Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનુ ગીત.
1 હે દેવ, તમે મારા દેવ છો; તમારી શોધમાં હું કેટલું ફર્યો?
જળ ઝંખતી વેરાન સૂકી ભૂમિની જેમ;
તમારે માટે મારો આત્મા કેટલો તલસે છે!
ને દેહ તલપે છે.
2 તેથી તમારું સાર્મથ્ય તથા ગૌરવ જોવા,
પવિત્રસ્થાનમાં હું અપેક્ષા રાખું છું.
3 કારણ, તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે
તેથી જ હું તમારી પુષ્કળ સ્તુતિ કરું છું.
4 હું તમારી સ્તુતિ મૃત્યુપર્યંત કરીશ,
ને હું બે હાથ જોડીને પ્રાર્થના કરીશ.
5 મારી પથારીમાં હું તમારૂં સ્મરણ કરું છું,
અને મધરાતે તમારૂં ધ્યાન ધરું છું.
6 જાણે કે મેં શ્રેષ્ઠ ખોરાક ખાધો હોય તેમ મારો આત્મા તૃપ્તિ અનુભવશે,
આનંદી હોઠોથી મારું મુખ તમારી સ્તુતિ કરશે.
7 તમે મને સહાય કરી છે,
અને હું તમારી પાંખોની છાયામાં હરખાઇશ.
8 મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે,
તેથી મને તમારો જમણો હાથ ઊંચકી રાખે છે.
9 જેઓ મારું જીવન નષ્ટ કરવાની યોજના ઘડે છે,
તેઓ જરૂર પૃથ્વીના ઉંડાણમાં ધકેલાઇ જશે.
10 તેઓ તરવારથી માર્યા જશે,
અને જંગલી શિયાળો દ્વારા ખવાઇ જશે.
11 પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં,
તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
15 એ જ રીતે બેથેલની વેદી અને ઉચ્ચસ્થાનો, જે ઇસ્રાએલને પાપ કરવા પ્રેરનાર નબાટના પુત્ર યરોબઆમે બંધાવી હતી તેનો પણ તેણે નાશ કર્યો, તેના પથ્થરોને ભેગા કરીને ભાંગીને ભૂકો કરી ફેકી દીધો અને અશેરાદેવીની બધી નિશાનીઓને બાળી મૂકી. 16 જ્યારે યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે એક ટેકરી પર કેટલીક કબરો જોઈ, આ રીતે, જે રીતે દેવના માણસે ભવિષ્યવાણી ભાખી હતી તે પ્રમાણે જ તેણે વેદીને ષ્ટ કરી.
17 અને તેણે પૂછયું, “ત્યાં પેલું સ્મારક શાનું છે?”
નગરના લોકોએ કહ્યું, “એ તો જે દેવના માણસ એલિયાએ યહૂદાથી આવીને તમે બેથેલની વેદીના જે હાલ કર્યા તેની અગમ વાણી ભાખી હતી તેની કબર છે.”
18 તેણે કહ્યું, “એ ભલે રહી. કોઈ એનાં હાડકાં ખસેડશો નહિ.” તેથી તેઓએ તેનાં હાડકાં છોડી દીધાં અને સમરૂનથી આવેલા દેવના માણસનાં હાડકાંને પણ કોઈ અડયું નહિ.
19 વળી, યોશિયાએ સમરૂનનાં નગરોમાં ઇસ્રાએલના રાજાઓએ બનાવેલા ઉચ્ચસ્થાનકોનો નાશ કરીને જે યહવોનો રોષ વહોરી લીધો હતો, તે બધાંની પણ તેણે બેથેલમાં કરી હતી તેવી જ દશા કરી.
20 એ ટેકરી ઉપરનાં થાનકોના બધા યાજકોનો તેણે વેદીઓ પર વધ કર્યો, અને તે વેદીઓ પર તેણે માણસનાં હાડકાં બાળ્યાં, પછી તે યરૂશાલેમ પાછો ગયો.
પાસ્ખાપર્વ ઉજવતાં યહૂદાના લોકો
21 રાજાએ સમગ્ર પ્રજાને આ પ્રમાણે આજ્ઞા કરી, “તમારા દેવ યહોવાના માનમાં, કરારના આ પુસ્તકમાં ઠરાવ્યા મુજબ, પાસ્ખાપર્વ ઊજવો.”
22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ. 23 પણ યોશિયાના અમલના 18મે વર્ષે જ આ પાસ્ખાપર્વ યહોવાના માનમાં યરૂશાલેમમાં ઊજવાયો.
24 આ ઉપરાંત યોશિયાએ યાજક હિલ્કિયાને યહોવાના મંદિરમાંથી મળેલી પોથીમાંના નિયમશાસ્ત્રાનાં વચનોનું પાલન કરવા માટે કહ્યું અને બધાં તાંત્રિકો, મેલી વિદ્યાના ઉપાસકો, કુળદેવો અને યહૂદાના પ્રદેશમાં અને યરૂશાલેમમાં જોવામાં આવતી બધી મૂર્તિઓ જે અનાદરને પાત્ર હોય તે બધી બાળી નાખીને તેનો નાશ કરીને તે જગ્યા સાફ કરી નાખી.
25 એના પહેલાં કે પછી એવો કોઈ રાજા થયો નથી, જેણે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને પૂરા હૃદયથી અને સંપૂર્ણ બળથી યહોવાની ભકિત કરી હોય.
બે સાક્ષીઓ
11 પછી મને ચાલવા માટેની લાકડી જેટલો લાબો એક માપદંડ આપવામાં આવ્યો. મને કહેવામાં આવ્યું કે, “જા અને દેવના મંદિરનું અને વેદીનું માપ લે, અને ત્યાં ઉપાસના કરનારા લોકોની ગણતરી કર. 2 પણ મંદિરની બહારના આંગણાનું માપ લઈશ નહિ. તે એકલું છોડી દે. તે જે લોકો યહૂદી નથી તેઓને આપવામાં આવેલ છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર શહેરને ખૂંદી વળશે. 3 અનેં હું મારા બે સાક્ષીઓને આધિકાર આપીશ અને તેઓ 1,260 દિવસ માટે પ્રબોધ કરશે. તેઓ શણના કપડાં પહેરશે.”
4 આ બે સાક્ષીઓ, જૈતુનનાં જે બે વૃક્ષ, તથા બે દીવીઓ જે પૃથ્વીના પ્રભુની સમક્ષ ઊભા રહે છે તે છે. 5 જો કોઈ વ્યક્તિ સાક્ષીઓને નુકશાન કરવાનો પ્રયત્ન કરે છે તો તેઓનાં મુખોમાંથી અગ્નિ નીકળે છે અને તેઓના દુશ્મનોનો નાશ કરે છે. જો કોઈ વ્યક્તિ તેઓને ઇજા કરવાનો પ્રયત્ન કરે છે તો આ રીતે તે મૃત્યુ પામશે. 6 તેઓના પ્રબોધ કરવાના સમય દરમિયાન આ સાક્ષીઓને વરસાદને આકાશમાંથી વરસતો રોકવાની સત્તા છે. આ સાક્ષીઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. તેઓને પૃથ્વી પર દરેક પ્રકારની વિપતિ મોકલવાની સત્તા છે. તેઓ જેટલી વખત ઈચ્છે તેટલી વખત આ કરી શકે છે.
7 જ્યારે તે બે સાક્ષીઓ પોતાનો સંદેશ કહેવાનું પૂર્ણ કરશે, ત્યારે શ્વાપદ તેઓની વિરુંદ્ધ લડશે. આ તે પ્રાણી છે જે અસીમ ઊંડી ખાઈમાંથી બહાર આવે છે. તે પ્રાણી તેઓને હરાવશે, અને તેઓને મારી નાખશે. 8 તે બે સાક્ષીઓના મૃતદેહો મોટા શહેરની શેરીમાં પડ્યાં રહેશે. આ શહેર સદોમ અને મિસર કહેવાય છે. તે શહેરના આ નામો હોવાનો વિશિષ્ટ અર્થ છે. આ તે શહેર છે જ્યાં તેઓના પ્રભુને મારી નાખવામાં આવ્યો હતો. 9 દરેક જાતિઓ, કુળો, ભાષાઓ અને દેશોમાથી આવેલા લોકો બે સાક્ષીઓના મૃતદેહોને સાડા ત્રણ દિવસો સુધી જોશે. લોકો તેઓને દફનાવવાની ના પાડશે. 10 જે લોકો પૃથ્વી પર રહે છે, તેઓ ખુશ થશે. કારણકે આ બે મૃત્યુ પામેલ છે. તેઓ મિજબાનીઓ કરશે અને અકબાજાને ભેટ મોં કલશે. તેઓ આ બધું કરશે કારણ કે આ બે પ્રબોધકોએ જે લોકો પૃથ્વી પર રહે છે તેઓને ખૂબ દુ:ખ દીધું છે.
11 પરંતુ સાડા ત્રણ દિવસ પછી આ બંને પ્રબોધકોના શરીરમાં દેવ તરફથી જીવનનો શ્વાસ આવ્યો. તેઓ પોતાના પગો પર ઊભા થયા. જે બધા લોકોએ તેઓને જોયા તેઓ ભયભીત થયા. 12 પછી તે બે પ્રબોધકોએ આકાશમાંથી મોટા સાદે વાણીને પોતાને કહેતા સાંભળી કે; “અહી ઉપર આવ!” અને તે બે પ્રબોધકો આકાશમાં ઊંચે એક વાદળામાં ગયા. તેઓનાં શત્રુંઓએ તેઓને ચઢતાં જોયા.
13 તે જ સમયે ત્યાં એક મોટો ધરતીકંપ થયો. શહેરનો દશમો ભાગ નાશ પામ્યો. અને 7,000 લોકો ધરતીકંપમાં મૃત્યુ પામ્યા. જે લોકો મૃત્યુ પામ્યા નહોતા તે ઘણા ગભરાયા હતા. તેઓએ આકાશના દેવને મહિમા આપ્યો.
14 (બીજી મોટી આપત્તિ પૂરી થઈ છે. હવે ત્રીજી મોટી આપત્તિ જલદીથી આવી રહી છે.)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International