Revised Common Lectionary (Semicontinuous)
દાઉદનું ગીત. એ ત્યારે લખાયું હતું જ્યારે તેણે ગાંડપણનો ઢોંગ કર્યો જેથી અબીમેલેખ તેને કાઢી મૂકે. દાઉદ આ રીતેતેનાથી નાસી છુટયો.
1 હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ,
અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
2 મારો આત્મા યહોવાની મોટાઇ કરશે.
આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે.
3 આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ.
અને તેના નામનો મહિમા વધારીએ.
4 યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો.
તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
5 જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે;
તેઓના મુખ પર કોઇ નિરાશા નથી.
6 આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો,
અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો.
7 યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે
અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
8 યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ.
જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે.
19 ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે,
પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે.
20 યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે,
તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી.
21 દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે,
અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે.
22 યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે;
યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ.
બાબિલનો માણસ અને હિઝિક્યા
12 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના પુત્ર બરોદાખ-બાલઅદાને કેટલાક માણસોને શુભેચ્છા પત્રો અને ભેટ લઈને હિઝિક્યા પાસે મોકલ્યા કારણ કે તેણે તેની માંદગીના સમાચાર જાણ્યા હતા. 13 હિઝિક્યાએ તેઓનો આભાર માન્યો અને તેઓને પોતાનો આખો ખજાનો બતાવ્યો, તેના ભંડારના બધા જ ચાંદી, સોનું, સુગંધી દ્રવ્યો, મૂલ્યવાન તેલ અને શસ્રભંડાર એ સર્વ તેને બતાવ્યું.
14 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?”
હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”
15 યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?”
હિઝિક્યાએ કહ્યું, “એ લોકોએ મારા મહેલમાં બધું જ જોયું છે. જે કંઇ પણ ભંડારમાં હતું તે બધું તેમણે જોયું છે, ત્યાં કંઇ બાકી નહોતું રાખ્યું જે મેં તેમને ન બતાવ્યું હોય.”
16 ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે; 17 એવો સમય આવી રહ્યો છે જયારે તારા મહેલમાંનું બધું જ, તારા પિતૃઓએ આજ સુધી જે કંઈ ભેગું કર્યુ છે તે બધું જ, બાબિલ લઇ જશે. કશું જ બાકી રહેશે નહિ. 18 અને તારા પોતાના પુત્રોને લઈ જઈને બાબિલના રાજાના મહેલમાં નોકરો તરીકે રાખવામાં આવશે.”
19 હિઝિક્યાએ કહ્યું, “તમે યહોવાનાં જે વચન સંભળાવ્યાં તે સારાં છે.”
તેણે વિચાર્યુ કે, “હું જીવીશ ત્યાં સુધી તો શાંતિ અને સુરક્ષા કાયમ રહેશે ને?”
યાજક મલ્ખીસદેક
7 આ મલ્ખીસદેક શાલેમનો રાજા હતો તથા તે પરાત્પર દેવનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને ઈબ્રાહિમ પાછો આવી રહ્યો હતો, ત્યારે મલ્ખીસદેક તેને મળ્યો. અને મલ્ખીસદેક ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો. 2 ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો.
મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે. તેના બે અર્થ થાય છે પહેલો અર્થ, મલ્ખીસદેક એટલે “ભલાઈનો રાજા.” અને “શાલેમનો રાજા,” એટલે “શાંતિનો રાજા” પણ છે. 3 મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી, તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી, પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે.
4 આ મલ્ખીસદેકની મહાનતાને વિચાર કરો! ઈબ્રાહિમે યુદ્ધમાં જીતીને મેળવેલી તમામ સંપત્તિમાંથી દશમો ભાગ આપી દીધો. 5 નિયમશાસ્ત્ર કહે છે કે લોકો લેવી પુત્રમાંથી એટલે પોતાના ભાઈઓમાંથી બનેલા યાજકોને દશાંશ આપે. યાજકો અને લોકો પછી ભલે તે ઈબ્રાહિમના પરિવારના હોય તો પણ તેમની પાસેથી દશાંશ એકઠા કરે. 6 મલ્ખીસદેક લેવી કુટુંબનો નહોતો. છતાં તેને ઈબ્રાહિમ પાસેથી દશમો ભાગ મળ્યો. ઈબ્રાહિમે દેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા છતાં મલ્ખીસદેક તેને આશીર્વાદ આપ્યો. 7 આશીર્વાદ આપનાર વ્યક્તિ આશીર્વાદ પામનાર કરતાં વધુ મહાન હોય છે તે સર્વ કોઈ જાણે છે.
8 અહીં ર્મત્યે માણસો દશમો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે, તે લે છે. 9 વળી એમ પણ કહી શકાય કે, જે લેવીનો દશમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દશમો ભાગ આપ્યો. 10 કેમ કે જ્યારે મલ્ખીસદેક તેના પિતાને મળ્યો, ત્યારે લેવી હજી પોતાના પિતાની કમરમાં હતો.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International