Revised Common Lectionary (Semicontinuous)
અયૂબનો જવાબ
42 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે:
2 “હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે.
તને કોઇ અટકાવી શકે તેમ નથી.
3 યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’
મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી,
મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી.
4 “તેં કહ્યું હતું કે, ‘સવાલ પૂછવાનો વારો મારો છે
ને જવાબ આપવાનો વારો તારો છે.’
5 આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું
પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે.
6 અને યહોવા, મને શરમ આવે છે.
હું ખૂબ દિલગીર છું.
જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ,
હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”
10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું. 11 અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી.
12 યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી. 13 તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. 14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું. 15 સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો.
16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ. 17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો.
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
23 અને જ્યારે આવા ઘણા યાજકો હતા ખરા, કારણ કે યાજક વર્ગમાં તેમને ચાલુ રહેતા મૃત્યુએ અટકાવી દીધા હતા. 24 પણ ઈસુ સદાકાળ રહે છે તે માટે એનું યાજકપદ અવિકારી છે. 25 આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે.
26 ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે. તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે. 27 તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. 28 જૂના નિયમો પ્રમાણે પસંદ કરવામાં આવતા પ્રમુખ યાજકો નિર્બળ અને અધૂરા હતા. પરંતુ દેવના સમનું વચન નિયમશાસ્ત્ર પછી આપવામાં આવ્યું હતુ. તેણે પોતાના પુત્રને સદાકાળ માટે સંપૂર્ણ પ્રમુખયાજક તરીકે નીમ્યો છે.
એક આંધળા માણસને ઈસુનું સાજા કરવું
(માથ. 20:29-34; લૂ. 18:35-43)
46 પછી તેઓ યરેખોના ગામમાં આવ્યા. ઈસુ તેના શિષ્યો અને બીજા ઘણા લોકો સાથે તે ગામની વિદાય લેતા હતા. બર્તિમાય નામનો એક આંધળો માણસ (તિમાયનો પુત્ર) રસ્તાની બાજુમાં બેઠો હતો. આ માણસ હંમેશા પૈસાની ભીખ માંગતો હતો. 47 આંધળા માણસે સાંભળ્યું કે નાઝરેથનો ઈસુ બાજુમાંથી પસાર હતો. તે આંધળા માણસે બૂમ પાડી, “ઈસુ, દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
48 ઘણા લોકોએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને નહિ બોલવા કહ્યું. પરંતુ આંધળો માણસ વધારે ને વધારે બૂમો પાડવા લાગ્યો. “દાઉદના દીકરા, કૃપા કરીને મને મદદ કર!”
49 ઈસુ ઊભો રહ્યો અને કહ્યું, “તે માણસને અહીં આવવા કહો.”
તેથી તેઓએ આંધળા માણસને બોલાવ્યો. તેઓએ કહ્યું, “હિમ્મત રાખ! ઊભો થા! ઈસુ તને બોલાવે છે.” 50 આંધળો માણસ ઝડપથી ઊભો થયો. તેણે તેનો ડગલો ત્યાં મૂક્યો અને ઈસુ તરફ ગયો.
51 ઈસુએ માણસને પૂછયું, “મારી પાસે તું શું કરવાની ઈચ્છા રાખે છે?”
આંધળો માણસ બોલ્યો, “ઉપદેશક, મારી ઈચ્છા ફરી દેખતા થવાની છે.”
52 ઈસુએ કહ્યું, “જા, તું તારા વિશ્વાસને કારણે સાજો થઈ ગયો છે.” પછી તે માણસ ફરીથી દેખતો થયો. તે રસ્તામાં ઈસુને અનુસર્યો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International