Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.
1 મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
હું મારા મોઢા પર લગામ રાખીશ.”
2 સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
3 મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
અને અંતે હું મારી જીભે બોલ્યો કે,
4 હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
5 તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.
6 મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
તે જે કરે છે તે મૂલ્યહીન છે.
તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?
7 હે પ્રભુ, મારે શું આશા હોય?
તમે જ મારી આશા છો.
8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
9 હે યહોવા, હું મૂગો રહ્યો છું,
હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.
12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
મારા આંસુઓની અવગણના ન કરશો,
આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.
અલીહૂનું ઉદ્બોદન
32 પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિર્દોષ હતો. 2 પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિર્દોષ અને દેવને દોષિત માનતો હતો. 3 વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો. 4 તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા; 5 પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો. 6 બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:
“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો;
માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ.
7 મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ,
વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’
8 પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે.
ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે.
9 માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી,
અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી.
10 “માટે હું કહું છું કે, ‘મને સાંભળો;
હું પણ મારો મત દર્શાવીશ.’
11 જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ.
જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો.
12 તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ.
અયૂબને સામો જવાબ આપ્યો નહિ.
13 તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ.
દેવે નહિ લોકોએ અયૂબની દલીલોનો જવાબ આપવો જેઇએ.
14 એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી,
અને હું તમારી જેમ સામે જવાબ આપીશ નહિ.
15 “અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે,
તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી,
એમની પાસે હવે શબ્દો રહ્યા નથી.
16 અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો.
પણ તેઓ ચૂપ રહ્યા.
તેઓએ તમારી સાથે દલીલ કરવાનું બંધ કર્યુ છે.
17 ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ,
હું જે વિચારું છું તે કહીશ.
18 મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે
મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે.
19 હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય.
હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે.
20 મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ,
મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ.
21 હું કોઇનો પક્ષ નહિ લઉં,
હું કોઇની પ્રશંસા નહિ કરું.
22 મને પ્રશંસા કરતાઁ નથી આવડતું,
જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે!
ધનવાન માણસ અને લાજરસ
19 ઈસુએ કહ્યું, “એક ધનવાન માણસ હતો જે હંમેશા સૌથી સુંદર વસ્ત્રો પહેરતો. તે એટલો ધનવાન હતો કે રોજ ખૂબ વૈભવવિલાસ અને મિજબાનીઓ રાખવા સમર્થ હતો. 20 ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો. લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા. લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો. 21 ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા.
22 “પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો. 23 તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો. 24 તેણે બૂમ પાડી, ‘ઈબ્રાહિમ બાપ, મારા પર દયા કર. લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે; કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું.’
25 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે. 26 તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’
27 “ધનવાન માણસે કહ્યું, ‘પછી કૃપા કરીને પિતા ઈબ્રાહિમ, લાજરસને મારા પિતાને ઘરે પૃથ્વી પર મોકલ. 28 મારે પાંત ભાઈઓ છે. લાજરસ મારા ભાઈઓને ચેતવણી આપી શકે, જેથી તેઓને આ વેદનાની ભૂમિ પર આવવું ના પડે.’
29 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘તેઓની પાસે મૂસાનો નિયમ અને પ્રબોધકોના લખાણો વાંચવા માટે છે. તેમને તેમાંથી શીખવા દે.’
30 “પરંતુ ધનવાન માણસે કહ્યું, ના ઈબ્રાહિમ બાપ! જો કોઈ મરણ પામેલામાંથી તેઓની પાસે આવે, તો તેઓ વિશ્વાસ કરશે અને પસ્તાવો કરશે.
31 “પણ ઈબ્રાહિમે તેને કહ્યું, ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.’”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International