Revised Common Lectionary (Semicontinuous)
નિર્દેશક માટે. યદૂથૂન માટે. દાઉદનું ગીત.
1 મેં કહ્યું, “મારા આચાર વિચારની હું સંભાળ રાખીશ;
મારી જીભે હું પાપ કરીશ નહિ.
જ્યાં સુધી, દુષ્ટો મારી આસપાસ હશે
હું મારા મોઢા પર લગામ રાખીશ.”
2 સત્ય બોલવાનું હતું પણ હું બોલ્યો નહિ,
છાનોમાનો મૂંગો ઊભો રહ્યો;
ત્યારે મારી આંતરિક વ્યથા વધી અને મારો શોક વધી ગયો.
3 મારા હૃદયમાં આગ ભભૂકતી હતી,
અગ્નિ સળગી ઊઠયો મારા વિચારનો;
અને અંતે હું મારી જીભે બોલ્યો કે,
4 હે યહોવા, મને જણાવો કે પૃથ્વી પર મારું આયુષ્ય કેટલુ છે?
મારું જીવન કેવું ક્ષણભંગુર છે તે મને સમજાવો.
5 તમે મને જીવવા માટે ખૂબ ટૂંકો સમય આપ્યો છે!
મારું ટૂંકુ જીવન તમારી તુલનામાં કંઇ નથી.
પ્રત્યેક વ્યકિતનું જીવન ઝડપથી અદ્રશ્ય થઇ જતાં વાદળ જેવું છે.
6 મનુષ્યનું અસ્તિત્વ તો ફકત આરસીમાંનું પ્રતિબિંબ છે,
તે જે કરે છે તે મૂલ્યહીન છે.
તે સંપત્તિનો સંચય કરે છે પણ જાણતો નથી કે તેના મૃત્યુ પછી તે કોને મળશે?
7 હે પ્રભુ, મારે શું આશા હોય?
તમે જ મારી આશા છો.
8 હે યહોવા, મને મારા પાપોમાંથી ઉગારો,
દુષ્ટ માણસની જેમ મને તિરસ્કૃત ન થવા દો.
9 હે યહોવા, હું મૂગો રહ્યો છું,
હું તમારી સમક્ષ મારા મોઢેથી ફરિયાદ કરીશ નહિ;
કારણ, તમે જે કર્યુ છે એ હું જાણું છું.
10 હે યહોવા, હવે મને વધુ શિક્ષા ન કરશો,
તમારા પ્રબળ હાથના પ્રહારે હું ખરેખર નષ્ટ જેવોજ થઇ ગયો છું.
11 યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે
તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો.
જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે.
હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે.
જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.
12 હે યહોવા, મારી પ્રાર્થના ધ્યાનથી સાંભળો.
મારા આંસુઓની અવગણના ન કરશો,
આ જીવનમાં હું તમારી સાથે એક યાત્રી જેવો છું,
મારા પિતૃઓની જેમ
હું અહી એક કામચલાઉ વતની છું.
13 મૃત્યુ પછી હું પૃથ્વી પરથીજાઉ તે પહેલાં તમારી વેધક દ્રૃષ્ટી મારા પરથી દૂર કરો;
જેથી ખરેખર બળ પામું ને ફરીથી આનંદ પામું.
અયૂબનો જવાબ
26 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:
2 “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે.
બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!
3 હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી!
તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો!
4 તમે કોની મદદથી બોલો છો?
તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”
5 “પૃથ્વી તળે તથા પાણીમાં
તે મરેલાઓના આત્મા ભયથી ધૂજે છે.
6 દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે,
અને વિનાશને કોઇ ઢાંકણ નથી.
7 દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે
અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
8 એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે
અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી.
9 દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે.
તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
10 દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે,
ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.
11 જ્યારે દેવ તેઓને ડરાવે છે,
આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે.
12 દેવની શકિત સમુદ્રને શાંત કરે છે.
પોતાના ડહાપણથી તેણે રહાબનો[a] નાશ કર્યો છે.
13 એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે,
એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે.
14 આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે.
આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ.
કોઇ ખરેખર જાણી શકતું નથી કે
દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”
9 પછી મેં જોયું, તો ત્યાં ઘણા, ઘણા લોકો હતા. ત્યાં એટલા બઘા લોકો હતા કે કોઈ વ્યક્તિ તે બધાને ગણી શકે નહિ. તેઓ પૃથ્વી પરના સર્વ દેશોમાંથી લોકોની જાતિમાંથી અને ભાષાના હતા આ લોકો રાજ્યાસન તથા હલવાનની આગળ ઊભા હતા. તે બધાએ શ્વેત ઝભ્ભા પહેર્યા હતા અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી. 10 તેઓએ મોટે સાદે પોકાર કર્યો કે, “આપણો દેવ જે રાજ્યાસન પર બેસે છે, તેનો અને હલવાનનો વિજય થાઓ.”
11 ત્યાં વડીલો અને ચાર જીવતા પ્રાણીઓ હતા. બધાજ દૂતો તેમની આજુબાજુ અને રાજ્યાસનની આજુબાજુ ઊભા હતા, તે દૂતોએ રાજ્યાસન આગળ દંડવત પ્રણામ કર્યા અને દેવની આરાધના કરી. 12 તેઓએ કહ્યું કે, “આમીન! અમારા દેવને ધન્યવાદ તથા મહિમા તથા જ્ઞાન તથા આભારસ્તુતિ તથા માન તથા પરાક્રમ તથા સાર્મથ્ય સદાસર્વકાળ હો. આમીન!”
13 પછી વડીલોમાંના એકે મને પૂછયું કે, “આ શ્વેત ઝભ્ભાવાળા લોકો કોણ છે? તેઓ ક્યાંથી આવ્યા છે?”
14 મેં કહ્યું કે, “સાહેબ, તેઓ કોણ છે તે તમે જાણો છો.”
અને તે વડીલે કહ્યું કે, “જેઓ મોટી આફતમાથી પસાર થયા તે આ લોકો છે. તેઓએ હલવાનના રક્તથી તેમના ઝભ્ભા ધોયાં છે. હવે તેઓ ઊજળાં અને સ્વચ્છ છે. 15 તે માટે આ લોકો દેવના રાજ્યાસન આગળ છે. તેઓ મંદિરમાં રાતદિવસ દેવની આરાધના કરે છે અને તે એક જે રાજ્યાસન પર બેઠેલો છે તે તેઓનું રક્ષણ કરશે. 16 તેઓને ફરીથી કદી ભૂખ લાગશે નહિ, તેઓને ફરીથી કદી તરસ લાગશે નહિ. સૂર્ય તેમને ઈજા કરશે નહિ કોઈ પણ પ્રકારની ગરમી તેમને બાળશે નહિ. 17 રાજ્યાસનની મધ્યે જે હલવાન છે તે તેઓનો પાળક થશે. તે તેઓને જીવનજળનાં ઝરંણાંઓ પાસે દોરી લઈ જશે. અને દેવ તેઓની આંખોમાંનાં બધાજ આંસુ લૂછી નાખશે.”
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International