Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
અયૂબ 38:1-7

યહોવાએ આપેલો જવાબ

38 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે,

“મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર
    આ વ્યકિત કોણ છે?”
તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ,
    અને તું મને જવાબ આપીશ, જવાબ આપવાનો તારો વારો છે.

“જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો?
    તું બહુ સમજે છે તો એ તો કહે કે
પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં?
    દુનિયાને એક માપરેખાથી કોણે માપી હતી?
એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે?
    તેની જગ્યામાં પહેલો પથ્થર કોણે મૂક્યો?
પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું
    અને દેવદૂતોએ જ્યારે તે થઇ ગયું ત્યારે આનંદથી બૂમો પાડી!

અયૂબ 38:34-41

34 “શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો?
    જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો?
35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો?
    એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’
    તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે?

36 “અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે?
    અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?
37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી
    આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે?
38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ
    અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે.

39 “શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો?
    શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો?
40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે
    અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે?
41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય
    અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?

ગીતશાસ્ત્ર 104:1-9

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
    તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
    તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
    વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
    અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
    જેથી તે કદી ચલિત થાય નહિ.
તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
    અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
    તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
    અને ખીણો ઊંડી થઇ ગઇ.
તમે મહાસાગરોને હદ બાંધી આપી;
    જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.

ગીતશાસ્ત્ર 104:24

24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
    તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
    તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.

ગીતશાસ્ત્ર 104:35

35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
    અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.

હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
    તમે યહોવાની સ્તુતિ કરો!

હિબ્રૂઓ 5:1-10

પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે. તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે.

કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે. ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું,

“તું મારો પુત્ર છે;
    આજે હું તારો પિતા બન્યો છું.” (A)

અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે,

“તું મલ્ખીસદેક[a] ની માફક
    સનાતન યાજક રહીશ.” (B)

ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી. ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. 10 અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું.

માર્ક 10:35-45

યાકૂબ અને યોહાનની માગણી

(માથ. 20:20-28)

35 પછી ઝબદીનો દીકરો યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવે છે. તેઓએ કહ્યું, “ઉપદેશક, અમે તને અમારા માટે કશુંક કરવાનું કહેવાની ઈચ્છા રાખીએ છીએ.”

36 ઈસુએ પૂછયું, “તમે મારી પાસે શું કરાવવા ઈચ્છો છો?”

37 પુત્રોએ ઉત્તર આપ્યો, “તું તારા મહિમામાં અમારામાંના એકને તારી જમણી બાજુ બેસવા દે અને એકને તારી ડાબી બાજુ બેસવા દે.”

38 ઈસુએ કહ્યું, “તમે જે માગો છો તે તમે સમજી શકતા નથી. મારે જે પીડા સહન કરવાની છે તેવી તમે સ્વીકારી શકશો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લઈ શકશો?”

39 પુત્રોએ ઉત્તર આપ્યો, “હા અમે કરી શકીશું.”

ઈસુએ પુત્રોને કહ્યું, “હું જે સહન કરીશ તે રીતે તમારે સહન કરવું પડશે. હું જે રીતે બાપ્તિસ્મા પામીશ તેવી જ રીતે તમારું બાપ્તિસ્મા થશે. 40 પણ મારી જમણી કે ડાબી બાજુમાં બેસવાનો અધિકાર આપનાર વ્યક્તિ હું નથી. ત્યાં કેટલાએક લોકો છે તેઓને પેલી જગ્યાઓ મળશે. પેલી જગ્યાઓ તેમના માટે તૈયાર કરવામાં આવી છે.”

41 બીજા દસ શિષ્યોએ આ સાંભળ્યું. તેઓ યાકૂબ અને યોહાન પર ગુસ્સે થયા. 42 ઈસુએ બધા શિષ્યોને સાથે બોલાવ્યા. ઈસુએ કહ્યું, “બિનયહૂદિ લોકો પાસે માણસો છે તેઓ શાસકો કહેવાય છે. તું જાણે છે કે પેલા શાસકો લોકો પર તેમનું ધણીપણું બતાવવા ઈચ્છે છે અને તેમના આગેવાનો લોકો પર તેઓની બધી સત્તાનો ઉપયોગ કરવા ઈચ્છે છે. 43 પણ તમારી સાથે તે રીતે ન થવું જોઈએ. તમારામાંથી કોઈ મહાન થવા ઈચ્છતું હોય તો પછી તેણે સેવકની જેમ તમારી સેવા કરવી જોઈએ. 44 જો તમારામાંથી કોઈ એક સૌથી વધારે મહત્વનો થવા ઈચ્છે તો પછી તેણે તમારા બધાની એક દાસની જેમ સેવા કરવી. 45 તે જ રીતે, માણસનો પુત્ર બીજા લોકો પાસે તેની સેવા કરાવવા આવ્યો નથી. પરંતુ માણસનો પુત્ર બીજા લોકોની સેવા કરવા માટે આવ્યો છે. માણસનો પુત્ર ઘણા લોકોને બચાવવા તેનું જીવન સમર્પિત કરવા આવ્યો છે.”

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International