Revised Common Lectionary (Semicontinuous)
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
હે યહોવા મારા દેવ, તમે ઘણા મહાન છો;
તમે માન અને ગૌરવના ધારણ કર્યા છે.
2 તમે પ્રકાશથી વિંટળાયેલા છો,
અને તમે આકાશને મંડપની જેમ ફેલાવો છો.
3 તમારા આકાશી ઘરનો પાયો;
તમે અંતરિક્ષના પાણી પર નાખ્યો છે;
વાદળાં તમારા રથ છે, અને તમે પવનની પાંખો પર સવારી કરો છો;
4 તમે પવનોને (વાયુઓને) તમારા દૂત બનાવો છો,
અને તમારા સેવકો અગ્નિના ભડકા છે!
5 તમે પૃથ્વીને તેનાં પાયા પર સ્થિર કરી છે,
જેથી તે કદી ચલિત થાય નહિ.
6 તમે પૃથ્વીને વસ્રની જેમ ઊંડાણથી ઢાંકી છે;
અને પાણીએ તેનાં પર્વતોને ઢાંકી દીધાં છે.
7 તમે આદેશ આપ્યો અને પાણી દૂર ઘસી ગયાં,
તમે તમારી ગર્જનાના અવાજથી પોકાર કર્યો અને પાણી દૂર ધસી ગયાં.
8 તમે જણાવેલી સપાટી સુધી પર્વતો ઊંચા થયાં;
અને ખીણો ઊંડી થઇ ગઇ.
9 તમે મહાસાગરોને હદ બાંધી આપી;
જેથી તે ઓળંગે નહિ અને પૃથ્વીને ઢાંકી ન દે.
24 હે યહોવા, કેટલા છે તારા સર્જનો!
તમે બહુ બુદ્ધિપૂર્વક તેમને બનાવ્યા છે.
તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.
35 પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો
અને દુષ્ટોનું અસ્તિત્વ મીટાવી દેવામાં આવે.
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર!
તમે યહોવાની સ્તુતિ કરો!
37 “વીજળી અને ગર્જના મને બીવડાવે છે.
મારું હૃદય મારી છાતીમાં ધડકારા કરે છે.
2 દેવની ગર્જના તથા તેના મુખમાંથી
નીકળતી વાચા ધ્યાન થી સાંભળ.
3 આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે,
એ ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરે છે.
4 વીજળીનો ચમકારો થાય ત્યાર પછી દેવની ગર્જનાના અવાજ સાંભળી શકાય છે,
દેવ તેના મહત્વથી ગર્જના કરે છે.
જ્યારે વીજળી ચમકે છે, દેવનો અવાજ ગજેર્ છે.
5 તેમની ગર્જનાનો અવાજ ભવ્ય હોય છે.
જે મહાન કૃત્યો કરે છે જે આપણે સમજી શકતા નથી.
6 દેવે બરફને કહ્યું,
‘પૃથ્વી પર પડો’
દેવે વરસાદને કહ્યું,
‘પૃથ્વી પર મૂશળધાર વરસો.’
7 અને આ રીતે એ માણસોને કામે જતાં અટકાવે છે,
જેને લીધે તેઓ સમજશે કે તે શું કરી શકે છે.
8 ત્યારે પશુઓ તેમની ગુફામાં ભરાઇ જાય છે
અને એમાં પડ્યાં રહે છે.
9 દક્ષિણ દિશામાંથી વંટોળિયો આવે છે,
ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ઊતરી આવે છે.
10 દેવના શ્વાસથી હિમ બને છે,
અને સમુદ્રો થીજી જાય છે.
11 તે ધાડા વાદળોને પાણીથી ભરી દે છે
અને તેમાં વીજળીઓ ચમકાવે છે.
12 દેવ વાદળોને આખી પૃથ્વી પર વિખેરાઇ જવાનો આદેશ આપે છે.
વાદળો દેવની આજ્ઞા પ્રમાણે કરે છે.
13 દેવ પૂર લાવી લોકોને શિક્ષા કરવા અથવા તો
પાણી લાવી પોતાનો પ્રેમ દર્શાવવા વાદળો બનાવે છે.
14 “હે અયૂબ, સાંભળ, જરા થોભ,
અને દેવના અદ્ભૂત કાર્યોનો વિચાર કર!
15 દેવ વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે
અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણે છે?
16 તે કેવી રીતે હવામાં વાદળાંને અદ્ધર સમતુલીત રાખે છે તે તું જાણે છે?
વાદળો દેવના અદભૂત સર્જનોનું એક દ્રષ્ટાંત છે અને દેવ તેઓ વિષે સર્વ જાણે છે.
17 પણ અયૂબ, તું આ બાબતો જાણતો નથી.
તું એટલુંજ જાણે છે કે તને જ્યારે પરસેવો થાય ત્યારે તારા કપડાં તારી ચામડી ને ચોંટી જાય છે.
અને જ્યારે દક્ષિણ દિશામાંથી હુફાળો પવન વાય છે
ત્યારે બધું શાંત અને સૂમસામ થઇ જાય છે.
18 શું તમે પથરાયેલા આકાશને ચકચકીત કરેલા પીતળની
જેમ ચમકીલુ બનાવામાં દેવને મદદ કરી શકશો?
19 “અયૂબને કહેવા દો કે અમારે દેવને શું કહેવું!
અમારા માં અંધકાર છે!
અમે એની સાથે દલીલો કરી શકતા નથી.
20 હું દેવને કહીશ નહિ કે મારી ઇચ્છા તેની સાથે બોલવાની હતી.
એતો પોતેજ પોતાનો વિનાશ માગવા જેવું થશે.
21 હવે પવને આકાશને ચોખ્ખું કર્યુ છે
અને ત્યાં એટલું બધુ અજવાળું છે કે અમે સૂર્ય સામે જોઇ શકતા નથી.
22 તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા
દેવના ભવ્ય પ્રતાપ સામે પણ આપણે જોઇ શકતા નથી.
23 સર્વસમર્થ દેવ મહાન છે! આપણે તેને સમજી શકતા નથી.
દેવ ખૂબજ શકિતશાળી છે પણ તે આપણી સાથે ન્યાયી છે.
આપણને નુકસાન પહોચાડવું દેવને ગમતું નથી.
24 એ કારણથી લોકો દેવનો આદર કરે છે.
પણ જે અભિમાની છે અને પોતાની જાતને વિદ્વાન માને છે,
દેવ તે લોકોને માન આપતા નથી.”
પ્રાણી પરની સ્રી
17 સાત દૂતોમાંનો એક આવ્યો અને મારી સાથે વાત કરી. આ દૂતોમાંનો એક હતો જેની પાસે સાત પ્યાલા હતા. તે દૂતે કહ્યું, “આવ, અને હું તમને વિખ્યાત વેશ્યાને જે શિક્ષા કરવામાં આવશે તે બતાવીશ. તે એક કે જે ઘણી નદીઓના પાણી પર બેસે છે. 2 પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચારનું પાપ કર્યું છે. પૃથ્વી પરના લોકો તેના વ્યભિચારના પાપના દ્રાક્ષારસથી છાકટા થયા છે.”
3 પછી તે દૂત મને આત્મામાં રણમાં લઈ ગયો. ત્યાં મેં એક સ્ત્રીને લાલ પ્રાણી પર બેઠેલી જોઈ. તે પ્રાણી તેના પર લખાયેલા ઈશ્વરનિંદક નામોથી ઢંકાયેલું હતું. તે પ્રાણીને સાત માથાં અને દસ શિંગડા હતા. 4 તે સ્ત્રીએ જાંબલી અને લાલ રંગના વસ્ત્રો પહેર્યાં હતા. તે સોનાનાં અલંકારો અને કિંમતી પથ્થરોથી શણગારેલી હતી. તેના હાથમાં સોનાનું પ્યાલું હતું. આ પ્યાલું ભયંકર વસ્તુઓ અને તેનાં અશુદ્ધ વ્યભિચારનાં પાપોથી ભરાયેલું હતું. 5 તેના કપાળ પર એક શીર્ષક (નામ) લખાયેલું હતું, આ શીર્ષકનો ગુપ્ત અર્થ છે. જેનું લખાણ આ પ્રમાણે હતું:
હે મહાન બાબિલોન
વેશ્યાઓની માતા
અને પૃથ્વી પરની દુષ્ટ બાબતોની માતા
6 મેં જોયું કે તે સ્ત્રી પીધેલી હતી. તેણે સંતોનું લોહી પીધેલું હતું જે લોકો ઈસુમાંના તેઓના વિશ્વાસ વિષે કહેતા હતા તે લોકોનું લોહી તેણે પીધું હતું.
જ્યારે મેં તે સ્ત્રીને જોઈ ત્યારે હું અતિશય આશ્ચર્ય પામ્યો. 7 પછી તે દૂતે મને કહ્યું કે, “તું શા માટે આશ્ચર્ય પામે છે? હું તને આ સ્ત્રીનો અને જે પ્રાણી પર તે સવારી કરે છે, તે સાત માથા અને દસ શિંગડાંવાળા પ્રાણી નો મર્મ કહીશ. 8 તું જે પ્રાણી જુએ છે તે એક વખત જીવતું હતું પણ તે પ્રાણી હમણા જીવતું નથી. પણ તે પ્રાણી જીવતુ થશે તે અસીમ ઊંડાણમાંથી બહાર નીકળશે અને વિનાશના માર્ગે જશે. પૃથ્વી પર જે લોકો રહે છે. તે આશ્ચર્ય પામશે. કારણ કે તે એક વખત જીવતું હતું, હમણા તે જીવતું નથી. પણ ફરીથી આવશે. પણ આ તે લોકો છે કે જેમના નામો દુનિયાના આરંભથી જીવનનાં પુસ્તકમાં લખેલા નથી.
9 “તને આ વાત સમજવા માટે જ્ઞાની મનની જરૂર છે, તે પ્રાણી પરના સાત માથાં તે સ્ત્રી જ્યાં બેસે છે તે સાત ટેકરીઓ છે. તેઓ સાત રાજાઓ પણ છે. 10 રાજાઓમાંના પાંચ તો મરી ગયા છે. રાજાઓમાંનો એક હમણાં જીવે છે. અને તે એક જે હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે, તે ફક્ત થોડો સમય જ રહેશે. 11 તે પ્રાણી એક વખત જીવતું હતું પણ તે હાલમાં જીવતું નથી. તે જ આઠમો રાજા છે. આ આઠમો રાજા પણ તે પહેલાના સાત રાજાઓમાનો એક છે. અને તેનો વિનાશ થશે.
12 “તે દસ શિંગડાંઓ જે તમે જોયાં તે આ દસ રાજાઓ છે. જેઓને હજુ તેઓનું રાજ્ય મળ્યું નથી. પણ તેઓ એક કલાક માટે તે પ્રાણી સાથે શાસન કરવા અધિકાર મેળવશે. 13 આ રાજાઓમાંના બધા દસ નો હેતુ એક જ છે અને તેઓ તેઓની સત્તા અને અધિકાર તે પ્રાણીને આપશે. 14 તેઓ હલવાનની સાથે યુદ્ધ કરશે. પરંતુ હલવાન તેઓને હરાવશે. કારણ કે તે પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. તે તમને પોતે પસંદ કરેલા અને વિશ્વાસી જેઓને તેણે બોલાવ્યા છે તેઓના વડે તેને હરાવશે.”
15 પછી તે દૂતે મને કહ્યું કે, “જે પ્રાણી તેં જોયું છે તેના પર તે વેશ્યા બેસે છે. આ પ્રાણી તે ઘણા લોકો, જુદી જુદી જાતિઓ, રાષ્ટ્રો અને દુનિયાની ભાષાઓ છે. 16 તે જે દસ શિંગડાંઓ અને પ્રાણી જોયાં તેઓ તે વેશ્યાને ધિક્કારશે. તેઓ તેની પાસેથી બધું જ લઈ લેશે અને તેને નગ્ર છોડી દેશે. તેઓ તેના શરીરને ખાશે અને તેને અગ્નિ વડે બાળી નાખશે. 17 દેવે તેનો હેતુ પૂરો કરવાની ઈચ્છાથી દસ શિંગડાંઓ બનાવ્યાં: તેઓ તેની શાસન કરવાની સત્તા પ્રાણીને આપવા સમંત થયાં. દેવે કહેલાં વચન પૂર્ણ થશે ત્યાં સુધી તેઓ શાસન કરશે. 18 તમે જે સ્ત્રીને જોઈ તે એક મોટું શહેર છે. જે પૃથ્વીના રાજાઓ પર શાસન કરે છે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International