Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત.
1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું.
હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ,
કારણકે તમે મારા મદદના
પોકાર નો જવાબ નહિ આપો તો
મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.
2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો.
તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું;
અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.
3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા.
તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ”[a] કરે છે
પરંતુ તેઓ તેમની વિરુદ્ધ
દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.
4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો,
તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો;
જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.
5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની
અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે;
જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે
અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.
6 યહોવાની સ્તુતિ થાઓ,
કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.
7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે.
મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે.
મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે,
તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.
8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે.
યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.
9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો,
અને તમારા વારસાને આશીર્વાદ આપો.
વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.
12 મને યહોવાની વાણી સંભળાઇ: 13 “હે મનુષ્યના પુત્ર, જો કોઇ દેશ મારી સાથે વિશ્વાસધાત કરીને પાપમાં પડશે તો હું તેને અન્ન આપવાનું બંધ કરી દઇશ. હું ત્યાં દુકાળ મોકલીશ, ત્યાંના માણસોનો અને પશુઓનો નાશ કરીશ. 14 જો ત્યાં નૂહ, દાનિયેલ, અને અયૂબ એ ત્રણ જણ રહેતા હોય તો તેઓ પોતાના નીતિવંત આચરણથી કેવળ પોતાના પ્રાણ જ બચાવી શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.
15 “જો હું હિંસક જંગલી પશુઓને મોકલું કે આ દેશને વેરાન તથા ઉજ્જડ કરી મૂકે, અને કોઇ માણસ ત્યાંથી પસાર ન થાય. 16 અને જો આ ત્રણ માણસો ત્યાં હોત તો તેઓ પોતાના પુત્ર-પુત્રીઓને બચાવી શક્યા ન હોત. તે ત્રણ માણસો માત્ર પોતાના જીવ બચાવી શક્યા હોત. અને આખો દેશ વેરાન અને ઉજ્જડ થઇ જાત.” એમ યહોવા કહે છે.
17 “અથવા, જો હું એ દેશમાં યુદ્ધ મોકલું અને કહું કે, જા, એ દેશમાં બધે ફરી વળ અને માણસોનો અને પશુઓનો સંહાર કર, 18 તો એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય તોયે, હું યહોવા મારા માલિક, મારા જીવના સમ ખાઇને કહું છું કે, તેઓ પોતાના બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; તેઓ ફકત પોતાના જ પ્રાણ બચાવી શકશે.” આ યહોવા મારા માલિકના વચન છે.
19 “અથવા જો હું તે દેશમાં રોગચાળો મોકલું અને રોષમાં અને રોષમાં માણસોનો અને પશુઓનો સંહાર કરું. 20 જો નૂહ, દાનિયેલ અને અયૂબ એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય, તોયે હું, સર્વસમર્થ યહોવા, મારા પ્રાણના સોગંધ ખાઇને કહું છું કે, તેઓ પોતાનાં બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; પોતાના નીતિવંત આચરણથી તેઓ ફકત પોતાના પ્રાણ બચાવી શકશે.”
21 યહોવા મારા માલિક કહે છે: “એ કેટલું વધારે ભયંકર હશે, જ્યારે હું મારી ચારે ચાર આકરામાં આકરી શિક્ષાઓ યરૂશાલેમના માણસોનો અને પશુઓનો સંહાર કરવા માટે મોકલીશ- યુદ્ધ, દુકાળ, રોગચાળો, અને જંગલી પશુઓ. 22 છતાં તેઓમાંથી થોડા છટકી જવા પામશે અને તે પુત્ર પુત્રીઓને બંધકો તરીકે બાબિલમાં લઇ જવાશે અને તેઓ તમારી સાથે જોડાશે. ત્યારે તમે તેઓની ખરાબ વર્તણૂંક તમારી પોતાની આંખે નિહાળશો. ત્યારે તમે મારો યરૂશાલેમનો વિધ્વંસ તથા જે પ્રત્યેક શિક્ષા મેં ત્યાં મોકલી તે વિષે સમજશો. 23 કારણ કે તેઓ કેવા દુષ્ટ છે તે જોઇને તમને ખાતરી થશે અને તમને સમજાશે કે મેં જે કઇં કર્યું છે તે વગર કારણે કર્યું નથી.” આ યહોવા મારા માલિકના વચન છે.
ઈસુએ બે આંધળા માણસોને દેખતા કર્યા
(માર્ક 10:46-52; લૂ. 18:35-43)
29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા. 30 રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!”
31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!”
32 તે સાંભળીને ઈસુ ઊભો રહ્યો અને તેઓને બોલાવીને પૂછયું, “તમે મારી પાસે તમારા માટે શું કરાવવા ઈચ્છો છો?”
33 તેઓએ કહ્યું, “પ્રભુ, અમારે દેખતા થવું છે.”
34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International