Revised Common Lectionary (Semicontinuous)
1 યહોવાની સ્તુતિ કરો.
હે મારા આત્મા યહોવાની સ્તુતિ કર.
2 મારા જીવન પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ;
મારા જીવનનાં છેલ્લા શ્વાસ સુધી હું તેમનાં સ્તુતિગીતો ગાઇશ.
3 તમે રાજાઓ કે માણસોનો ભરોસો ન રાખો,
કારણકે તેમની પાસે તારણ નથી.
4 તેનો પ્રાણ તેમને છોડી જાય છે,
અને તેમનું શરીર ધૂળમાં પાછું મળી જાય છે;
અને તેમની બધી યોજનાઓ નકામી જાય છે.
5 જે માણસને સહાય કરનાર યાકૂબના દેવ છે;
અને જેની આશા તેના દેવ યહોવામાં છે; તે આશીર્વાદિત છે.
6 યહોવાએ પૃથ્વી તથા આકાશો,
સમુદ્રો તથા તેમાંના સર્વસ્વનું સર્જન કર્યુ છે,
તે પોતાના પ્રત્યેક વચનનુઁ પાલન કરે છે.
7 તે કચડાયેલાઓનો ન્યાય જાળવી રાખે છે,
તે ભૂખ્યાઓને અનાજ પૂરું પાડે છે.
યહોવા કેદીઓને મુકત કરાવે છે.
8 યહોવા આંધળાને દેખતાઁ કરે છે;
યહોવા ભારે બોજથી દબાયેલાઓનો બોજો હલકો કરે છે,
કારણકે યહોવા ન્યાયી માણસને પ્રેમ કરે છે.
9 યહોવા નિરાશ્રિતોનું રક્ષણ કરે છે;
અને અનાથો તથા વિધવાઓની કાળજી લે છે;
પણ દુષ્ટોની યોજનાઓને ઊંધી વાળે છે.
10 યહોવા સદાકાળ રાજ કરશે, હે સિયોન,
તમારા દેવ પેઢી દર પેઢી રાજ કરશે.
યહોવાની સ્તુતિ થાઓ!
ઘરે આવવુ
18 નાઓમીને થયું કે, રૂથે એની સાથે આવવાનો દૃઢ નિશ્ચય કર્યો છે એટલે તેને કોઈ રીતે સમજાવાય તેમ નથી, એમ માંનીને બોલવાનું બંધ કર્યું. 19 તે બંને બેથલેહેમ સુધી મુસાફરી કરીને ગઇ. તેઓ તેમને ગામ પહોચ્યા પછી લોકો તેમને જોઇને ખુશી થયા અને પૂછયું કે, “શું ખરેખર તેણી નાઓમી છે?”
20 નાઓમીએ કહ્યું, “મને નાઓમી એટલે મીઠી ન કહેશો, મને એટલે કડવી માંરા કહો કારણ, સર્વસમર્થ દેવે માંરા પર મહાસંકટ આણ્યું છે. 21 હું અહીંથી ભરીભાદરી ગઈ હતી, યહોવાએ મને પાછી ખાલી મોકલી છે. યહોવાએ માંરી અવદશા કરી છે, તો શા માંટે મને નાઓમી કહો છો?”
22 આમ નાઓમી તેની પુત્રવધૂ રૂથ સાથે મોઆબથી બેથલેહેમ પાછી આવી. તેઓ પહોંચ્યા ત્યારે જવની કાપણીની ઋતું શરૂ થઈ હતી.
જૂના કરાર પ્રમાણે આરાધના
9 જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી. 2 મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી. 3 બીજા પડદાની પાછળ અંદરનો ભાગ પરમપવિત્રસ્થાન તરીકે ઓળખતો હતો. 4 તેમાં સૌથી વધુ પવિત્ર સુગંધિત સોનાની ધૂપવેદી અને ચારે તરફ સોનાની મઢેલી પેટી હતી અને તેમાં જૂનો કરાર હતો. તે પેટીમાં સોનાની બરણી માન્નાથી[a] ભરેલી હતી. હારુંનની કળી ફૂટેલી લાકડી તથા શિલાપટ પર જૂના કરારની દસ આજ્ઞાઓ લખેલી હતી. 5 અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી.
6 મંડપમાં મેં સમજાવ્યું તે પ્રમાણે દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી. પછી યાજકો હંમેશા પહેલા ઓરડામાં સેવા કરવાનું કામ કરવા જતા. 7 પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો.
8 આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો. 9 આ બાબત પરથી આજના માટે આપણે દાખલો લઈ શકીએ, જે મુજબનાં બલિદાનો અને અર્પણો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ શુદ્ધ કરવા માટે દાવો કરતાં ન હતાં અને પૂર્ણ પણ બનાવી શકતા નહોતાં. 10 આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો.
નવા કરાર મુજબ ઉપાસના
11 હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો. 12 હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International