેથી તેઓએ હેશ્બોનના રાજા સીહોન
    તથા બાશાનના રાજા ઓગની ભૂમિ લઇ લીધી.
23 વળી તેં તેઓના વંશજોની આકાશના
    તારાઓની જેમ વૃદ્ધિ કરી,
અને જે દેશ વિષે તેં તેઓના પૂર્વજોને કહ્યું હતું કે,
    તેઓ તેમાં પ્રવેશ કરીને તેમની ભૂમિ પ્રાપ્ત કરશે,
    તેમાં તું તેઓને લાવ્યો.
24 જ્યારે તેઓએ એ ભૂમિમાં પ્રવેશ કરીને એનો કબજો લીધો,
ત્યારે તેં ત્યાંના વતની કનાનીઓને
    તેમની આગળ નમાવી દીધા અને ત્યાંના રાજાઓને
અને લોકોને તેમના હાથમાં જે કરવું હોય
    તે કરવા સોંપી દીધા.
25 પછી તેઓએ કિલ્લાવાળાં નગરો
    તથા રસાળ ભૂમિવાળા પ્રદેશ લઇ લીધાં;
તેઓએ સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ટાંકાઓ, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ,
    તથા પુષ્કળ ફળનાં વૃક્ષો તેઓના કબજામાં આવ્યાં;
તેથી તેઓ ધરાય ત્યાં સુધી ખાધું, આ
    સર્વ સમૃદ્ધિઓથી તેઓ તૃપ્ત થયા,
અને હૃષ્ટપુષ્ટ થયાં અને તારી મહાન કૃપાથી આનંદ પામ્યા.

1 થેસ્સલોનિકીઓ 5:12-22

અંતિમ સૂચનાઓ અને શુભેચ્છાઓ

12 હવે ભાઈઓ અને બહેનો, અમે તમને જે લોકો તમારામાં પરિશ્રમ કરે છે અને પ્રભુમાં તમારા આગેવાનો છે અને તમને સૂચનો કરે છે તેઓનો તમે આદર કરો એમ અમે ઈચ્છીએ છીએ. 13 તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તેને ખાતર તેઓના તરફ પ્રેમ સાથે વધારે આદર દર્શાવો.

14 ભાઈઓ અને બહેનો, અમે તમને જે કહીએ છીએ તે જે કાર્ય કરતાં નથી તેઓને ચેતવણી આપો. જે લોકો બીકણો છે તેઓને ઉત્તેજન આપો. જે લોકો નિર્બળ છે તેઓને મદદ કરો. દરેક વ્યક્તિ સાથે ધીરજપૂર્વક વર્તો. 15 એ બાબતે નિશ્ચિત બનો કે કોઈ પણ વ્યક્તિ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળે. પરંતુ તમારા એકબીજાને માટે જે સારું છે તે કરવા હમેશા પ્રયત્ન કરો.

16 સદા આનંદ કરો. 17 પ્રાર્થના કરવાનું કદી પડતું મૂકશો નહિ. 18 દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે.

19 પવિત્ર આત્માનું કાર્ય કદાપિ અટકાવશો નહિ. 20 પ્રબોધને કદાપિ બિનમહત્વપૂર્ણ ન ગણશો. 21 પરંતુ દરેક વસ્તુની પરખ કરો. જે સારું છે તેને ગ્રહણ કરો. 22 અને સર્વ પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International