Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
ને દેહ તલપે છે.
2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7 તમે મને સહાય કરી છે,
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
દાઉદથી શાઉલના ભયની શરૂઆત
55 જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?”
આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”
56 એટલે રાજાએ તેને કહ્યું, “જા, તે કોનો પુત્ર છે, તે હકીકત શોધી લાવ.”
57 આથી દાઉદ જયારે પલિસ્તીને માંરી નાખીને તેનું માંથું હાથમાં લઈને પાછો આવ્યો ત્યારે આબ્નેર તેને શાઉલ પાસે લઈ ગયો.
58 શાઉલે પૂછયું, “તું, કોનો પુત્ર છે?”
દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક બેથલેહેમના યશાઇનો પુત્ર છું.”
યોનાથાન દાઉદનો નજીકનો મિત્ર બન્યો
18 દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો. 2 તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ. 3 યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી. 4 અને યોનાથાને પોતાનો ઝભ્ભો કાઢીને દાઉદને આપી દીધો. ઉપરાંત, પોતાનું બખ્તર, તરવાર, ધનુષ્ય અને કમરપટો પણ મિત્રતાના પ્રતીક તરીકે આપ્યા. હવે રાજા શાઉલ દાઉદને યરૂશાલેમમાં જ રાખતો હતો અને તેને ઘેર જવા દેતો નહિ.
દાઉદની સફળતા નોંધતો શાઉલ
5 શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું.
સાતમું રણશિંગડું
15 સાતમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું. પછી આકાશમાં મોટે સાદે વાણીઓ થઈ. વાણીઓએ કહ્યું કે:
“આ જગતનું રાજ્ય હવે આપણા પ્રભુ, અને તેના ખ્રિસ્તનું છે;
તે સદાસર્વકાળ રાજ કરશે.”
16 પછી 24 વડીલોએ દેવની સમક્ષ નીચે નમીને દેવની આરાધના કરી. આ તે વડીલો છે જે દેવ સમક્ષ તેનાં રાજ્યાસન પર બેઠા છે. 17 તે વડીલોએ કહ્યું કે:
“હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ.
તું તે એક છે, જે છે અને જે હતો.
હવે તેં મહાસાર્મથ્ય ધારણ કર્યુ છે.
હવે તારું રાજ્ય સ્થાપન થયું છે!
18 જગતના લોકો ગુસ્સે થયા હતા;
પરંતુ હવે તારા ગુસ્સાનો સમય છે.
હવે મૂએલાંનો ઈનસાફ કરવાનો સમય છે.
તારા સેવકોને, તે પ્રબોધકોને
તારા સંતો તથા નાના મોટા લોકોને
જે તારા નામથી ડરનારા છે, તેઓને પ્રતિફળ આપવાનો સમય આવ્યો છે,
જેઓ પૃથ્વીનો વિનાશ કરે છે તે લોકોનો વિનાશ કરવાનો સમય આવી પહોંચ્યો છે!”
19 ત્યાર પછી આકાશમાં દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોશ જોવામા આવ્યો, પછી ત્યાં વીજળીઓના ચમકારા, વાણીઓ, ગજૅનાઓ તથા ધરતીકંપ થયો, તથા પુષ્કળ કરા પડ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International