Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
નહેમ્યાની પ્રાર્થના
1 હખાલ્યાનો પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. આર્તાહશાસ્તાનાં શાસનના વીસમા વર્ષમાં કિસ્લેવ માસમાં હું પાટનગર સૂસામાં હતો ત્યારે. 2 યહૂદાથી મારા એક સગાવહાલા હનાની યહૂદિયાના બીજા કેટલાક માણસો સાથે આવ્યો; અને બંદીવાસમાંથી બચેલાઓમાંના જે યહૂદીઓ હતા, તેઓ તથા યરૂશાલેમ વિષે મેં તેમને પૂછયું.
3 તેઓએ મને કહ્યું કે, “જેઓ બચી ગયા હતા અને જે પ્રાંતમાં રહે છે તેઓ ખૂબ મુશ્કેલીમાં છે. યરૂશાલેમની આજુબાજુની દીવાલમાં ભંગાણ પડી ગયા છે, અને દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”
4 જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડવા લાગ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો. અને ઉપવાસ કરીને આકાશના દેવ સમક્ષ મેં પ્રાર્થના કરી. 5 મેં કહ્યું:
“હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.
6 “કૃપયા તમારા સેવકની અરજ ધ્યાનથી સાંભળો અને તમારી આંખો ઉઘાડી રાખો. અને મારી પ્રાર્થના સાંભળો; ઇસ્રાએલીઓ તમારા સેવકો માટે રાતદિવસ હું તમારી સમક્ષ તમને પ્રાર્થના કરું છું. અમે ઇસ્રાએલના લોકોએ તમારી વિરૂદ્ધ જે પાપ આચર્યા છે, તેની હું કબૂલાત કરું છું. 7 અમે તમારી વિરૂદ્ધ સાચે જ પાપ કર્યા છે, અમે બધાંએ તમારા સેવક મૂસા મારફતે તમે જે આજ્ઞાઓ, નિયમો તથા કાનૂનો અમને આપ્યાં હતાં તેનો અનાદર કરીને અમે પાપ કર્યુ છે.
8 “તમે મૂસાને જણાવ્યું હતું તે યાદ કરો, ‘જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ. 9 પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઇ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’
10 “તેઓ તમારા સેવકો અને પ્રજા છે, જેઓને તમે તમારા મહાન સાર્મથ્ય વડે અને તમારાં બાહુબળથી બચાવ્યાં છે. 11 હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”
11 હવે જો લેવીના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત. (જેના મારફત લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું) તો હારુંનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ એવો બીજો યાજક મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? 12 કારણ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલવાની અગત્ય છે. દેવ જ્યારે યાજકપદ બદલે છે ત્યારે તેને સંકળાયેલા નિયમો પણ બદલે છે. 13 જેના વિષે વાત કરવામાં આવી છે તે કોઈ બીજા કુળના છે. આ કુળની કોઈપણ વ્યક્તિ વેદીનો સેવક નહોતી. સિવાય કે લેવી કુળની વ્યક્તિ હોય. 14 કેમ કે તે સ્પષ્ટ છે કે આપણો પ્રભુ (ખ્રિસ્ત) યહૂદાના કુળમાં જન્મ્યો હતો. અને મૂસાના નિયમ પ્રમાણે યાજકપદની સેવા તેના કુટુંબને સોંપાયેલી નહોતી.
ઈસુ મલ્ખીસદેક સમાન યાજક
15 મેં જે કંઈ કહ્યું છે તેથી પણ વધારે સ્પષ્ટ થાય છે. કે મલ્ખીસદેક જેવો બીજો યાજક પ્રગટ થઈ રહ્યો છે. 16 એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો, પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે. 17 શાસ્ત્રોમાં એના વિષે કહેવામાં આવ્યું છે કે: “તું મલ્ખીસદેક હતો તેના જેવો જ સનાતન યાજક છે.” (A)
18 પહેલાનો નિયમ એટલા માટે રદ કરવામાં આવ્યો કે તે નિર્બળ અને વ્યર્થ હતો. 19 મૂસાના નિયમશાસ્ત્રથી કશું પૂર્ણ થઈ શક્યુ નથી. અને હવે આપણને વધારે સારી આશા છે. અને તે આશા દ્ધારા આપણે દેવની નજીક આવી શકીએ છીએ.
20 એ વાત પણ એટલી જ અગત્યની છે કે દેવે વચન દ્ધારા ઈસુને પ્રમુખ યાજક બનાવ્યો. જ્યારે બીજા માણસો યાજક બન્યા, ત્યારે દેવે આવા કોઈ સમ લીધા નહોતા. 21 પણ ઈસુ તો દેવના વચન સાથે યાજક બન્યો. દેવે તેને કહ્યું:
“પ્રભુએ સમ ખાધા છે,
તે તેનો વિચાર કદી બદલશો નહિ:
તું સનાતન યાજક છે.” (B)
22 તેથી દેવના સમ દર્શાવે છે કે તેના લોકો માટે દેવ તરફથી ઈસુ ઉત્તમ ખાતરીબદ્ધ કરાર છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International