Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Version
ગીતશાસ્ત્ર 39

નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.

મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
    મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
    હું મારા મોઢા પર લગામ રાખીશ.”

સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
    છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
    ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
    અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
    અને અંતે હું મારી જીભે બોલ્યો કે,

હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
    મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
    મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.

મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
    તે જે કરે છે તે મૂલ્યહીન છે.
    તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?

હે પ્રભુ, મારે શું આશા હોય?
    તમે જ મારી આશા છો.
હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
    દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
હે યહોવા, હું મૂગો રહ્યો છું,
    હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
    કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
    તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
    તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
    હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
    જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.

12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
    મારા આંસુઓની અવગણના ન કરશો,
    આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
    હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
    જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.

અયૂબ 28:12-29:10

12 “પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે?
    સમજશકિત ક્યાં મળી શકે?
13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે.
    પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી.
14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી.’
    મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’
15 તે સોનાથી ખરીદી શકાય નહિ.
    આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી.
16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ
    કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ.
17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી.
    કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી.
18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી.
    જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે.
19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી.
    શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ.

20 “તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે?
    આપણને સમજશકિત ક્યાંથી મળી શકે?
21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે.
    આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી.
22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે,
    ‘અમે અમારા કાનોએ
    તેની અફવા સાંભળી છે.’
23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે,
    એને એના રહેઠાણની ખબર છે.
24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે,
    આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે.
25 જ્યારે દેવ પવનનું વજન કરે છે
    અને તે પાણીને માપથી નાખે છે.
26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો
    અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો,
27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ.
    દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું.
28 તેણે માણસને કહ્યું,
    ‘યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે.
    દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.’”

અયૂબનો રોષ

29 વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું:

“હું ઇચ્છું છું, મારું જીવન થોડા મહિના પહેલા હતું તેવું હોત.
    તે વખતે દેવ મારું ધ્યાન રાખતા હતા અને મારી સંભાળ લેતા હતા.
ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો.
    દેવે મને જીવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો.
હું એ દિવસો માટે ઇચ્છું છું જ્યારે
    હું સફળ હતો અને દેવ મારા નિકટના મિત્ર હતા.
તે વખતે સર્વસમર્થ દેવ મારી સાથે હતા
    અને મારા સંતાનો મને વીંટળાયેલા રહેતા હતાં.
તે વખતે જીવન સારું હતું, હું મારા પગ દૂધની તરથી ધોતો
    અને મારી પાસે પુષ્કળ પ્રમાણમાં સારામાં સારુ તેલ હતું.[a]

“એ દિવસોમાં હું જ્યારે નગરના દરવાજે જતો
    ત્યારે આદરપાત્ર આગેવાનોની વચ્ચે જાહેર સભાના સ્થળમાં હું બેઠો હતો.
ત્યારે યુવાનો મને જોઇને માર્ગ મૂકતા હતાં
    અને વૃદ્ધો ઊભા થઇને મને માન આપતા હતાં.
નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા
    અને મોં પર તેઓના હાથ મૂકતાં.
10 નગરનાં ઉચ્ચ અધિકારીઓ ધીમા અવાજે બોલ્યા.
    તેઓની જીભ તેઓના મોઢાના તાળવે ચોંટી ગઇ.

પ્રકટીકરણ 8:1-5

સાતમી મુદ્રા

જ્યારે હલવાને સાતમી મુદ્રા તોડી, ત્યારે ત્યાં આકાશમાં લગભગ અડધા કલાક સુધી શાંતિ હતી. અને મેં દેવ આગળ ઊભા રહેનારા તે સાત દૂતોને જોયા. તેઓને સાત રણશિંગડાં આપવામાં આવ્યા હતાં.

ત્યાર પછી બીજો એક દૂત વેદી પાસે આવ્યો અને ઊભો રહ્યો, આ દૂત પાસે સોનાની ધૂપદાની હતી. તે દૂત પાસે દેવના સર્વ પવિત્ર લોકોની પ્રાર્થનાઓ સાથે અર્પણ કરવા માટે પૂરતું ધૂપદ્રવ્ય હતું. તે દૂતે રાજ્યાસનની આગળ સોનાની વેદી પર તે ધૂપદાની અર્પણ કરી. દૂતના હાથમાંથી ધૂપની ધૂણી દેવના સંતોની પ્રાર્થનાઓ સાથે દેવની આગળ ઊંચે ચડી. પછી દૂતે ધૂપદાનીને વેદીના અગ્નિથી ભરી. તે દૂતે ધૂપદાની જમીન પર ફેંકી દીધી. પછી ત્યાં વીજળીઓના ચમકારા, ગર્જનાઓઅને વાણીઓ સાથે ધરતીકંપ થવાં લાગ્યાં.

Gujarati: પવિત્ર બાઈબલ (GERV)

Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International